જસદણ પેટા ચૂંટણી : મતદાન પૂર્ણ, અવસર નાકિયા -બાવળિયાનું ભાવિ EVMમાં કેદ
જસદણ બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 72 ટકા જેટલું મતદાન થયાનો ચૂંટણી અધિકારીએ અંદાજો આપ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સહિત આઠ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે. આગામી રવિવારને 23મી તારીખે મત ગણતરી કરાશે. વર્ષોથી કોંગ્રેસના ગઢ સમાન એવી આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંનેનો દાવ લાગ્યો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ : જસદણ બેઠક માટે પેટા ચૂંટણી માટે આજે યોજાયેલ મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 72 ટકા જેટલું મતદાન થયાનો ચૂંટણી અધિકારીએ અંદાજો આપ્યો છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા સહિત આઠ ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ થયા છે. આગામી રવિવારને 23મી તારીખે મત ગણતરી કરાશે. વર્ષોથી કોંગ્રેસના ગઢ સમાન એવી આ બેઠક પર ભાજપ કોંગ્રેસ બંનેનો દાવ લાગ્યો છે.
- મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી ડો.એસ.મુરલીક્રિષ્ણાએ કરી પ્રેસ કોન્ફરન્સ
- જસદણ પેટાચૂંટણીમાં અંદાજે 72 ટકા મતદાન થયું.
- મતદાન દરમિયાન 8 ફરિયાદ આવી હતી તેમાથી બે ફરિયાદ પેન્ડીગ છે,જેમાં ફોટો અને ઓડીયો ક્લિપની ફરિયાદ પેન્ડીગ છે.
- રાજ્ય સરકારના રિપોર્ટને આધારે કેન્દ્રીય ચૂંટણી પંચને મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારીએ મોકલી આપ્યો છે.
- મતદાન ગણતરી જગ્યાએ પોલીસ બંદોબસ્ત પૂરતો રાખવામાં આવ્યો છે ત્યાંની તૈયારીઓ પુરી થઈ ગઈ છે.
- જસદણ કનેરીયા શાળા બૂથ 25માં પી.ઓ.1 તરીકે ફરજ પર અધિકારીની તબિયત લથડી. અરવિંદભાઈ બચુભાઇ વોરાની તબિયત લથડતા ગોંડલ સિવિલમાં એડમિટ કરાયા
- 3 વાગ્યા સુધી 58 ટકા મતદાન થયું છે. બપોર હોવા છતાં જસદણવાસીઓમાં ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળી રહ્યો છે
- મતદારને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરતા કુંવરજી બાવળિયાનો ઓડિયો વાઈરલ થયો. કોંગ્રેસે મતદારને ધમકાવ્યાનો આક્ષેપ કર્યો.
- બપોરે 2 વાગ્યા સુધીમાં જસદણ પેટાચૂંટણીમાં 50.15 ટકા જેટલું મતદાન થયું. પહેલા 6 કલાકમાં સરેરાશ 52થી 53 ટકા મતદાન થયું. સૌથી વધુ જસદણના શહેરી વિસ્તારમાં થયું. બે વાગ્યા સુધી એકંદરે શાંતિપૂર્વક મતદાન રહ્યું.
- પૂર્વ પાસ કન્વીનર દિનેશ બાંભણિયા વોટ આપવા મતદાન મથકે પહોંચ્યા. તેમણે કમળાપુર ગામે પોતાના પરિવાર સાથે તેમણે મતદાન કર્યું હતું.
- જસદણ વિધાનસભા પેટાચૂંટણી માટે મતદાન ચાલી રહ્યુ છે ત્યારે કલેક્ટરે શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યુ હોવાની વાત કરી. સાથે જ કલેક્ટર રાહુલ ગુપ્તાએ લોકોને વધારેમાં વધારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો.
- જસદણમાં દિવ્યાંગો માટે એક ખાસ મતદાન મથક ઉભુ કરાયુ છે. સામાન્ય મતદારોની સાથે દિવ્યાંગ મતદારો સરળતાથી મતદાન કરી શકે તે માટે આ મતદાન મથક ઉભુ કરાયુ છે. તો પેટાચૂંટણીમાં મતદાન માટે સામાન્ય લોકોની સાથે દિવ્યાંગ લોકોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળ્યો.
- વિરજી ઠુમ્મરની સાણથલીથી નવાગામ જતાં રસ્તામાં પોલીસે અટકાયત કરી છે. તેઓ ઘરે જતાં હતા ત્યારે અટકાયત કર્યાનો દાવો કરાયો છે. પોલીસે વિરજી ઠુમ્મરને 5 વખત સૂચના આપી હતી. તેઓ વિસ્તાર કેમ નથી છોડતા કહીને અટકાયતનો દાવો કરાયો છે. જાહેરનામાના ભંગ બદલ તેમની અટકાયત કરાઈ છે. જેને પગલે વિરજી ઠુંમર રસ્તા પર બેસી ગયા હતા. આ દરમિયાન તેમણે સ્થાનિક વહીવટી તંત્ર પર કોંગ્રેસના નેતાઓને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ મુક્યો હતો.
- જસદણમાં અડધા દિવસ સુધીમાં 41 ટકા મતદાન નોંધાયું છે. ચૂંટણીપંચના 12 વાગ્યાના આંકડા સુધી 37 ટકા મતદાન નોંધાયેલું છે. સૌથી વધુ મતદાન જસદણના શહેરી વિસ્તારોમાં થયુ છે. જસદણ-21 મતવિસ્તારમાં 49 ટકા મતદાન નોંધાયું છે. તો કાંસલોલિયા-2 કેન્દ્ર પર સૌથી વધુ 57 ટકા મતદાન અને ડોડિયાળા-2 કેન્દ્ર પર સૌથી ઓછું 20 ટકા મતદાન થયું છે.
- ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય રૂત્વિક મકવાણાની રાજકોટ રૂરલ પોલીસે અટકાયત કરી છે... રૂત્વિક મકવાણા મતદાનના દિવસે ચૂંટણી પ્રચાર કરતા હોવાના મુદ્દે પોલીસે તેમની શીવરાજપુર નજીકથી અટકાયત કરી છે.
- લીલાપુરમાં વીવીપેટમાં ખામી સર્જાતા થોડીવાર માટે મતદાન રોકાયું હતું. વીવીપેટ બદલાવી પુનઃ મતદાન શરૂ કરાવાયું. બાકી સ્થળોએ સરળતાથી મતદાન થઈ રહ્યું છે.
- જસદણ ગામે આદર્શ દિવ્યાંગ મતદાન મથક પર બબાલ મતદાન કરવાના મામલે બબાલ થઈ હતી. અકસ્માતના દર્દી ભરતભાઈ અજુભાઈ વાઘેલાને મત આપવા દેવાનો અધિકારીઓએ ઇનકાર કર્યો હતો અને તેમને મતદાન કેન્દ્રમાંથી બહાર ધકેલી દેવામાં આવ્યા હતાં. જેના કારણે દર્દીના પરિવારજનોમાં આક્રોશ જોના મળ્યો હતો. જોકે બીજી તરફ અધિકારીઓનું કહેવું હતું કે, દર્દી બોલવામાં કે પોતાની જાતે મત આપવા માટે અશક્ત હતા. જેના કારણે તેને મત આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. જો કે પરિવારજનોનું કહેવું છે કે, દર્દી આ જ સ્થિતિમાં છેલ્લા 2 વર્ષથી પોતાના મતદાનના અધિકારનો ઉપયોગ કરે છે.
- જસદણ વિધાનસભા પેટા ચૂંટણીમા સૌથી મોટી ઉંમરના મતદારે મતદાન કર્યું.
- જંગવડના 112 વર્ષની ઉંમરના રાણીબેન દુધાતે કર્યું મતદાન જસદણ વિધાનસભા પેટા ચૂંટણી મા 12 વાગ્યા સુધી 36.85 % મતદાન નોંધાયું.
બંને પક્ષો પ્રચારમાં વિકાસનો મુદ્દો વિસર્યાં, ત્યારે જસદણનો જનાદેશ કોને ફળશે?
- દડલી ગામે પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો બનાવ બન્યો છે. કોંગ્રેસના નેતાઓને પોલીસ હેરાન કરતી હોવાનો લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે આક્ષેપ કર્યો છે. વહેલી સવારથી જ મતદાન માટે લાંબી લાઇનો લાગી
- બીજેપી જસદણ નામના ગ્રૂપમાં ફોટો વાઈરલ થયો છે. જેમાં એક મતદાતાએ મતદાન બૂથની અંદરનો ફોટો મૂક્યો છે. જેમાં મતદાર મતદાન આપી રહ્યો છે તેવો આ ફોટો છે. પોલારપર ગામના ઈવીએમમાં તે કુંવરજીભાઈને મતદાન કરી રહ્યો છે તેવો ફોટો છે, જેમાં તે અન્ય લોકોને પણ મતદાન કરવાનું સૂચવી રહ્યાં છે. ત્યારે આ અંગે ચૂંટણી પંચ ફરિયાદ કરી શકે છે.
- પેરાલિસીસથી પીડિત યુવાન રોહિત રાજપરા નામના યુવાને પણ મતદાન કર્યું હતું. તેમજ જસદણના 105 વર્ષના માજી કેસરબેન છગનભાઇ વાઘેલાએ મતદાન કર્યું હતું. વિકલાંગો માટે અલગ જ મતદાન મથકની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઇ ઘોડીના સહારે તો લાકડીના ટેકે મતદાન કરવા આવી રહ્યા છે. વિકલાંગોને લેવા-મુકવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
- જસદણના પારેવડામાં લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. તેઓે પાણીની સમસ્યાથી ગુસ્સે થઈને મતદાનનો બહિષ્કાર કર્યો હતો.
- આદર્શ મહિલા મતદાન મથકને દુલ્હનની જેમ શણગારાયું છે. જસદણની ડી.એસ.વી.કે. હાઇસ્કૂલમાં સૌપ્રથમ વખત મહિલા મતદાન કેન્દ્ર ખોલવામાં આવ્યું છે. જેનું નામ આદર્શ મહિલા મતદાન મથક રાખવામાં આવ્યું છે. જેને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યું છે.
- 11 વાગ્યા સુધી 25 ટકા મતદાન નોંધાયું છે.
- જસદણ વિરનગર ખાતે ખેડૂતો દ્વારા અનોખું મતદાન કરાયું. ખેડુતો દ્વારા ગળામાં ડુંગળી અને લસણનો હાર પહેરી વિરોધ નોંધાવવામાં આવ્યો. પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કરી કર્યું મતદાન
- બે કલાકમાં સરેરાશ 10 ટકા મતદાન કર્યું, ગ્રામ્ય વિસ્તારોમાં સરેરાશ 15થી 17 ટકા મતદાન થયું. જસદણ શહેરમાં સરેરાશ 8થી 10 ટકા મતદાન થયું. વિંછીયામાં સરેરાશ 10 ટકા જેટલું મતદાન થયું. પહેલા બે કલાકમાં ગ્રામ્ય વિસ્તારમાં શહેર કરતા વધુ મતદાન થયું હતું.
- પહેલા મતદાન અને પછી જલપાન, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- જસદણ પેટાચૂંટણીમાં 5 ઇવીએમ મશીનને મોક પોલ દરમ્યાન બદલવાની ચૂંટણી પંચને ફરજ પડી.
- ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, જસદણમાં પ્રથમ કલાકમાં ૭.૯૭ ટકા મતદાન થયું . સરેરાશ ૮ ટકા થયુ
- જસદણના પૂર્વ ધારાસભ્ય ભરત બોઘરા અને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો. ભરત બોઘરા અને પરિવારે ઢોલ નગારા સાથે મતદાન કરવા નીકળ્યા હતા. ત્યારે ભરત બોઘરાએ જણાવ્યું હતું કે ભાજપનો બહુમતી સાથે વિજય નક્કી છે.
- મતદાન શરૂ થયાના અડધા કલાકમાં જ કોંગ્રેસના અવસર નાકિયા અને ભાજપના કુંવરજી બાવળીયાએ મતદાન કર્યું હતું.
- આઠના ટકોરે જસદણમાં મતદાન શરૂ કરાયું છે. કડકડતી ઠંડી હોવા છતા જસદણની ગલીઓમાં ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો હતો. વહેલી સવારે જ લોકો પોતાનો મત આપવા પહોંચી ગયા હતા.
કુંવરજીએ કુળદેવીના આર્શીવાદ લીધા, તો નાકિયા છકડો ચલાવીને બૂથ પર આવ્યા
કુંવરજીએ પૂજા કરી
આજે કુંવરજી માટે આ જીત બહુ જ મહત્વની સાબિત થવાની છે. તેમણે આ વર્ષે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો સાથ પકડ્યો હતો. અત્યાર સુધી તેઓ કોંગ્રેસ તરફથી લડતા હતા, અને જીતતા હતા. ત્યારે પક્ષપલટા બાદ જસદણની જનતા તેમને સાથ આપે છે કે, નહિ તે તેમના માટે મહત્વનું છે. ત્યારે તેમણે મતદાન શરૂ થતા પહેલા ઘરે પૂજાપાઠ કર્યો હતો. જસદણ બેઠકમા જીતનો રેકોર્ડ 21000 છે. આજે કુંવરજીભાઇ પોતે જ પોતાનો રેકોર્ડ તોડી 51000 મતથી જીતનો દાવો કર્યો છે. તેઓ આજે પોતાની કુળદેવીના દર્શન કર્યા બાદ મતદાન કરવા જશે.
જસદણ પેટા ચૂંટણીઃ આજે મતદાન, નાકિયા કે બાવળિયાનું ભાવી થશે નક્કી
તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા મતદાન માટે રવાના થઈ ગયા છે. તેઓ જાતે છકડો ચલાવી મતદાન માટે નીકળ્યા હતા. અવસર નાકિયા પોતાના વતન હાંસલપુરમાં મતદાન કરશે.
આજે જસદણના કુલ 2.32 લાખ મતદારો પર બધો આધાર છે કે, તેઓ કોણે ચૂંટશે. જેમાં 35 ટકા કોળી મતદારોનો, 20 ટકા લેઉઆ તો 7 ટકા કડવા પાટીદાર, 8 ટકા ક્ષત્રિત તો 7 ટકા લઘુમતી મતદારો જસદણના ઉમેદવારનુ ભાવિ નક્કી કરશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસ છેલ્લી 14 ચૂંટણીમાં 9 વાર જીતી છે.
જસદણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇ જિલ્લા પોલીસ સજ્જ થઈ ગઈ છે. પેટા ચૂંટણીમા 1200 જેટલા પોલીસ જવાનોનું સુરક્ષા કવચ ફાળવાયું છે. પોલીસના 306, ગૃહ રક્ષક દળના 311 જવાનો તેમજ લશ્કરી દળની 6 કંપની ચૂંટણીમા ફરજ બજાવશે. કુલ 159 સ્થળ પર 262 બુથ છે, જે પૈકી 72 સ્થળોના 126 બુથ પર વિશેષ તકેદારી રાખવામાં આવશે. પેરા મિલિટરીની 6 કંપનીના 540 જવાનો જસદણ ખાતે પેટા ચૂંટણીના સુરક્ષા કવચમા જોડાશે. મતદાન પૂર્ણ થયા બાદ પેરા મિલિટરીની 5 કંપની રવાના થશે અને બાકી 1 કંપનીના જવાનો સ્ટ્રોંગ રૂમ બહાર ફરજ પર રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે