વિધાનસભાની વાતઃ મજૂરા બેઠક પર આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? જાણો કયું પરિબળ બનશે નિર્ણાયક

મજૂરા વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ ખેલાશે. કોંગ્રેસ અત્યાર સુધી આ બેઠક પર ફાવી શકી નથી, ત્યારે ભાજપ અને AAP વચ્ચે કાંટાની ટક્કર થઈ શકે છે.

વિધાનસભાની વાતઃ મજૂરા બેઠક પર આ વખતે પરિવર્તન કે પુનરાવર્તન? જાણો કયું પરિબળ બનશે નિર્ણાયક

ઝી બ્યૂરો, અમદાવાદઃ સુરતની મજૂરા વિધાનસભા બેઠક પર આ વખતનો જંગ વધુ મહત્વનો બની રહેશે. રાજ્યનાં ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીનો મતવિસ્તાર હોવાથી આ બેઠક પર હાઈ પ્રોફાઈલ જંગ ખેલાશે. જો કે આ વખતે અહીં એક ફેરફાર એ જોવા મળશે કે અહીં ત્રિપાંખિયો જંગ ખેલાશે. અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસ પૂરતો મર્યાદિત રહેતા ચૂંટણી જંગમાં હવે આમ આદમી પાર્ટીનો ઉમેરો થયો છે. 2008નાં સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી મજુરા વિધાનસભા બેઠક હેઠળ સુરતનાં મોટાભાગનાં પોશ વિસ્તારો આવે છે. સુરતનાં મોટાભાગનાં કાપડનાં વેપારીઓ મજૂરામાં વસે છે. એટલે પાયાનાં મુદ્દા આ બેઠક પર વધુ અગત્યનાં નથી.

હર્ષ સંઘવીની બેઠક પર પકડ-
મજૂરા બેઠક પર અત્યાર સુધી બે વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે. બંને વખત બેઠક ભાજપનાં ફાળે ગઈ છે. 2012માં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના ધનપત જૈનને 1,03,577 મતે પરાજય આપ્યો હતો. 27 વર્ષની વયે તેઓ રાજ્યનાં સૌથી નાની વયનાં ધારાસભ્ય બન્યા હતા. 2017માં સંઘવીએ કોંગ્રેસનાં ઉમેદવાર અને કાપડનાં વેપારી અશોક કોઠારીને 1,16,741 મતો હરાવ્યા હતા. 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર વચ્ચે પણ હર્ષ સંઘવીએ આ બેઠક જાળવી રાખી હતી.

મજૂરાનાં જાતિગત સમીકરણો-
મજૂરા બેઠક પર મતદારોની સંખ્યા 2.45 લાખ જેટલી છે. આ વિસ્તારમાં જૈન મારવાડી અને મોઢ વણિક સમુદાયનું પ્રભુત્વ છે. મોટાભાગને કાપડનાં વેપાર સાથે સંકળાયેલા આ સમુદાય આર્થિક રીતે સંપન્ન છે. નવાઈની વાત એ છે કે અહીં કાપડ નિર્માણનું એક પણ યુનિટ નથી. જો કે અહીં કાપડનાં મોટા વેપારીઓનાં મત નિર્ણાયક છે. મૂળ ઉત્તર ભારતનાં કાપડનાં વેપારીઓનું આ બેઠક પર પ્રભુત્વ છે, તમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી.

રાજ્યનાં ગૃહ રાજ્ય મંત્રી બન્યા બાદ હર્ષ સંઘવીનું રાજકીય કદ વધ્યું છે. જો આ ચૂંટણીમાં પણ તેઓ જીતે અને રાજ્યમાં ફરી ભાજપની સરકાર બને તો સંઘવીનું મંત્રી મંડળમાં સ્થાન લગભગ નિશ્વિત મનાય છે. જો કે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી અહીંના રાજકીય સમીકરણો કેટલા બદલાય છે, તેનાં પર ઘણું ખરું નિર્ભર કરે છે...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news