બિપરજોય વાવાઝોડામાં મૂળ સાથે ઉખડી ગયેલા વૃક્ષોને કેવી રીતે બચાવી શકાય? જાણો આ માર્ગદર્શિકા
Cyclone Biparjoy Effect: વાવાઝોડાના કારણે ઘણા બગીચાઓમાં આંબાના તથા અન્ય ફળઝાડો પડી ગયા, ત્રાંસા થઇ ગયા હોય અથવા મૂળ સાથે ઉખડી ગયા હોય તેવી પરિસ્થિતિમાં આવા ઝાડને માવજત આપીને બચાવી શકાય છે.
Trending Photos
Cyclone Biparjoy Effect: વાવાઝોડાના પગલે નુકશાન થયેલ ફળઝાડ બાબતે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કુલપતિ ડો.વી.પી.ચોવટિયાના માર્ગદશન હેઠળ બાગાયતશાસ્ત્ર વિભાગ ડો.ડી.કે.વરુ દ્વારા જરુરી સલાહ આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઘણા બગીચાઓમાં આંબાના તથા અન્ય ફળઝાડો પડી ગયા, ત્રાંસા થઇ ગયા હોય અથવા મૂળ સાથે ઉખડી ગયા હોય તેવી પરિસ્થિતિમાં આવા ઝાડને માવજત આપીને બચાવી શકાય છે. આ ઝાડને બચાવવા માટે ખેડૂતોએ કેટલીક સલાહ મુજબ કામગીરી કરવાની રહે છે.
1. આંબાના જે બગીચાઓમાં આંબાનું ઝાડ ઢળીને જમીન પર મૂળ સાથે ચોટેલા હોય કે જે સાવ જમીન ઉપર ઢળી ગયું હોય અથવા ત્રાસુ થઇ ગયું હોય આવા ઝાડને સૌ પ્રથમ તેનો વજન ઓછો કરવા માટે ટોચની તમામ ડાળીઓ જરુરિયાત મુજબ કરવતથી કાપવી. ડાળીઓને કુહાડાથી કાપવી નહિ. ડાળીઓ કાપ્યા બાદ ઝાડ જે દિશામાં નમી ગયેલ હોય તેની વિરુધ્ધ દિશામાં કે જ્યાં ઝાડનાં મૂળ ખુલ્લા થઇ ગયા છે તે ભાગમાં અંદાજે ૩ થી ૪ ફૂટનો ખાડો કરવો. ખાડો કાર્યા બાદ તેમાં છાણિયું ખાતર અને માટીનું મિશ્રણ બનાવી જરુર મુજબ નાખવું.
ત્યાર બાદ ઝાડને ટ્રેક્ટર કે જેસીબીની મદદથી હળવેકથી ઉંચા કરવા. ઉચા કર્યા પછી ત્યાં ટેકો આપી માટી પૂરી ઝાડને ઉભું કરવું. ઉભું થઇ ગયેલા ઝાડમાં કાપેલા ભાગ પર બોર્ડોપેસ્ટ લગાવવું, જે બજારમાં તૈયાર મળે છે. આમ છતાં, ખેડૂત જાતે બનાવવા ઈચ્છે તો ૧ કિલો મોરથુથુ + ૧ કિલો ચૂનો + ૧૦ લીટર પાણી મુજબ બનાવવું. બોર્ડોપેસ્ટ લગાવ્યા બાદ ઝાડને કોપરએક્સીકલોરાઇડ ૧૫ ગ્રામ / ૧૦ લીટર પાણીમાં નાંખી છંટકાવ કરવો. તદ્દઉપરાંત ઝાડની ફરતે ખામણું કરી તુરંત પાણી આપવું. ત્યાર બાદ કોપરઓક્ઝીક્લોરાઈડ ૪૦ ગ્રામ / ૧૦ લીટર પાણી મુજબ દ્રાવણ બનાવી ઝાડના થડની ફરતે ખામણામાં અંદાજે ૧.૫ થી ૨ લીટર દ્રાવણ રેડવું.
2. ઘણા આંબાના ઝાડ સાવ મૂળસાથે ઉખડી ગયા હોય આવા ઝાડને પણ નીચે મુજબની કામગીરી કરવામાં આવે તો આવા ઝાડો બચી જવાની શક્યતાઓ રહે છે. આવા ઝાડ માટે સૌપ્રથમ ઝાડનું હેવી કટિંગ કરવું એટલે કે ઝાડને સામાન્યરીતે થડ થી ૧૦ થી ૧૫ ફૂટ રાખી બાકીનું સારી કરવતથી કાપી નાખવાં. ત્યાર બાદ ઉપર જણાવ્યા મુજબ કાપેલા ભાગ ઉપર બોર્ડોપેસ્ટ લગાવવું. ત્યારબાદ ઝાડ જે જગ્યાએ ઉખડી ગયેલ છે તે જગ્યાએ જેસીબીની મદદથી અંદાજે ૪ થી ૫ ફૂટનો ખાડો કરવો. ઝાડને જેસીબીની મદદથી હળવેકથી ઉપાડી આ ખાડામાં જરુરિયાત મુજબ જમીન લેવલને ધ્યાનમાં રાખી જરૂરી માટી તેમજ છાણીયા ખાતરનું મિશ્રણ નાખી એકદમ મજબૂતી પૂર્વક રોપવું. રોપ્યા બાદ તુરંત ખામણું કરી પાણી આપવું તેમજ ઉપર જણાવ્યા મુજબ કોપરઓક્ઝીક્લોરાઈડનું ડ્રેન્ચિંગ કરવું.
3. આંબાની જેમ અન્ય ફળ ઝાડો જેમ કે ચીકુ, લીંબુ, દાડમ, સીતાફળ વગેરે ઝાડમાં પણ ઝાડ નમી ગયું હોય કે સાવ મૂળમાંથી ઉખડી ગયું હોય ત્યારે ઉપર આંબામાં જણાવ્યા મુજબ જ અનુસરવાથી ઝાડ ઉભું કરી બચાવી શકાય છે.
4. ઉપરોક્ત ફળ ઝાડો ઉપરાંત નાળિયેરીનાં પાકને પણ આ વાવાઝોડાનાં કારણે ખૂબજ નુકશાન થયું છે. જેથી નાળિયેરીનાં ઝાડોને બચાવવા માટે પણ પ્રયાસ કરવા જરુરી છે. આમ તો નાળિયેરીમાં તેનું પ્રકાંડ એવા પ્રકારનું છે કે જેમાં નવી ડાળીઓ ફૂટતી નથી તેમજ નાળિયેરીની પોટી એક વખત નુકશાન પામે ત્યારે આવા ઝાડ ફરીથી સજીવન થતા નથી. આમછતાં જે ઝાડની પોટી નુકશાન પામેલી ન હોય, ઝાડ વચ્ચેથી બટકી ગયેલ નહોય અને આડું કે ત્રાસુ થઇ ગયું હોય ત્યારે આવા ઝાડને બચાવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
જે માટે ઉપર જણાવેલ પ્રોસેસ મુજબ આડા થયેલ ઝાડની વિરુદ્ધ દિશામાં ખાડો કરવો. જેમાં જરૂરિયાત મુજબના છાણિયું ખાતર તેમજ માટીનું મિશ્રણ નાખવું. ત્યાર બાદ ઝાડને ટ્રેકટર કે જેસીબીની મદદથી હળવેકથી ઊંચું કરી ઉભું કરવું. ત્યાર બાદ જરુરિયાત મુજબ જમીન લેવલ ધ્યાનમાં રાખી માટીનું મિશ્રણ નાખવું. થડની ફરતે માટી દબાવવી તેમજ ખામણું કરી પાણી આપવું. આ ઉપરાંત ઉપર જણાવ્યા મુજબ કોપરઓક્ઝીક્લોરાઈડનું ડ્રેનચીંગ કરવું.
5. હાલજે ખેતી પાકો ખેતરમાં છે. તેને બચાવવા માટે પુરતા પ્રયત્ન કરવા જોઈએ. તેમાં તલના ઉભડા પડી ગયેલા હોય તો તેને ફેરવી સુકી જગ્યાએ રાખવા. તેમજ કઠોળ પાકો જે પાક ઉપર હોય તેમને વાઢી સૂકવવા જોઈએ. ખાસ કરીને આ વાવાઝોડાને કારણે ઘણા વિસ્તારમાં 2 થી 7 ઈંચ વરસાદ પડયો છે. ત્યાં ખેડૂતો વેલડી (આડી) મગફળીનુ જ વાવેતર કરે. બાકી અર્ધવેલડી તેમજ ઉભડી મગફળી અને કોઈપણ અન્ય પાકનું વાવેતર ન કરે. ખાસ કરીને કપાસનું આગોતરું વાવેતર કરે. કેમ કે આગોતરા વાવેતરના કારણે ગુલાબી ઈયળો આવવાની પૂરી શક્યતા છે. હાલ જ્યાં વરસાદ પડયો છે. તે વરાપે પછી જે નિંદામણ ઉગ્યું હોય તેમાં રાપ ચલાવી ત્યા રાખવું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે