નડિયાદમાં વ્યાજખોરોએ 91 લાખ રૂપિયાની સામે 4 કરોડ રૂપિયા પડાવ્યા અને તેમ છતા પણ...
Trending Photos
યોગીન દરજી/નડિયાદ: શહેરમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીએ વ્યાજે લીધેલા ૯૧ લાખ રૂપિયા સામે સાડા ચાર કરોડ રૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન-પરેશાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક સમયાંતરે વધી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શાહની આત્મહત્યાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યાં વધુ એક વ્યાજના ચક્કરની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. કલ્પેશ શાહ નામના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 4 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી તેણે રૂપિયા ૯૧ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ ચાર વર્ષમાં તેણે સાડા ચાર કરોડ જેટલું માતબર વ્યાજ ચૂક્યું હોવા છતાં વ્યાજખોરો તેને શારીરિક, માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે. જેના કારણે નાછૂટકે તેણે પોલીસનો સહારો લેવાની જરૂર પડી છે. પોલીસે પણ ફરિયાદીની હકીકત જાણતા ફરિયાદીએ જણાવેલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ ખાતે મારો પ્રિન્ટિંગનો વ્યવસાય છે. જે ડેવલોપ કરવા માટે મેં ચાર વર્ષ પહેલા લોન માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ લોન નહીં મળતાં અમે રાવ પરિવાર પાસેથી ૯૧ લાખ રૂપિયા ત્રણ ટકા વ્યાજે લીધા હતા. પરંતુ આ લોકોએ ૯૧ લાખની સામે મારી પાસે સાડા ચાર કરોડ જેટલા રૂપિયા વસૂલી લીધા છે. તેમ છતાં આ લોકો મને અને મારા પરિવારને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપી રહ્યા છે. ઉપરાંત વધુમાં વધુ રૂપિયાની માગણી કરતા અમે નાછૂટકે પોલીસને સહારો લેવાની ફરજ પડી છે. ફરિયાદીની ફરિયાદ હતી કે તેઓએ ચાર વર્ષ પહેલા બેંકમાંથી લોન નહીં મળતા વ્યાજખોરો પાસેથી ઉછીના રૂપિયા 91 લાખ લીધા હતા. જેની સામે તેણે સાડા ચાર કરોડ જેટલું વ્યાજ ચૂક્યું હોવા છતાં આરોપીઓ તેને માનસિક રીતે હેરાન કરતા હતા જે ફરિયાદ લઇ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
એક તરફ ફરિયાદી આરોપીઓને વ્યાજખોર ગણાવી રહ્યો છે, તો બીજી તરફ જેમના પર આક્ષેપ લાગ્યો છે તે રાવ પરિવાર સમગ્ર આરોપોને ફગાવી રહ્યું છે. કલ્પેશભાઈ શાહને વ્યવસાય માં પાર્ટનર શિપ માટે રૂપિયા આપ્યા હોવાનું તેઓ જણાવી રહ્યા છે. કલ્પેશભાઈ દ્વારા શેરબજારમાં, ઇલેક્શનમાં રસોડાના ટેન્ડર ભરવા જેવા જુદા જુદા પ્રકારના વ્યવસાય કરવા માટે પાર્ટનરશીપમાં રૂપિયા આપ્યા હોવાનું જણાવી રહ્યા છે. તેમજ કલ્પેશભાઈ સામે અગાઉ પણ છેતરપિંડીના ગુનાઓ નોંધાયા હોવાનું અને તેઓ જેલની હવા પણ ખાઈ આવ્યા હોવાનું જણાવી રહયા છે.
આ અંગે કથિત વ્યાજખોર દતરેશ રાવે જણાવ્યું કે, સમગ્ર બાબતે ફરિયાદીએ અમારા પર ખોટા આક્ષેપ લગાવ્યો છે. કલ્પેશભાઈ અમારી પાસે વ્યવસાય માટે રૂપિયા લેવા આવતા હતા. તેઓ અમને કહેતા હતા કે શેરબજારમાં, ઇલેક્શન દરમિયાન રસોડાના ટેન્ડર ભરવામાં રૂપિયાનું રોકાણ કરવાનું છે. તમે પાર્ટનરશીપ કરો. પરંતુ હવે જ્યારે રૂપિયા પરત આપવામાં આવ્યા છે ત્યારે વ્યાજે રૂપિયા લીધા હોવાની ખોટી વાતો કરી અમારા પર ખોટા પોલીસ કેસ કરી રહ્યા છે. નડિયાદ શહેરમાં વ્યાજનો મામલો ચર્ચાના ચકડોળે છે. સમયાંતરે જુદા જુદા પોલીસ મથકોમાં વ્યાજખોરો અને વ્યાજ ખોરીની ફરિયાદો નોંધાઇ રહી છે. ભૂતકાળમાં ઘણા લોકો વ્યાજખોરોના ચક્કરમાં આત્મહત્યા પણ કરી ચૂકયા છે. ત્યારે શહેર પોલીસ દ્વારા સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે અને સાચા આરોપીઓ વિરુદ્ધ સખત પગલાં ભરવામાં આવે તે સમયની માંગ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે