મહારાષ્ટ્રને કારણે ગુજરાતમાં પડી રેમડેસીવીર ઈન્જેક્શનની અછત

મહારાષ્ટ્રને કારણે ગુજરાતમાં પડી રેમડેસીવીર ઈન્જેક્શનની અછત
  • સુરતમાં રેમડેસીવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે સ્થાનિક લોકોને ભટકવાનો વારો આવ્યો છે
  • વડોદરામાં કેટલાક વિસ્તારોના મેડિકલ સ્ટોરોમાં રેમડેસીવીર ઈન્જેક્શનનો ક્યાંક સ્ટોક છે, તો ક્યાંક ખૂટ્યો છે

ઝી મીડિયા/બ્યૂરો :રસીકરણનું પ્રમાણ વધારવા માટે ભારતીય જનતા પાર્ટી મેદાને આવી છે. સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરોને રસીકરણ વધારવા સૂચના આપી દેવાઈ છે. ખુદ પ્રદેશ અધ્યક્ષ ભાવનગર અને અમરેલીમાં સામૂહિક રસીકરણ (vaccination) નો પ્રારંભ કરાવશે. ત્યારે ગુજરાતમાં કોરોના દર્દી માટે બહુ જ ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેક્શનને લઈને વાતાવરણ ગરમાયું છે. ગુજરાતમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત થઈ છે. અનેક શહેરોમાં રેમડેસીવીર ઈન્જેક્શન (remdesivir injection) નો સ્ટોક પૂરો થઈ ગયો છે. રાજકોટમાં જરૂરિયાતની સામે રેમડેસીવીર ઈન્જેક્શન નથી મળી રહ્યાં તેવા સવાલો ઉઠ્યા છે. 

રાજકોટમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત 
રાજકોટમાં હોસ્પિટલમાં બેડ ન હોવાનો મુદ્દે રેમડેસીવીર ઈન્જેક્શન સાથે જોડાયેલો છે. રાજકોટની કેટલીક હોસ્પિટલોએ રેમડેસીવીર ઇન્જેકશનની અછતના કારણે કોરોનાના નવા દર્દીઓના એડમિશન બંધ કર્યા છે.  રાજકોટમાં કોરોનાના વધતા કહેર સાથે રેમડેસીવર ઇન્જેક્શનની અછતનો મુદ્દો ઉઠ્યો છે. શહેરના મેડિકલ સ્ટોર્સમાં રેમડેસીવીર ઈન્જેક્શન (remdesivir injection) નો સ્ટોક ખલાસ થઈ ગયો છે. બે દિવસથી ઈન્જેક્શનનો માલ ન મળતા આઉટ ઓફ સ્ટોકની બૂમ ઉઠી છે. રાજકોટમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થા મુદ્દે ઉઠેલા વિવાદ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી સુમિત વ્યાસે જણાવ્યું કે, આજે ઈન્જેક્શનનો જથ્થો રાજકોટ આવશે. 250 ઈન્જેક્શનનો ડોઝ આજે રાજકોટ પહોંચશે. 250 જેટલા વધુ ઈન્જેક્શન આવે તેની રાહ જોઈને બેસ્યા છે. રાજકોટમાં ઈન્જેક્શનની માંગ સામે આવક ઓછી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધતા તેની અસર ગુજરાતમાં જોવા મળી છે. મહારાષ્ટ્રમાં રેમડેસીવીરની માંગ સૌથી વધુ છે. તેથી મોટાભાગનો સપ્લાય મહારાષ્ટ્રમાં થઈ રહ્યો છે. જેની અસર ગુજરાતમાં રહી છે. આ અસર ગુજરાતના કોરોના દર્દીઓને થઈ રહી છે. રેમડેસિવર ઇન્જેક્શન બનાવતી કંપની મોટાભાગનો જથ્થો મહારાષ્ટ્ર મોકલી રહી છે. છેલ્લા 2 દિવસથી રાજકોટના એકપણ મેડિકલ સ્ટોરમાં રેમડેસિવરનો જથ્થો નથી.

આ પણ વાંચો : સુરત કમિશનરે કોરોનાના નવા સ્ટ્રેઇનના એવા લક્ષણો ગણાવ્યા કે ડરી જવાય 

રાજકોટમાં 45 હજાર ઈન્જેક્શનની જરૂર - કોંગ્રેસ
તો રાજકોટમાં રેમડેસીવરને લઈને રાજકારણ ગરમાયુ છે. પ્રદેશ કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડાએ આરોપ મૂકતા કહ્યું કે, રાજકોટમાં બધી હોસ્પિટલો ફૂલ છે. તંત્ર પોતાની કામગીરીમાં નિષ્ફળ નીવડ્યું છે. ત્રણ દિવસથી રેમડેસીવર ઇન્જેશનની મળતા નથી. હાલ રાજકોટમાં 45 હજાર ઈન્જેશનની જરૂર છે. આગામી દિવસોમાં ઑક્સિજન અછત ઉભી થશે. રેમડેસીવર ઉપલબ્ધ ન હોવાથી કેટલીક હોસ્પિટલ દર્દીઓને દાખલ નથી કરી રહી.  આગામી અઠવાડિયુ રાજકોટ માટે ભયંકર રહેશે. 

વડોદરામાં ક્યાંક સ્ટોક છે, ક્યાંક સ્ટોક ખૂટ્યો 
તો બીજી તરફ, રેમડેસીવીર ઈન્જેક્શન અંગે વડોદરામાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, વડોદરામાં કેટલાક વિસ્તારોના મેડિકલ સ્ટોરોમાં ક્યાંક સ્ટોક છે, તો ક્યાંક સ્ટોક ખૂટ્યો છે. કેટલાક વિસ્તારોમાંના મેડિકલ સ્ટોરમાં આસાનીથી ઈન્જેક્શન મળી રહ્યાં છે. કંપનીઓ દ્વારા સ્ટોક રિલીઝ ન થતા કૃતિમ અછત સર્જાઈ છે. 5400 ની કિંમતવાળું રેમડેસીવીર ઈન્જેક્શન 1680માં રૂપિયામાં મળી રહ્યું છે. કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ઇન્જેક્શન એક જ ભાવે વેચવા અપીલ કરી છે. માનવતાના ધોરણે મેડિકલ સ્ટોર્સ 1700 સુધીમાં જ ઈન્જેક્શન વેચી રહ્યાં છે. હાલ ખાનગી ડોક્ટરો દ્વારા ભાવ વસૂલવામાં આવતો હોવાનું પ્રાથમિક તારણ છે. 

આ પણ વાંચો : રાજકોટમાં દર્દીઓ માટે જડીબુટ્ટી સમાન રેમડેસીવીર ઇન્જેક્શન ખૂટી પડ્યા, સ્થિતિ વધુ ગંભીર

સુરતમાં પણ ઈન્જેક્શન મેળવવા ભટકવાનો વારો આવ્યો 
સુરત શહેરમાં રિયાલિટી ચેક કરતા જાણવા મળ્યું કે, સુરતમાં રેમડેસીવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેક્શન માટે સ્થાનિક લોકોને ભટકવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ, સુરતમાં ઈન્જેક્શનની કાળા બજારીથી કમાણી કરવા ફરી કેટલાક લોકો મેદાનમાં આવ્યા છે. સિટી બહારથી ઈન્જેક્શન મેળવવા સુરતીઓ દોડધામ કરી રહ્યાં છે. 

જોકે, ગઈકાલે ફ્રુડ એન્ડ ડ્રગ કમિશ્નર ડૉ. એચ.જી.કોશીયાએ સ્પષ્ટતા કરી હતી કે, ગુજરાત રાજ્યમાં કોરોનાની સારવાર માટે વપરાશમાં લેવામાં આવતા મેડીકલ ઓક્સીજન, રેમડેસીવીર ઇન્‍જેક્શન, ફેવીપીરાવીર ટેબલેટ વિગેરે પુરતા પ્રમાણમાં જથ્થો સરકારી તેમજ પ્રાઇવેટ હોસ્પિટલો તથા દવા બજારમાં ઉપલબ્ધ છે. એટલે રાજ્યના નાગરિકોએ આ દવાની અછત અંગે ગભરાટ કે દહેશત રાખવાની સહેજ પણ જરૂર નથી. અમદાવાદ (Ahmedabad) માં ૫૪૭૮ ઇન્જેક્શન, વડોદરા (Vadodara) માં ૨૨૯૦ ઇન્જેક્શન, સુરત (Surat) માં ૧૮૫૨ ઇન્જેક્શન, રાજકોટ (Rajkot) માં ૨૧૬ ઇન્જેક્શન, મહેસાણામાં ૪૧૪ ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે ૧૯,૧૦૫ ઇન્જેક્શનનો જથ્થો જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે, આમ કુલ ૩૨,૯૬૫ ઇન્જેક્શનનો જથ્થો રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં વિતરણ થવામાં આવનાર છે. રેમડેસીવિર ઇન્‍જેક્શનના ઉત્પાદકો જેમ કે, Hetero Drugs Ltd., Cipla Ltd., Mylan Laboratories Ltd., Cadila Healthcare Ltd., Dr. Reddy's Lab. Ltd., Jubilant Lifescience Ltd. પૈકી ગુજરાત રાજ્યના ઉત્પાદક Zydus Cadila દ્વારા ૩૦,૦૦૦ ઇન્‍જેક્શનોનું દૈનીક ઉત્પાદન કરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે પ્રત્યેક દર્દી દીઠ ૬ ઇન્‍જેક્શનની જરૂર પડતી હોઇ દરરોજના ૫,૦૦૦ દર્દીઓની સારવાર કરી શકાય તેટલા ઇન્જેક્શનનું ઉત્પાદન Zydus Cadila દ્વારા કરવામાં આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news