પરિવર્તનનો પવન ફૂંકાયો, ભાજપે વિજય તરફ રમરમાટ દોટ લગાવી
Trending Photos
- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો, 2015માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે 2021માં ભાજપ પર ભરોસો મૂક્યો છે તેવું દેખાઈ રહ્યું છે
- શરૂઆતનો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે, ભાજપના દિગ્ગજો તો અગાઉથી જ ભાજપની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી ચૂક્યા છે
ઝી મીડિયા/બ્યૂરો :આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી (gujarat election) નું પરિણામ ધીરે ધીરે આવી રહ્યું છે, જેમાં પિક્ચર ક્લિયર થઈ રહ્યું છે. સવારે 9 વાગ્યાના ટકોરે મતગણતરી શરૂ થઈ ગઈ હતી. 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 231 તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. 81 નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી (Gujarat Municipal Election 2021) શરૂ થઈ રહી છે. જેમાં 31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 955 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 117 બેઠક બિનહરીફ થઈ છે. 231 તાલુકા પંચાયતની 4774 બેઠક પર 12,265 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપના 4,657 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત 81 નગરપાલિકાની 2720 બેઠકોમાંથી 95 બેઠક બિનહરીફ થઈ છે. 81 નગરપાલિકામાં 7246 ઉમેદવારો મેદાનમાં છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોઈએ તો, 2015માં જે મતદારો ભાજપથી રિસાયા હતા, તેમણે 2021માં ભાજપ પર ભરોસો મૂક્યો છે તેવું દેખાઈ રહ્યું છે.
ઉના, બારડોલીમાં ભાજપની જીત
6 મહાનગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે. જોકે, હવે નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. અનેક જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. અત્યાર સુધી ઊના નગરપાલિકા અને સુરેન્દ્રનગર નગરપાલિકામાં વધુ બેઠક સાથે ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યો છે. પાટીદારોના ગઢ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભાજપ વિજય ભણી આગળ જઈ રહ્યું છે. તો કોંગ્રેસ રકાસ તરફ આગળ વધી રહ્યું છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી એકદ-દોકલ બેઠક મેળવી રહ્યું છે. અત્યાર સુધી ઊના, બારડોલીમાં ભાજપનો ભગવો લહેરાઈ ચૂક્યું છે. આ પરિણામ પર ક્યાંકને ક્યાંક મહાનગરપાલિકાના પરિણામની સીધી અસર જોવા મળી રહી છે. લોકોએ મહાનગરપાલિકા બાદ અન્ય વિસ્તારોમાં પણ ભાજપ પર પસંદગી ઉતારી છે.
ભાજપ તરફી પરિણામ
2015માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. 31 જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 24 અને ભાજપને ફાળે સાત ગઈ હતી. પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપ 2015ના પરિણામોને બદલી રહ્યું છે. જે રીતે ભાજપ જીત તરફ આગળ જઈ રહ્યું છે તે જોતા જિલ્લા-તાલુકા અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તેવું ચિત્ર બની રહ્યું છે. શરૂઆતનો ટ્રેન્ડ ભાજપ તરફી દેખાઈ રહ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, સીઆર પાટીલ અને નીતિન પટેલ કહી ચૂક્યા છે કે, મહાનગરપાલિકાની જેમ સ્થાનિક સ્વરાજ્યની અન્ય ચૂંટણીઓમાં પણ ભાજપનો ભગવો લહેરાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે