સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું

13 દિવસમાં 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણ ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કની લીધી મુલાકાત, વન વિભાગને 1 કરોડથી વધુની આવક, પ્રવાસીઓનો ધસારો ચાલુ

સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઊભરાયું

હનીફ ખોખર/જૂનાગઢઃ સિંહોનું ઘર સાસણગીર દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓથી ઉભરાયું છે. દિવાળી બાદ પણ તેમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. દિવાળી વેકેશન શરૂ થયાના 13 દિવસમાં અત્યાર સુધી 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્ય અને દેવળિયા પાર્કની મુલાકાત લીધી છે. જેનાથી વન વિભાગને 1 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. હજુ પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. 

તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા બહાર આવેલા ગેરકાયદેસર રોકાણ તેમજ ગેરકાયદેસર સિંહ દર્શનની ઘટના બાદ તંત્રએ લાલઆંખ કરી છે. આવી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા લોકોને પકડી પાડવા માટે વન વિભાગની ટીમોએ સાસણ અને આસપાસના વિસ્તારોમાં કડક ઓપરેશન હાથ ધર્યું છે. સાથે જ સાસણમાં સિંહોના દર્શન કરવા આવતા લોકોને સિંહ જોવા મળી રહે તેના માટે પણ તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે, સાસણગીરના સિંહો માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ-દુનિયામાં જાણીતા છે. અહીં આવતા પ્રવાસીઓ પણ સિંહોની જાળવણી અને સંવર્ધન થાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. સાસણ તરફ આવતા તમામ રસ્તાઓ પર ભારે ટ્રાફિક જોવા મળી રહ્યો છે. 

મહારાષ્ટ્રથી સિંહ જોવા આવેલા પ્રવાસી યોગેશ બને તેમના અનુભવ અંગે જણાવ્યું કે, "સાસણ ગીરમાં એશિયાટિક લાયનની સાથે-સાથે અસંખ્ય વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે. આ ભારતનું સૌથી મોટું રાષ્ટ્રીય અભયારણ્ય હોવાનું જાણ્યા બાદ અમે પરિવાર સાથે અહીં સિંહ દર્શન માટે આવ્યા છીએ. તાજેતરમાં જ જે 23 સિંહના મોતના સમાચાર આવ્યા હતા તે જાણ્યા બાદ ભગવાનને અમારી પ્રાર્થના છે કે, સિંહની પ્રજાતી નિરોગી રહે અને વિશ્વભરના પ્રવાસીઓ તેમને જોવા આવતા રહે."

વન વિભાગના ડીસીએફ મોહન રામે જણાવ્યું કે, માત્ર 13 દીવસમાં 75 હજારથી વધુ પ્રવાસીઓએ સાસણગીર અભ્યારણ્ય અને દેવળીયા પાર્કની મુલાકાત લીધી છે. આ પ્રવાસીઓને કારણે વન વિભાગને રૂ. એક કરોડથી વધુ ની આવક થઈ છે અને તેની સાથે જ સાસણ ગામનાં હજારો લોકોને ધંધા-રોજગાર દ્વારા કમાણી થઈ છે.  

હજુ પણ મોટી સંખ્યામાં લોકો સાસણ તરફ આવી રહ્યા છે એટલે આવક વધશે. પ્રવાસીઓ સિંહ અને તેની સાથે જંગલમાં વસતા અસંખ્ય પ્રાણીઓને મનભરીને નિહાળ્યા છે. ગીર જંગલની સુંદરતા માણીને પ્રવાસીઓ ભાવવિભોર થઈને પરત ફર્યા છે. 

રાખી નાડકર નામના પ્રવાસી મહિલાએ જણાવ્યું કે, અમે ગુજરાત સિંહો વિશે જે સાંભળ્યું હતું એટલે અમે તેમને જોવા માટે આવ્યા છીએ. અહીં અમે અસંખ્ય પક્ષીઓની સાથે-સાથે પ્રાણીઓ પણ જોવા મળ્યા. બાળકોને ખુબ જ આનંદ આવ્યો. અહીં કુદરતી સૃષ્ટિનું ખુબ જ સરસ રીતે જતન કરવામાં આવ્યું છે. લોકોએ સાસણમાં આવીને પ્રકૃતિનો આનંદ માણવો જોઈએ. 

સાસણગીરના ડીસીએફ મોહન રામે વધુ વિગતો આપતા જણાવ્યું કે, અમે દીવાળી પર્વે તા.1 થી 13 સુધીનો કાચો અંદાજ તૈયાર કર્યો છે. આ વર્ષે રાજ્ય વન વિભાગ દ્રારા દેવળીયા પાર્કમાં પીંજરા સાથેની જીપ્સીમાં સિંહ દર્શનની વ્યવસ્થા શરૂ કરી છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને અત્યારે પરમીટનો ભાવ રૂ.150ના બદલે પ્રતિ વ્યક્તિ રૂ.180 કરવામાં આવ્યો છે. 

તેમણે જણાવ્યું કે, દેવળીયા પાર્કમાં તા. 1 થી 13 વચ્ચે 40 થી 45 હજાર લોકો એ મુલાકાત લીધી છે. ગીર અભ્યારણ્ય માં 11 થી 12 હજાર લોકો વીઝીટ કરી ચુક્યા છે. છેલ્લા 13 દીવસમાં સાસણ ગીરમાં 75 હજાર જેટલા પ્રવાસીઓ આવ્યા છે. જેના લીધે સ્થાનિક લોકોની રોજગારીમાં પણ વધારો થયો છે.

પ્રવાસીઓ પાસેથી તગડી રકમ લઈને ખેતરોમાં સિંહ દર્શન કરાવવાની જે ગેરકાયદે પ્રવૃત્તિ ચાલતી હતી તેના પર વન વિભાગ દ્વારા લગામ કસવામાં આવી છે. સરકાર તરફથી ચલાવાયેલા જાગૃતિ અભિયાનને કારણે હવે પ્રવાસીઓ પણ કાયદેસર સિંહ દર્શનનો આગ્રહ રાખી રહ્યા છે તે સારી વાત છે. વન વિભાગ અને અભયારણ્યના અધિકારીઓ સિંહ દર્શન માટે આવતા પ્રવાસીઓને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેના માટે સતત કાર્યરત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news