પટેલ પરિવારનો પ્રેરણારૂપ નિર્ણય, બ્રેઈનડેડ મહિલાએ 7 વ્યક્તિઓને આપ્યું નવજીવન
'અંગદાન, મહાદાન'ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમાં હૃદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની
Trending Photos
સુરત: 'અંગદાન, મહાદાન'ને સાર્થક કરતાં સુરતમાંથી બત્રીસમાં હૃદય અને ફેફસાના દાનની સાતમી ઘટના નોંધાઈ છે. કોરોના મહામારીની બીજી લહેર પછી ગુજરાતમાં સુરતમાંથી હૃદય અને ફેફસાંના દાનની સૌપ્રથમ ઘટના બની છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ટીંબરવા ગામના 46 વર્ષીય બ્રેઈનડેડ થયેલાં કામિનીબેન પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસા, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી સાત વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. દુ:ખભરી સ્થિતિમાં પટેલ પરિવારે પ્રેરણારૂપ નિર્ણય કરતાં અંગદાન દ્વારા અન્ય લોકોની જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કર્યો છે.
ટીંબરવા ગામના ટેકરા ફળિયામાં રહેતાં અને ખેતીવ્યવસાય કરતાં ભરતભાઈ વનમાળીભાઈ પટેલની પત્ની કામિનીબેન તા.17 મેના રોજ વહેલી સવારે પથારીમાંથી ઉભા થવા ગયાં, પ્રયત્ન કરવાં છતાં ઉભા થવાયું ન હતું. પરિવારે તાત્કાલિક ડોક્ટરને બોલાવ્યા, જેમણે તપાસ કરતાં બ્લડ પ્રેશર ખુબ વધી ગયું હોવાથી હોસ્પિટલ લઈ જવા જણાવ્યું. જેથી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં દાખલ કરી સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનંલ નિદાન થયું હતું. વધુ સારવાર માટે તેમને સુરતની શેલ્બી હોસ્પિટલમાં દાખલ કરાયા. ન્યુરોફિજીશિયન ડો. દિવ્યાંગ શાહે સારવાર શરૂ કરી.
ન્યુરોસર્જન ડૉ.મિલન સેંજલીયાએ ક્રેનિયોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. પરંતુ રિકવરી ન આવતાં શનિવાર તા. 5 જુનના રોજ બ્રેઈનડેડ જાહેર કર્યા. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના (SOTTO) કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કિડની, લિવર, હૃદય અને ફેફસાના દાન માટે જણાવ્યું.
આ પણ વાંચો:- PM મોદીની જાહેરાત બાદ નીતિન પટેલે કહ્યું- ગુજરાતને થશે લાભ, વેક્સીન પાછળ 350 થી 400 નો કરવો પડતો હતો ખર્ચ
ગુજરાતમાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે કોઈ દર્દી નહિ હોવાના કારણે SOTTO દ્વારા ROTTO- મુંબઈનો સંપર્ક કરવામાં આવ્યો. ROTTO- મુંબઈ દ્વારા મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને હૃદય ફાળવવામાં આવ્યું. ફેફસા હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા. જયારે SOTTO દ્વારા એક કિડની અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલ તેમજ એક કિડની અને લિવર અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર(IKDRC) ને ફાળવવામાં આવ્યા.
મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડૉ.સંદીપ સિંહા, ડૉ.રોહિતની ટીમે આવી હૃદયનું દાન સ્વીકાર્યું, હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલના ડૉ.વિવેક સિંગ, ડૉ.પ્રેમ આનંદ અને ટીમે આવી ફેફસાનું દાન સ્વીકાર્યું, અમદાવાદની IKDRC ના ડૉ.પ્રાંજલ મોદી અને તબીબી ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. ચક્ષુઓનું દાન સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુબેંકના ડૉ.પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું.
સુરતથી મુંબઈનું 300 કિ.મીનું અંતર 100 મિનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સર રિલાયન્સ હોસ્પિટલમાં મુંબઈની રહેવાસી 46 વર્ષીય મહિલામાં ડૉ. અન્વય મુલે અને ટીમ દ્વારા તેમજ હૈદરાબાદનું 940 કિ.મીનું અંતર 160 મિનીટમાં કાપીને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં જલગાંવ, મહારાષ્ટ્રની રહેવાસી 31 વર્ષીય મહિલામાં ડૉ. સંદીપ અત્તાવર અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. આ મહિલાના ફેફસાં કોરોનાગ્રસ્ત થવાના કારણે ખરાબ થઇ ગયા હતા, જેની સારવાર ECMO (એકમો) મશીન ઉપર ચાલી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે