ભાજપ પહેલા કોંગ્રેસે પોતાના નેતાઓનો વારો પાડી દીધો, 33 નેતાઓને સસ્પેન્ડ કર્યાં

Gujarat Congress : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારાઓ સામે ગુજરાત કોંગ્રેસે સપાટો બોલાવ્યો છે... એકસાથે 33 નેતાઓને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યાં

ભાજપ પહેલા કોંગ્રેસે પોતાના નેતાઓનો વારો પાડી દીધો, 33 નેતાઓને સસ્પેન્ડ કર્યાં

Gujarat Congress ગૌરવ પટેલ/અમદાવાદ : ગુજરાતની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં ભાજપ કાર્યવાહી કરે કે ના કરે પણ કોંગ્રેસે કરી દેખાડી છે. વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનાર નેતાઓ સામે કોંગ્રેસ કડક બની છે. આજે કોંગ્રેસે 33 નેતાઓને સસ્પેન્ડ કરી દીધા છે. ભાજપનો રિપોર્ટ પણ આજકાલમાં સબમિટ થઈ જશે. ભાજપ આ મામલે કડક પગલાં ભરે તેવી સંભાવના છે. જેમાં પૂર્વમંત્રીઓથી લઈને મોટા નેતાઓના નામ સામેલ છે. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડને પક્ષમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરાયા છે. નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદને પણ કોંગ્રેસમાંથી સસ્પેન્ડ કરાયા છે. પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને  પણ કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે. આમ કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી.  

કોંગ્રેસ ઉમેદવારના વિરોધમાં કામ કરનાર સામે કાર્યવાહી કરાઈ છે. 5 સભ્યોની શિસ્ત સમિતિએ સાથે મળી નિર્ણય લીધો છે. 71 અરજીઓમાં 95 લોકો સામે ફરિયાદો આવી હતી.  વધારે દોષિતને સસ્પેન્ડ અને કેટલાક હોદ્દેદારના હોદ્દા પરત લેવાયા છે. કોંગ્રેસે મસમોટા નિર્ણયો લઈને 33 લોકોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. 18 લોકોને રૂબરૂ મળી નિર્ણય લેવાશે. 6 હોદ્દેદારોના હોદ્દા પરત લેવામાં આવ્યા છે. 8 અરજીઓમાં ઠપકો આપવામાં આવ્યા છે જયારે 4 અરજીઓ પેન્ડિંગ રખાઈ છે. કોંગ્રેસે 2 જિલ્લાના પ્રમુખને સસ્પેન્ડ અને એક પૂર્વ પ્રમુખને સસ્પેન્ડ કરી દીધા છે. કોંગ્રેસે ભલે 17 સીટો જ જીતી હોય પણ પક્ષપલટુઓને બિલકુલ માફ કરવાના મૂડમાં નથી. ભાજપ હજુ નેતાઓની આળપંપાળ કરી રહી છે.

આ પણ વાંચો : 

ભાજપમાં પણ ઢગલાબંધ ફરિયાદો આવી 
તો બીજી તરફ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભલે રેકોર્ડબ્રેક બેઠકો જીતી હોય, પણ વાસ્તવિકતા એ છે કે, ભાજપના જ ઉમેદવારને હરાવવા ભાજપના જ અસંતુષ્ટોને ખૂબ જ ધમપછાડા કર્યા હતાં. ભાજપ આ મામલે આળપંપાળ કરશે તો સંગઠનમાં ખોટો મેસેજ જવાનો પક્ષને ડર છે. આ મામલે  ખુદ ભાજપના જ ઉમેદવારોએ કમલમ સુધી ઢગલાબંધ ફરિયાદો કરી હતી. આખરે ભાજપે શિસ્ત સમિતી રચી પક્ષવિરોધીઓ પૂર્વ મંત્રીથી માંડીને પૂર્વ ધારાસભ્યોનું લિસ્ટ ઘણુ લાંબુ છે. હવે સવાલ એ છે કે ભાજપ કાર્યવાહી કરે છે કે કેમ? કારણ કે એક બે દિવસમાં શિસ્ત સમિતિ આ રિપોર્ટ પાર્ટીને સોંપી દેશે. બિલાડીને જ દૂધના રખોપા સોંપાયા હોય એમ ખુદ શિસ્ત સમિતીના પ્રમુખ વલ્લ કાકડિયા સામે જ પક્ષ વિરોધી પ્રવૃતિ કરી હોવાનો આરોપ આ બેઠકમાં મૂકાયો હતો.

આ પણ વાંચો : 

પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારાની ખેર નથી 
ગુજરાતની એક બે નહીં અનેક બેઠકોમાં ચૂંટણી સમયે ભાજપમાં ખટરાગ હતો. ભાજપે કદાવર નેતાઓને કાપી નાખતાં એમના અંદરો અંદરના કકળાટની કમલમ સુધી એ સમયે ફરિયાદો થઈ હતી. અમદાવાદમાં જમાલપુરમાં આંતરિક ખટરાગ હોવાથી ભાજપને પરિણામ મળ્યું નથી એ મામલે ફરિયાદો પણ થઈ છે. ઠક્કરબાપાનગર બેઠક ભાજપ કાકડિયાને ટિકિટ આપતું હતું પણ આ ચૂંટણીમાં એ ખુદ કપાતાં શિસ્ત સમિતીના પ્રમુખ વલ્લભ કાકડિયાએ જ કોંગ્રેસના ઉમેદવારને પાછલા બારણે મદદ કરી હોવાના આરોપો ભાજપના સ્થાનિક કાર્યકરો મૂકી રહ્યા છે. કમલમમાં રજૂઆત કરવા ગયેલાં કાર્યકરોએ કાકડિયાને પરખાવ્યું પણ હતુ. હવે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનાર જ પૂર્વ ધારાસભ્ય કાકડિયાને શિસ્ત સમિતીના પ્રમુખ બનાવી દેવાયા છે. 

આ પણ વાંચો : 

ટિલાળા પર થયુ હતું રાજકારણ
એવી પણ ચર્ચા છે કે, રાજકોટમાં પૂર્વ મંત્રી ભાજપના ઉમેદવાર ઉદય કાનગડને કરાવવા મેદાને પડ્યા હતાં. ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટિલાળાને હરાવવા પણ ભાજપના નેતાઓએ પ્રયાસો કર્યા હતા. એટલે ટિલાળાએ તો પોતાની ખુદની નવી ટીમ ઉભી કરવી પડી હતી. સૌરાષ્ટ્રમાં મોટાપાયે વિખવાદો થયા હતા. રાજકોટમાં તો પાટીલે ખુદ જવું પડ્યું હતું અને બળવાખોરોને શાનમાં સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ચૂંટણી પહેલાં ભાજપના નેતાઓની નારાજગી અંદરોખાને પરાકાષ્ઠાએ હતી.  

આ પણ વાંચો : 

સૌરાષ્ટ્રમાં પણ થઈ હતી બળવાખોરી
સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો કાંતિ અમૃતિયા અને સાંસદ મોહન કુંડારિયા વચ્ચેનો ઝઘડો જગજાહેર છે. જસદણમાં ભરત બોધરા અને મંત્રી કુંવરજી બાવળિયા વચ્ચે રાજકીય મતભેદ ચરમસિમાએ છે. એ સમયે ભોળા નામનો કોડવર્ડ પણ વાયરલ થયો હતો. ખુદ બાવિળયાએ કમલમમાં રજૂઆત કરી હતી કે, ભાજપના કાર્યકરોએ મને હરાવવા કોઇ કસર છોડી નથી. ગોંડલમાં જયરાજસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા વચ્ચે હજુય આંતરિક વિખવાદ શમ્યો નથી. આ ઉપરાંત વાંકાનેર સોમનાથ સહિત ઘણી બેઠકો પર ભાજપના નેતાઓએ જ કોંગ્રેસને જીતાડવા મથામણ કરી હતી. આમ એક કે બે નહીં, ભાજપ શિસ્ત સમિતિને કુલ મળીને 6૦૦થી વધુ ફરિયાદો મળી હતી. આ મામલે તમામ નેતાઓને સાંભળવામાં આવ્યા છે. રાજકોટમાંથી તો અમને કોઈ ફરિયાદ ન હોવાનું ખુદ ઉમેદવારોએ જીત્યા બાદ કહ્યું છે કારણ કે જીત બાદ ભાજપના ધારાસભ્યો જાણે છે કે નેતાઓ કરતાં રાજકોટમાં ભાજપ પાર્ટીનું વર્ચસ્વ વધારે છે. આમ પાર્ટી કોઈ પણને ટીકિટ આપશે તો અહીં જીતી જવાશે. 3 દિવસ ભાજપની શિસ્ત સમિતીએ ઘણા નેતાઓને સાંભળ્યા છે. હવે આ મામલે પ્રદેશમાં રિપોર્ટ સોંપાશે. ભાજપ ભલે આ મામલે હાલમાં ચૂપ છે પણ આ વિવાદ ઉપર સુધી ધ્યાને દોરાય તો નવાઈ નહીં કારણ કે આ બળવાખોરોમાં મોટા નેતાઓના નામ હોવાની ચર્ચા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news