કોરોનાની બીજી લહેર વચ્ચે રાજસ્થાનના દર્દીનું દર્દ ગુજરાતે કર્યુ દૂર
કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજા એટલી ગંભીર હતી કે તે હલન-ચલન પણ કરી શકતા ન હતા
Trending Photos
અતુલ તિવારી/ અમદાવાદ: કોરોનાની બીજી લહેરના કારણે રાજસ્થાનમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતુ. ત્યારે રાજસમન્દ જિલ્લાના રહેવાસી સુરેશલાલને ગરદનના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજા એટલી ગંભીર હતી કે તે હલન-ચલન પણ કરી શકતા ન હતા. ૩૦ વર્ષીય સુરેશલાલ જ્યારે ખાનગી હોસ્પિટલમાં સર્જરી માટે ગયા ત્યારે હોસ્પિટલે નન્નો ભણ્યો. સુરેશલાલ સરકારી હોસ્પિટલમાં ગયા ત્યા પણ તેમને નિરાશા સાંપડી.
તબીબોએ કહ્યું કે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં જાઓ ત્યાં તમારો ઇલાજ થશે. ક્ષણભર પણ વિલંબ કર્યા વિના સુરેશલાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. અહીંના તબીબોએ તુરંત સુરેશલાલના એક્સ-રે, સી.ટી. સ્કેન, એમ.આર.આઇ. જેવા તમામ જરૂરી રીપોર્ટ કરાવ્યા. આ રીપોર્ટના આધારે ઇજાની ગંભીરતાનો ખ્યાલ આવ્યો. રીપોર્ટસ અનુસાર સુરેશલાલના “ગરદનના ભાગમાં સી-1 અને સી-2 પ્રકારના મણકા ખસી ગયા હતા. અને તેમને અનિવાર્ય સર્જરી કરાવવી જ પડે તેમ હતી.
આ ઘટના અંગે વાતચીત કરતા સિવિલ હોસ્પિટલ સુપ્રીન્ટેન્ડેન્ટ, ઓર્થોપેડિક વિભાગના વડા અને સ્પાઇન સર્જન ડૉ. જે.વી. મોદી કહે છે. “સુરેશલાલના ગરદનના ભાગના બંને મણકા ખસી ગયા હતા જેની સર્જરી જટીલ હતી. તે સમયે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો હતો. ત્યારે આ સર્જરી માટે સમય કાઢવો મુશકેલ હતો. વળી કોરોનાના કારણે સંક્રમણનો ભય પર સતાવતો હતો પણ અમે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવાનો નિર્ધાર કર્યો.”
આ સર્જરીની ગંભીરતા સમજાવતા ડૉ. મોદી કહે છે કે, આ સર્જરી સમયે સતત ન્યુરો મોનીટરીંગની કરવું પડે છે. કારણ કે સર્જરી વખતે શરીરના અન્ય ભાગના ચેતાતંતુઓને નુકસાન પહોંચે તો દર્દીની કોમામાં સરી પડવાની શક્યતા અથવા મૃ્ત્યુ પામવાની સંભાવના પ્રબળ હોય છે. હમણાં સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગે આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી. હાલ દર્દીની સ્થિતિ સ્થિર છે. દર્દી હવે હલન-ચલન પણ કરી શકે છે. આમ સિવિલ હોસ્પિટલે રાજસ્થાનના સુરેશલાલને પીડામુક્ત કર્યા.
આ પણ વાંચો:- PM મોદીની જાહેરાત બાદ નીતિન પટેલે કહ્યું- ગુજરાતને થશે લાભ, વેક્સીન પાછળ 350 થી 400 નો કરવો પડતો હતો ખર્ચ
સુરેશલાલ સર્જરી બાદના પ્રતિભાવમાં સુરેશલાલના પાડોશી ભીમલાલ જણાવે છે કે, ''અમદાવાદની સિવિલ હોસ્પિટલના કારણે સુરેશલાલ ગંભીર પીડામાંથી મુક્ત થયા છે. જ્યારે રાજસ્થાનની સરકારી અને ખાનગી હોસ્પિટલે સુરેશલાલની સર્જરી ન કરી ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલ તેમની વ્હારે આવી.''
સુરેશલાલએ એક માત્ર આવા દર્દી નથી. જેમને સિવિલ હોસ્પિટલના સ્પાઇન સર્જરી વિભાગે પીડામુક્ત કર્યા હોય. કોરોનાકાળમાં 437 થી વધારે જટીલ સ્પાઇન સર્જરી સિવિલ હોસ્પિટલના તબીબોએ કરી. ગુજરાત રાજ્ય “વસુદૈવ કુટંબકમ્”ની ભાવનાના ધ્યેય મંત્ર સાથે વિકાસ સાધી રહ્યું છે. રાજ્યની આરોગ્ય સેવાઓનો લાભ માત્ર ગુજરાતના જ નહીં પરંતુ ભારતના વિવિધ રાજ્યોના નાગરિકો પણ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જનહિતમાં આરોગ્યલક્ષી અનેક નિર્ણયો લીધા છે. જેના થકી સામાન્ય નાગરિકને અનેક અધ્યતન સેવાઓ મળી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે