ભાદરવો ભૂક્કા કાઢશે! અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ, યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી
આજે બપોરે એકાએક 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ શહેરના પ્રહેલાદ નગર, વેજલપુર, શિવરંજની, એસ જી હાઈવે પર તેજ પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં ભાદરવો ભરપૂર રહેવાના સંકેત મળી રહ્યા છે. આજે ભાદરવોના બીજા દિવસે ગુજરાતના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે. અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે ફરી વરસાદ શરૂ થયો છે. અમદાવાદમા ગાજવીજ સાથે વાતાવરણમાં પલટો દેખાયો છે. કડાકા ભડાકા સાથે યુનિવર્સિટી કેમ્પસમાં વીજળી પડી હોવાની માહિતી મળી છે.
આજે બપોરે એકાએક 4 વાગ્યા પછી આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. ત્યારબાદ શહેરના પ્રહેલાદ નગર, વેજલપુર, શિવરંજની, એસ જી હાઈવે પર તેજ પવન સાથે ભારે વરસાદ ખાબકી રહ્યો છે. હાલ શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હોવાની માહિતી મળી રહી છે. બીજી બાજુ ભારે વરસાદથી વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
આ સિવાય અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નરોડા, અસારવા, નારોલ, નિકોલમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરમાં ફરી વરસાદી વાતાવરણના કારણે ઠંડક પ્રસરી ગઈ છે.
રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે પૂર્વ, પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો છે. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ 3 દિવસ સામાન્ય વરસાદની આગાહી છે.
મહત્વનું છે કે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો છે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો.
કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં આજે એકાએક હવામાન પલટાયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા છે. વરસાદ છતા બફારો અને ઉકળાટ યથાવત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે