RMCની લોલમલોલ: પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો વેરા, પણ સરકારને બિલ ભરતી જ નથી

રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ પાસેથી કરોડો રૂપીયાનો પાણી વેરો વસુલ કરવામાં આવે છે તો સરકારમાં ભરપાઇ કરવા જોઇએ. પરંતુ આ રૂપીયા ક્યાં ગયા તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. 

RMCની લોલમલોલ: પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો વેરા, પણ સરકારને બિલ ભરતી જ નથી

ગૌરવ દવે/રાજકોટ: મહાનગરપાલિકાની લોલમલોલ સામે આવી છે. રાજકોટની પ્રજા પાસેથી કરોડો રૂપિયાનો પાણી વેરાની ઉઘરાણી કરતી રાજકોટ મહાનગરપાલીકાને સરકારે પાણીનું બિલ ભરવા નોટીસ ફટકારી છે. સૌની યોજનાથી રાજકોટ શહેરને નર્મદા નિર પૂરૂ પાડવામાં આવે છે, પરંતુ 2017થી અત્યાર સુધીમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નર્મદા નિગમને બિલની ભરપાઇ કરી નથી. જેથી સિંચાઇ વિભાગે 105 કરોડ રૂપીયાનું બિલ ભરવા નોટીસ ફટકારી છે.

સેટલમેન્ટ કરવા સરકારમાં અપીલ - મેયર
ઉનાળાના કપરા કાળમાં રાજ્ય સરકારે રાજકોટ શહેરને પીવા માટે નર્મદાનાં નિર પહોંચાડ્યા. આજી અને ન્યારી ડેમમાં નર્મદાનાં નિર ઠાલવવામાં આવતા રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો કરવો પડ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટવાસીઓનાં ખિસ્સા ખંખેરીને કરોડો રૂપિયાનો પાણી વેરો વસુલ કર્યો છે. પરંતુ પાણી વેરાનાં રૂપીયા સરકારમાં જમા કરાવ્યા નથી. જી હા, આ અમે નહિં પરંતુ રાજકોટ મહાનગરપાલિકાને સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસ કહી રહી છે. સિંચાઇ વિભાગે ફટકારેલી નોટીસમાં રાજકોટ મહાનગરપાલિકાનું 105 કરોડ રૂપિયાનું પાણીનું બિલ બાકી હોવાનું અને ભરપાઇ કરવા કહેવામાં આવ્યું છે. 

રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધ પક્ષનાં પૂર્વ નેતા વસરામ સાગઠિયાએ કહ્યું હતું કે, રાજકોટવાસીઓ પાસેથી કરોડો રૂપીયાનો પાણી વેરો વસુલ કરવામાં આવે છે તો સરકારમાં ભરપાઇ કરવા જોઇએ. પરંતુ આ રૂપીયા ક્યાં ગયા તેની સામે સવાલો ઉઠી રહ્યા છે. 

તો બીજી તરફ રાજકોટનાં મેયર ડો પ્રદિપ ડવનું કહેવું છે કે, છેલ્લા ઘણાં વર્ષો થી પાણીનું બિલ ભરવાનું બાકી હોવાથી ચડત બિલ અને વ્યાજ અને પેનલ્ટી લગાવવામાં આવી છે. જેના માટે અમે સરકારમાં અપિલ કરીશું કે વન ટાઇમ સેટલમેન્ટ કરવામાં આવે અને અંદાજીત 33 કરોડ જેવું વ્યાજ અને પેનલ્ટી માફ કરવામાં આવે. જોકે રાજકોટવાસીઓને પાણી કાપનો સામનો ન કરવો પડે તે માટે ફરી એક વખત નર્મદાનાં નિરની માંગણી કરવામાં આવી છે. વસરાદ ખેંચાશે તો નર્મદાના નિર રાજકોટવાસીઓને મળે તે માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટ શહેરના જીવાદોરી સમાન આજીડેમમાં 30 જૂન સુધી ચાલે એટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. જ્યારે ન્યારી ડેમમાં પાણી રીજર્વ રાખવામાં આવ્યું છે. જો વરસાદ ખેંચાય તો ફરી રાજકોટ શહેરને નર્મદા નિર આધારીત રહેવાનો વારો આવી શકે છે. ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા આપવામાં આવેલા બિલ મુજબ આજીડેમ 1માં 79.26 કરોડ જ્યારે ન્યારી 1 ડેમનો 25.96 કરોડનું બિલ ભરપાઇ કરવા રાજકોટ મહાનગરપાલીકાને પત્ર લખવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકા પ્રજાનાં રૂપીયા ખોટા તાયફાઓ પાછળ ખર્ચવાને બદલે પાણી અને પ્રાથમિક સુવિધાઓ પાછળ વાપરે તેવી માંગ ઉઠી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news