ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ, 17 નવેમ્બરે સવારે વનવિભાગ ખોલશે દ્વાર

ભવનાથ તળેટીના ઈટવાગેટ (રૂપાયતન) ખાતેથી પરિક્રમાર્થીઓને અપાશે પ્રવેશ, 36 કિમી લાંબા રૂટમાં શ્રદ્ધાળુઓ કરશે ગરવા ગિરનારની પરિક્રમા 

ગિરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ પૂર્ણ, 17 નવેમ્બરે સવારે વનવિભાગ ખોલશે દ્વાર

હનીફ ખોખર/જૂનાગઢઃ ગરવા ગરિનારની ગોદમા યોજાતી લીલી પરિક્રમાની તૈયારીઓ સંપૂર્ણ થઈ ગઈ છે. 17 નવેમ્બર, શનિવારના રોજ વન વિભાગ દ્વારા ભવનાથ તળેટીના ઈટવા ગેટ (રૂપાયતન) ખાતેથી પરિક્રમાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. શ્રદ્ધાળુઓ માટે સરકાર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. 

પ્રતિ વર્ષ ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. આ વર્ષે પણ દર વર્ષની જેમ આગામી શનિવારથી લીલી પરિક્રમાની શરૂઆત થઈ રહી છે ત્યારે વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. 

જૂનાગઢ, ગિરનાર સેન્ચુરીના મદદનીશ વન સંરક્ષક બી.કે. ખટાણાએ આ અંગે જણાવ્યું કે, ગિરનારની પરિક્રમાના 36 કિમીના માર્ગમાં મુખ્ય ત્રણ ઘોડી આવે છે. ઘોડી એટલે કે ઊંચો પર્વત. તેના ઉપર ચઢીને સામેના છેડે ઉતરવાનું હોય છે. ત્રણ ઘોડી એટલે કે ઊંચા પર્વત વિસ્તારમાં વન વિભાગે વિશેષ સુવિધા ઊભી કરી છે. 

તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રથમ ઈટવા ઘોડી વિસ્તારમાં આરસીસી રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે. માલવેલા ઘોડી સમગ્ર પરિક્રમા રૂટની કઠિનમાં કઠિન ઘોડી છે. આ અતિ દુર્ગમ વિસ્તારમાં ઉતરવા માટે આરસીસીના પગથિયા બનાવાયા છે. ત્રીજી નવપાણીની ઘોડી ખાતે પણ પરિક્રમાવાસીઓને સહેલાઈથી ઉતરવા માટે આરસીસીના પગથિયાનું નિર્માણ કરાયું છે. 

આ ઉપરાંત, 36 કિમનો સંપૂર્ણ રૂટ રિપેર કરી દેવાયો છે. સમગ્ર રૂટ પર યાત્રિકો માટે પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ માર્ગ પર વસવાટ કરતા 50 જેટલા સિંહને પરિક્રમા રૂટથી દૂર ખસેડવાની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે. સાથે જ અન્ય વન્ય પ્રાણીઓને પણ દૂરના વિસ્તારમાં ખસેડી દેવાયા છે. પરિક્રમાર્થીને કે વન્ય પ્રાણીઓને નુકસાન ન થાય તે માટે વન વિભાગ દ્વારા રેસ્કયુ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે. 

ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓ અંગે જૂનાગઢ રેન્જના ફોરેસ્ટ ઓફિસર એસ.ડી. ટિંડાળાએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, લીલી પરિક્રમાના 36 કિમીના રૂટમાં 50 ટકા વિસ્તાર સીધો રસ્તો છે. બાકીનો ભાગ ઘોડીઓ એટલે કે પર્વતીય વિસ્તાર છે, જ્યાં પર્વત પર ચઢીને બીજે છેડે ઉતરવાનું હોય છે. સપાટ માર્ગમાં આરસીસી સડક તૈયાર કરાઈ છે અને પર્વતોમાં ઉતરવા માટે પગથિયાનું નિર્માણ કરાયું છે. 

આ સાથે જ રસ્તામાં સ્વચ્છતા જાળવવા માટે પણ વિવિધ જગ્યાએ બેનરો લગાવાયા છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વન વિભાગનો 100થી વધુનો સ્ટાફ સહિત અન્ય સ્વયંસેવકોની ટીમ તૈનાત રહેશે. વન વિભાગ દ્વારા યાત્રિકોને પીવાનું પાણી દરેક જગ્યાએ મળી રહે તેના માટે પણ પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news