ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર; આ પાકને સરકાર ખરીદશે ટેકાના ભાવે, આવી ગઈ તારીખ
રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખરીદી આગામી તા. ૧લી નવેમ્બરથી શરુ થશે. ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો તા. ૧લી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર દરમિયાન ઓનલાઇન નોંધણી કરાવી શકશે
Trending Photos
ઝી બ્યુરો/ગાંધીનગર: રાજ્યના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન 2023-24માં રાજ્ય સરકાર દ્વારા ડાંગર, બાજરી, જુવાર, રાગી, મકાઇની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી. મારફતે કરવામાં આવશે. આગામી 1લી નવેમ્બરથી 15મી જાન્યુઆરી દરમિયાન આ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા કોમન ડાંગર માટે રૂ. 2183 પ્રતિ ક્વિન્ટલ, ગ્રેડ-એ ડાંગર માટે રૂ. 2203 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે રૂ. 2090 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે રૂ. 2500 પ્રતિ ક્વિન્ટલ, હાઈબ્રીડ જુવાર માટે રૂ. 3180 પ્રતિ ક્વિન્ટલ, માલદંડી જુવાર માટે રૂ. 3225 પ્રતિ ક્વિન્ટલ અને રાગી માટે રૂ. 3846 પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. ખરીદી સમયે ખેડૂતોએ પોતાનું આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદ કરવામાં આવશે.
લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોએ આગામી 1લી ઓક્ટોબરથી 31મી ઓક્ટોબર દરમિયાન ફરજીયાત ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય કક્ષાએ VCE મારફત પણ ઓનલાઈન નોંધણી કરી શકાશે. આ નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમૂનો 7/12, 8-અની નકલ, ગામ નમૂના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામના બેંક ખાતાની વિગત સહિતના સાધનિક પુરાવાઓની નકલ સાથે અરજી કરવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે