આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક

આજે 3 મહાનગરોને મળશે નવા મેયર, તે પહેલા યોજાશે ભાજપની એજન્ડા બેઠક
  • ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા મેયર, નવા ડેપ્યૂટી મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થશે

ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદ, વડોદરા અને ભાવનગર શહેરને આજે નવા મેયર મળશે. નવા ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની પણ આજે વરણી થશે. અમદાવાદ મહાનગર પાલિકાના મેયર નક્કી કરવા માટે આજે સવારે AMCની સામાન્ય સભા મળશે. સ્ટેન્ડિંગ કમિટી માટે કુલ 17 સભ્યોએ ફોર્મ ભર્યાં છે. અમદાવાદમાં પાલડીના કચ્છી ભવન ખાતે  ભાજપની એજન્ડા બેઠક મળશે. પ્રદેશમાંથી આવેલાં બંધ કવર ખોલીને નામ જાહેર કરાશે. ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં ભાજપને ભવ્ય વિજય મળ્યા બાદ આજે અમદાવાદ, વડોદરા અને ભાવનગર મનપામાં નવા મેયર, નવા ડેપ્યૂટી મેયર અને નવા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનની વરણી થશે. 

અમદાવાદમાં ભાજપની એજન્ડા બેઠક મળશે 
અમદાવાદ શહેરને આજે નવા મેયર અને ડે.મેયર મળશે. સવારે 9 વાગે પાલડી કચ્છી ભવન ખાતે ભાજપની એજન્ડા બેઠક મળશે. એજન્ડા બેઠકમાં બંધ કવર ખોલી નામોની જાહેરાત કરાશે. સ્ટેન્ડિંગ કમિટી માટે ભરાયેલા 17 પૈકી 5 સભ્યોના ફોર્મ પરત ખેંચાશે. જેના બાદ 11 વાગે મ્યુનિ. કમિશનરની અધ્યક્ષતામાં બોર્ડ બેઠક મળશે. પ્રદેશ ભાજપ દ્વારા નક્કી કરાયેલા કોર્પોરેટરની મેયર, ડે.મેયર પદે વરણી કરાશે. જોકે, કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉભો ન રખાતા ભાજપ ઉમેદવાર બિનહરીફ જાહેર થશે. જેમાં આજે મેયર, ડે.મેયર નક્કી થયા બાદ નવા મેયર ગ્રહણ અધ્યક્ષ સ્થાન કરશે. નવા મેયર ની અધ્યક્ષતામાં સ્ટે.કમિટીના 12 સભ્યોની વરણી થશે. બોર્ડ બેઠક પૂર્ણ થયા બાદ સ્ટે.કમિટી મળશે, જેમાં ચેરમેનની વરણી થશે. 

વડોદરામાં નામોની જાહેરાત પહેલા બેઠક યોજાશે 
વડોદરા મહાનગરપાલિકાના મેયર સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે. સામાન્ય સભામાં મેયર, ડેપ્યૂટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર કરાશે. મ્યુનિસિપલ કમિશનર પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોનો ઠરાવ સભામાં મૂકશે. નવા નામોની જાહેરાત સાથે 16 કોર્પોરેટરોને હોદ્દો સોંપાશે. ભાજપ કાર્યાલય ખાતે નામોની જાહેરાત થશે. જે માટે આજે સવારે 9 વાગે ભાજપના તમામ કોર્પોરેટર, વોર્ડના પ્રમુખ - મહામંત્રીને ભાજપ કાર્યાલય બોલાવાયા છે. ભાજપ કાર્યલાય ખાતે સૌપ્રથમ કોર્પોરેટરોની બેઠક મળશે, જેમાં નામો જાહેર કરાશે. ફેક્સ મારફતે પ્રદેશ ભાજપ મેન્ડેટ મોકલશે. 

ભાવનગર મહાનગરપાલિકામાં પણ સામાન્ય સભામાં મેયર, ડેપ્યૂટી મેયર અને સ્ટેન્ડિંગના 12 સભ્યોની આજે નિયુ્ક્તિ કરવામાં આવશે. ભાવનગરમાં મેયર પદ માટે સામાન્ય મહિલા અનામત બેઠક છે. મેયરની વરણી બાદ મેયર પોતાનું સ્થાન લેશે અને ત્યારબાદ ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના 12 સભ્યોની નિમણૂક કરવામાં આવશે. બપોરે 1 કલાકે સ્ટેન્ડિંગની બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની નિમણૂક કરવામાં આવશે.

કઈ પાલિકામાં કોનુ નામ ચર્ચામાં...

અમદાવાદ
પ્રથમ અઢી વર્ષ એસસી માટે અનામત છે, જેમાં હિમાંશુ વાળા, ડો,ચંદ્રકાંત ચૌહાણ, રાજેન્દ્ર સોલંકી, કિરીટ પરમાર, હેમંત પરમાર, અરવિંદ પરમારનું નામ ચર્ચામાં 

વડોદરા
વડોદરામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીના મેયર બનશે. ડો.હિતેન્દ્ર પટેલ, મનોજ પટેલ, પરાક્રમસિંહ જાડેજા, કેતન પટેલ અને કેયૂર રોકડિયા 

ભાવનગર
ભાવનગરનું મેયર પદ પ્રથમ અઢી વર્ષ માટે મહિલા માટે અનામત છે. કીર્તિબેન દાણીધારીયા, વર્ષાબા પરમાર, યોગીતાબેન ત્રિવેદી અને ભારતીબેન બારૈયા રેસમાં

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news