ઓનલાઇન પેમેન્ટ કરતા હોય તો એક વાંચી લેજો આ કિસ્સો! લાખોની ઠગાઈ કરતો શિક્ષિત ઠગ ઝડપાયો
નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી ભવાની જ્વેલર્સના જીતેન્દ્ર કોરાટને ગત 24 ઓકટોબરના રોજ તેમના મોબાઈલ ફોન પર જલાલપોરના જ અવધ બંગલોમાં રહેતા મનીષ પટેલે ફોન કરી રુદ્રાક્ષના દાણા સાથેની સોનાની ચેઇન લેવાની વાત કરી હતી.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: ઓનલાઇન પેમેન્ટનો ફાયદો મેળવી જવેલર્સ અને મોબાઈલ શોપમાંથી સોનાના દાગીના અને લાખોના મોબાઈલ ફોન મંગાવી લાખોની ઠગી કરતા શિક્ષિત ઠગને જલાલપોર પોલીસે ટેકનીકલ સર્વેલન્સને આધારે પકડી પાડી ત્રણ જિલ્લાના ગુનાઓનો ભેદ ઉકેલી કાઢયો છે.
નવસારીના જલાલપોર વિસ્તારમાં આવેલી ભવાની જ્વેલર્સના જીતેન્દ્ર કોરાટને ગત 24 ઓકટોબરના રોજ તેમના મોબાઈલ ફોન પર જલાલપોરના જ અવધ બંગલોમાં રહેતા મનીષ પટેલે ફોન કરી રુદ્રાક્ષના દાણા સાથેની સોનાની ચેઇન લેવાની વાત કરી હતી. પરંતુ જીતેન્દ્ર પાસે તૈયારમાં રુદ્રાક્ષ વાળી ચેઈન ન હોય, અન્ય સોનાની ચેઇન હજારમાં હોવાનું જણાવ્યુ હતુ. જેથી મનીષે વ્હોટસએપ પર ફોટો મંગાવી 1.12 લાખ રૂપિયાની ચેઈન પસંદ કરી હતી. જેનું પેમેન્ટ ઓનલાઇન NEFT થી કરવાનું જણાવી બેંક ડીટેલ્સ માંગી હતી.
દરમિયાન આવતા મોડુ થવાનું જણાવી મનીષે જીતેન્દ્ર ઘરનું એડ્રેસ માંગ્યું હતું અને મોડી રાતે ઘરે જઈ ઓનલાઇન પેમેન્ટ કર્યાની માહિતી જીતેન્દ્રને વ્હોટસએપ કરી, ચેઈન લઈને ભાગી છૂટયો હતો. મોડે સુધી પેમેન્ટ બેંકમાં જમા ન થતા જીતેન્દ્રએ મનીષનો સંપર્ક કરતા તેણે ફોન બંધ કરી દીધો હતો. જેથી પોતે છેતરાયા હોવાનું જાણતા જીતેન્દ્રએ જલાલપોર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી હતી.
જેને ધ્યાને લઈ જલાલપોર પોલીસે ટેકનીકલ સર્વેલન્સ અને બાતમીદારોને એક્ટિવ કરી આરોપીને પકડવાના પ્રયાસો આરંભ્યા હતા. જેમાં પોલીસને સફળતા મળી અને ટેકનીકલ સર્વેલન્સને આધારે સુરતના મોટા વરાછા ખાતે રહેતા 27 વર્ષીય મનીષ પટેલ ઉર્ફે તુષાર ભૂપત બોરડને જલાલપોર બજારમાંથી ઝડપી પાડયો હતો.
આરોપી તુષારે BTech કર્યુ છે, પણ બેકાર હોવાથી ટેકનોલોજીના નોલેજનો ઉપયોગ કરી લાખોની છેતરપિંડી કરતો થયો હતો. તુષારે નવસારી સહિત અમરેલીની વી. એમ. જવેલર્સ, સુરતની બાલમુકુંદ જવેલર્સ તેમજ અમદાવાદમાં પણ આજ પ્રકારે જવેલર્સ અને મોબાઈલ શોપમાંથી લાખોના મોબાઈલ ખરીદી, ઓનલાઇન પેમેન્ટ કરવાના બહાને છેતરપિંડી કરી હતી, પણ પોલીસના હાથે આવ્યો ન હતો.
પોલીસે આરોપી તુષાર બોરડ પાસેથી 1-1 લાખ રૂપિયાના બે મોબાઈલ ફોન સહિત 4 ફોન, ડિજીટલ વોચ, ઇયર બડ્સ, પાસપોર્ટ, અલગ અલગ કંપનીના 6 મોબાઈલ સીમ કાર્ડ મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે