ગુજરાતમાં ઓનર કિલિંગ : ભાજપના નેતાએ દીકરીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

Honour Killing : જેતપુરમાં ઓનર કિલિંગની ઘટના... પિતાએ  પુત્રીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો, લોહીલુહાણ યુવકે પરિવારની નજર સામે દમ તોડ્યો
 

ગુજરાતમાં ઓનર કિલિંગ : ભાજપના નેતાએ દીકરીના પ્રેમીનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો

Gujarati News નરેશ ભાલીયા/જેતપુર : જેતપુર તાલુકા પંચાયતના મહિલા ઉપપ્રમુખના પતિએ પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજા સાથે ફોનમાં વાત કરતી હોવાનો ખાર રાખી ભત્રીજાનું કારમાં પોતાના સાગરીતો સાથે અપહરણ કરી વાડીએ લઈ જઈ વાયર, પ્લાસ્ટિકના પાઇપ અને બેજબોલના ધોકા વડે મારમારતા ભત્રીજાનું મોત નીપજ્યું હતું. પોલીસે મૃતકના ભાઈની ફરિયાદ પરથી નવ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરી સાત શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે મુખ્ય આરોપીની શોધખોળ હાથ ધરી હતી.

યાત્રાધામ વીરપુર રહેતા જેતપુર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હંસાબેન બારૈયાના પતિ રાજુભાઇ બારૈયાને પોતાની પુત્રી કૌટુંબિક ભત્રીજો હિતેન ઉર્ફે હિતેશ બારૈયા સાથે મોબાઈલ ફોનમાં વાત કરતો હોવાનો ખાર રાખી ગતરોજ હિતેશનું રાજુભાઇ બારૈયાએ પૂર્વયોજિત કાવતરું રચી હિતેશનું રસ્તામાંથી જ પોતાના આઠ સાગરીતોની મદદથી પોતાની કારમાં અપહરણ કરી લીધું.

હિતેશનું અપહરણ કરી રાજુભાઈ પોતાના સાગરીત નીતિન મકવાણાની વાડીએ લઈ ગયેલ ત્યારે હિતેશને મોબાઈલમાં તેના મોટાબાપુજી કેશવભાઈ બારૈયાએ ફોન કરતા રાજુભાઇએ ફોન રિસીવ કરીને એમ કિધેલ કે બે કલાકમાં તમને તમારો દીકરો મળી જશે આજે મારી દાઢીની માનતા પુરી થઈ ગઈ એમ કહીને કોલ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ હિતેશના ફોન પર પરિવારજનોએ સતત ફોન કરતા રહેતા ફોન ઉપડતો ન હતો. અંતે રાત્રીના દસેક વાગ્યે ફોન રિસીવ થયો તો રાજુભાઇએ હિતેશના ભાઈ ઉમેશભાઈને જણાવ્યું કે મારી પાળવાળી વાડીએ આવી જાવ અને હિતેશને લઈ જાવ. જેથી ઉમેશભાઈ તેમના મોટાબાપુ કેશવભાઈ રાજુભાઈની વાડીએ જતાં ત્યાં રાજુભાઈની અર્ટિકા કારમાં હિતેશ પાછળની સીટ પર બેસેલ હતો તેના આખા શરીરે મારના નિશાન અને લોહીલુહાણ હાલતમાં હતો. 

હિતેશે આ અંગે જણાવ્યું કે, મારુ અપહરણ કરી રાજુભાઈ બારૈયાએ ઉમેશ ગોહેલ, ચંદ્રેશ ઉર્ફે ટીનો કંડોળીયા, ગજાનન ઉર્ફે ગજરાજ ગોહેલ, મયુર ઉર્ફે મયલો મેર, અલ્ફ્રેજખાન પઠાણ અને વિક્રમ ઉર્ફે વિકી મેરની મદદથી મારુ અપહરણ કરી લીધું હતું. અને નીતિન મકવાણાની વાડીએ લઈ જઈને મને વાયર, પ્લાસ્ટિકના પાઇપ અને બેજબોલના ધોકા વડે ઢોર મારમાર્યો છે.

આ સમયે ત્યાં હાજર રાજુભાઈએ ઉમેશભાઈને જણાવેલ કે, તારો ભાઈ મારી પુત્રી સાથે મોબાઈલ ફોનમાં વાતો કરે છે, તેનું મારી પાસે રેકોર્ડિંગ પણ છે. એટલે તેને મેં માર્યો છે અને હવે તેને અહીંથી લઈ જાવ અને તે સાજો થઈ જાય બાદ પણ વીરપુરમાં રહેવા દેવાનો નથી. જો વીરપુરમાં જોવા મળશે તો હું તેને જાનથી મારી નાંખીશ. તેનો મોબાઈલ પણ મારી પાસે જ છે મોબાઈલના કેટલા રૂપિયા થાય છે તે કહી દેજો તે હું આપી દઈશ. ત્યારબાદ ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરી વાડીએ બોલાવ્યો હતો અને હિતેશને સારવાર માટે વીરપુર સરકારી હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડોક્ટરે હિતેશને મૃત જાહેર કર્યો હતો. પોલીસ મૃતકનો પીએમ માટે રાજકોટ ફોરેન્સિક પીએમ માટે લઈ ગઈ હતી.

ઉમેશભાઈ બારૈયાની ફરિયાદ પરથી વીરપુર પોલીસે તાલુકા પંચાયતના મહિલા ઉપ પ્રમુખના પતિ રાજુભાઇ બારૈયા સહિત નવ શખ્સો સામે પૂર્વયોજીત કાવતરું રચી અપહરણ કરી હત્યા નિપજવાની કલમ હેઠળ ગુન્હો નોંધી હતી. પોલીસે સાત શખ્સોની અટકાયત કરી હતી. જ્યારે મુખ્ય આરોપી રાજુભાઇ બારૈયા અને નીતિન મકવાણા બંને ફરાર થઇ જતાં પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર બનાવને લઈને રાજકોટ જિલ્લા પોલીસ વડા ડીવાએસપી સહિત પોલીસ કાફલો બનાવ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news