હોળી પર ઘરે બેઠા કરો ગુજરાતના પ્રખ્યાત કૃષ્ણ મંદિરોના દર્શન, Live
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :આજે ફાગણ સુદ પૂનમ નિમિતે દેશભરમાં હોળીપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પ્રસિદ્ધ મંદિરોમાં હોળી પર્વ (Holi) પર વિશિષ્ટ પૂજા કરવામાં આવી રહી છે. દ્વારકા, ડાકોર અને શામળાજીમાં હોળીની દર વર્ષે વિશિષ્ટ ઉજવણી થતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોનાના ગ્રહણના કારણે ડાકોરમાં અને દ્વારકામાં હોળીપર્વની ઉજવણી નહિ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને દર્શનાર્થીઓ માટે આ મંદિરોમાં દર્શન બંધ રાખવામાં આવ્યા છે. જો કે દર્શનાર્થીઓ ભગવાનના દર્શન ઓનલાઈન અથવા અમારા એટલે કે ZEE 24 કલાકના માધ્યમથી કરી રહ્યા છે. શામળાજીમાં મંદિરના દ્વાર ભકતો માટે ખુલ્લા છે, અને શામળાજીમાં કોરોનાના ગાઈડલાઈન સાથે ભગવાનના દર્શન થઈ રહ્યા છે. ત્યારે કોરોનાકાળમાં તમે ZEE 24 કલાકના માધ્યમથી ભગવાનના દર્શન કરી રહ્યા છો.
આ પણ વાંચો : યુરોપ-દૂબઈના સપના બતાવીને લોકોના લાખો ખંખેરનાર ટુર સંચાલક ઠક્કર દંપતી પકડાયું
ભક્તો વગર સૂનુસૂનુ દ્વારકા મંદિર
યાત્રાધામ દ્વારકાનું જગત મંદિર આજે હોળી ઉત્સવ (Holi 2021) પર ભક્તો માટે બંધ છે. છતાં પણ ત્યાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દ્વારકામાં આવતા યાત્રિકોને બહારથી જ ધ્વજાના દર્શન કરી પરત મોકલવામાં આવે છે. સાથે જ આજે દ્વારકાધીશ જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવની ઉજવણી બપોરે 2 થી 3 દરમિયાન થનાર છે. ત્યારે ઓનલાઈન દર્શન કરવા માટેની વ્યવસ્થા કરાઈ છે. ભક્તોને અનુરોધ પણ કરાયો છે કે, ઓનલાઈન માધ્યમથી દર્શન કરી શકે છે.
આ પણ વાંચો : માસુમોના નજર સામે પિતાનું મોત, ભાઈએ નાનકડી બહેને જે રીતે સાંત્વના આપી તે જોઈ કોઈનું પણ હૈયુ પીઘળી જાય
શામળાજીમાં ચાંદીની પીચકારીથી ભક્તો પર કેસૂડાનો રંગ છંટાશે
અરવલ્લીમાં યાત્રાધામ શામળાજી ખાતે મંદિર ખુલ્લુ હોવાથી શામળિયાના દર્શને ભક્તો ઉમટયા છે. હોળીના પાવન અવસરે ભગવાનના દર્શન માટે ભક્તોનો સવારથી સતત પ્રવાહ ચાલુ છે. વહેલી સવારથી જ દર્શન માટે ભક્તો આવી રહ્યા છે. આજે મંદિરમાં શણગાર આરતી સમયે ભગવાનને અબીલ ગુલાલ છાંટી હોળી રામાડાશે. મંદિરના પ્રાંગણમાં ચાંદીની પીચકારી દ્વારા કેસુડાનો રંગ ભક્તો પર છાંટવામાં આવશે. હોળીના દિવસે કૃષ્ણ મંદિરોમાં દર્શનનું અનેરું મહત્વ હોય છે. ત્યારે કોરોનાના ગાઈડલાઈન મુજબ ભક્તો દર્શન કરી રહ્યા છે.
આ પણ વાંચો : માનવી આટલો ક્રુર પણ બની શકે, બુલડોઝર નીચે કચડી નાંખ્યા વિદેશી પક્ષીના 5 હજારથી વધુ ઈંડા
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સહિત દેશવાસીઓ આજે હોળીપર્વ મનાવશે. રાજ્યમાં હોળી પર્વ પર ઠેર-ઠેર હોળિકાદહન કરવામાં આવશે. ગાંધીનગરના પાલજની હોળી સમગ્ર ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. કોરોનાકાળના કારણે પાલજમાં હોળી પર્વ પરનો લોકમેળો નહિ યોજાય. પાલજમાં વિશાળ હોળી પ્રગટાવવામાં આવે છે. રાજ્ય સરકારે હોળી પ્રગટાવવા માટે કોરોનાની ગાઈડલાઈન બહાર પાડી છે. સરકારની ગાઈડલાઈનના પાલન સાથે હોળિકા દહન કરવામાં આવશે. લોકોને માસ્ક પહેરવાના અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સૂચના અપાઈ છે. સ્થાનિક તંત્ર હોળિકા દહનમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય છે કે નહિ તેની તકેદારી રાખશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે હોળી પર્વની ઉજવણી થાય તેવી શુભેચ્છા આપી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે