આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય : સૂત્ર

Gujarat Assembly Elections 2022 : દિવાળી બાદ જાહેર થશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો... આજે માત્ર હિમાચલ પ્રદેશની તારીખ જાહેર થશે... બપોરે 3 કલાકે કેન્દ્રિય ચૂંટણી પંચ પત્રકાર પરિષદ કરશે.... 
 

આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર નહીં થાય : સૂત્ર

બ્રિજેશ દોશી/ગાંધીનગર : આજે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓની તારીખો જાહેર થાય તેવી શક્યતા નહિવત્ છે. ચૂંટણી પંચ દ્વારા આજે ફક્ત હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં 20 ઓક્ટોબર બાદ ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થશે. 2017 માં પણ હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા જાહેર થઈ હતી. બંને રાજ્યોની ચૂંટણી સાથે જાહેર નહીં થાય. 22 તારીખની આસપાસ જાહેર થવાની સંભાવના છે. 

આજે ચૂંટણી પંચે જાહેરાત કરી કે, આજે બપોરે 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. ત્યારે આ પ્રેસ કોન્ફરન્સ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખોને લઈને હોઈ શકે છે તેવુ ચર્ચાઈ રહ્યું છે. પરંતુ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, આજે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર નહિ થાય. કારણ કે, 2017 માં પણ હિમાચલ પ્રદેશની ચૂંટણી પહેલા જાહેર થઈ હતી. 2017 માં હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખ 13 ઓક્ટોબરે, જ્યારે કે ગુજરાતની ચૂંટણીની તારીખ 25 ઓક્ટોબરે જાહેર થઈ હતી. 

શા માટે જાહેર નહિ થાય તેનુ કારણ
હાલ ગુજરાતમાં ભાજપ સંગઠનની ગૌરવ યાત્રા ચાલી રહી છે. એ ૧૭ ઓક્ટોબર સુધી છે. એ પછી તરત રાજ્ય સરકાર દ્વારા 16 જિલ્લાઓમાં ગરીબ કલ્યાણ મેળા થવાના છે. એ સંપૂર્ણતઃ ચૂંટણીલક્ષી જ છે. જો આજે ચૂંટણી જાહેર થઈ જાય તો તાત્કાલિક આચારસંહિતા લાગુ થઈ જાય અને તો બધા જ કાર્યક્રમો અટકી પડે. તેથી ગુજરાતની ચૂંટણીની જાહેરાત દિવાળી આસપાસ જ થશે તેવુ અનુમાન છે.

આ વચ્ચે ખબર આવ્યા છે કે, કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારી ગુજરાત આવશે. 16 થી 20 ઓક્ટોબર દરમિયાન સમીક્ષા બેઠક યોજાશે. દિલ્હીથી નાયબ ચૂંટણી કમિશનર ગુજરાત આવશે. જેઓ રાજ્યની ચૂંટણી વ્યવસ્થાની તૈયારીઓ અંગે સમીક્ષા કરશે. ચૂંટણી પંચની ટીમ ઝોન પ્રમાણે બેઠકો યોજી સમીક્ષા કરશે. તેમની મુલાકાત બાદ ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત થશે.

બે ચરણમાં થશે ગુજરાતની ચૂંટણી
2022 ની ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 ની જેમ બે ભાગમાં થશે. ત્યારે આજે ચૂંટણીની તારીખો જાહેર થવાની ચર્ચા છે. તો હિમાચલમાં માત્ર એક જ ચરણમાં ઈલેક્શન થશે. ગુજરાતમાં પહેલા ફેઝનું વોટિંગ 27 અથવા 30 નવેમ્બરની તારીખ હોઈ શકે છે. તો બીજા ફેઝના વોટિંગ માટે 4 ડિસેમ્બરની તારીખ જાહેર થઈ શકે છે તેવુ કહેવાય છે. 

182 સીટ માટે ચૂંટણી
ગુજરાતમાં વિધાનસભાની કુલ 182 સીટ છે. તેમાં 40 સીટ આરક્ષિત છે. 13 સીટ અનુસૂચિત જાતિ માટે અને 27 સીટ અનુસૂચિત જનજાતિ આદિવાસી સમાજ માટે રિઝર્વ છે. 2017 ની ચૂંટણીમાં બીજેપીને 99, કોંગ્રેસને 77 સીટ મળી હતી. તો બે સીટ ભારતીય ટ્રાઈબલ પાર્ટી, એક સીટ એનસીપીને મળી હતી. બાકીની ત્રણ સીટ પર અપક્ષની જીત થઈ હતી. તેમાં કોંગ્રેસના સમર્થિત જિગ્નેશ મેવાણી સામેલ છે. ગુજરાતમાં લાંબા સમયથી ચૂંટણી વચ્ચે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે, પરંતુ પહેલીવાર એવુ થયું છે કે આમ આદમી પાર્ટી તનતોડ મહેનત કરીને લોકો વચ્ચે આવી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news