બોલો ! ગુજરાતના ભણેલા કરતા અભણ ધારાસભ્યોની આવક વધારે છેઃ ADR
રાજ્યના કુલ 182 ધારાસભ્યોમાંથી 161ની સરેરાશ વાર્ષિક આવક રૂ.18.80 લાખ છે, સ્નાતક થયેલા 63 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ.14. 37 લાખ છે
Trending Photos
અમદાવાદઃ ગુજરાતના અભણ કે માત્ર સ્કૂલ સુધીનો અભ્યાસ કર્યો હોય એવા ધારાસભ્યો સ્નાતક કે સ્નાતકોત્તકર ડિગ્રી ધરાવતા ધારાસભ્યો કરતાં વધુ કમાણી કરે છે. ચૂંટણી સુધાર માટે કામ કરતી બિનસરકારી સંસ્થા એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા આ અહેવાલ તૈયાર કરાયો છે. સોમવારે બહાર પડાયેલા આ રિપોર્ટ અનુસાર, ગુજરાતના કુલ 182 ધારાસભ્યોમાંથી 161ની સરેરાશ વાર્ષિક આવક રૂ.18,80 લાખ છે. સ્નાતક થયેલા 63 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ.14.37 લાખ છે.
ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન તમામ 182 ધારાસભ્યો દ્વારા દાખલ કરવામાં આવેલા ચૂંટણી સોગંદનામાનું અવલોકન કર્યા બાદ એડીઆર અને તેની સાથે સંકાળાયેલી સંસ્થા 'ગુજરાત ઈલેક્શન વોચ' દ્વારા તૈયાર કરાયેલા આ અહેવામાં ધારાસભ્યોની વાર્ષિક આવક, વ્યવસાય અને શૈક્ષણિક લાયકાત અંગે વિગતો આપવામાં આવી છે.
દેશમાં દરેક ધારાસભ્યની સરેરાશ વાર્ષિક આવક રૂ.24.59 લાખ છે
આ અહેવાલ મુજબ દેશભરનાં ધારાસભ્યો એટલે કે એમએલએની વાર્ષિક આવકમાં ઘણી વિવિધતા છે. જેના અનુસાર, દેશમાં ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ.24.59 લાખ છે. જેમાં માત્ર કર્ણાટકના 203 ધારાસભ્યોની સરેરાશ વાર્ષિક આવક રૂ.1.10 કરોડ છે. જ્યારે દેશના પૂર્વ વિસ્તારના 614 ધારાસભ્યોની આવક રૂ.8.5 લાખ છે.
એડીઆર અને નેશનલ ઈલેક્શન વોચ દ્વારા સોમવારે જાહેર કરાયેલા આવક વિશ્લેષણમાં જોવા મળ્યું કે, છત્તીસગઢના 63 ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક સૌથી ઓછી રૂ.5.40 લાખ છે. આ અહેવાલ મુજબ, દક્ષિણનાં રાજ્યોમાં 711 ધારાસભ્યોની વાર્ષિક સરેરાશ આવક સૌથી વધારે રૂ.51.99 લાખ છે.
ઓછું ભણેલા ધારાસભ્યોની આવક વધુ
આ અહેવાલમાં સૌથી આશ્ચર્ય પમાડે તેવી બાબત એ જોવા મળી છે કે ઓછું ભણેલા ધારાસભ્યોની આકવ એટલે કે વાર્ષિક કમાણી વધારે છે. દેશમાં કુલ 4,086 ધારાસભ્યોમાંથી 3,145 ધારાસભ્યોએ જે સોગંદનામાં દાખલ કરેલું છે, તેમાં 33 ટકા ધારાસભ્યો પાંચમા ધોરણથી 12 ધોરણ સુધી જ ભણેલા છે, પરંતુ તેમની વાર્ષિક આવક રૂ.31.03 લાખ છે. જ્યારે બાકીના 63 ટકા ધારાસભ્યો કે જે સ્નાતક કે અનુસ્નાતક છે, તેમની સરેરાશ વાર્ષિક આવક માત્ર રૂ.20,87 લાખ છે.
બેંગલુરુના ધારાસભ્ય સૌથી શ્રીમંત
એડીઆરના અહેવાલ મુજબ, બેંગલુરુ (ગ્રામ્ય)ના ધારાસભ્ય એ. નાગરાજ દેશમાં સૌથી વધુ આવક ધરાવતા ધારાસભ્ય છે. તેમની કુલ આવક રૂ.157.04 કરોડ છે. જ્યારે સૌથી ઓછી આવક આંધ્રપ્રદેસની ધારાસભ્ય બી. યામિની બાલાની છે, જેમની સરેરાશ વાર્ષિક આવક માત્ર રૂ.1,301 છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે