આ દિવસે ગંગા નર્મદાને મળવા આવે છે, નર્મદાના શ્યામ પાણીમાં દેખાય છે ગંગાની સફેદ ધારા
Ganga Dussehra 2022 : માન્યતા છે કે ગંગા દશેરાના દિવસે મા ગંગા ધરતી પર અવરિત થયા હતા. 9 જૂને ભારે શ્રદ્ધા પૂર્વક ગંગા દેશહેરા ની પુર્ણાહુતી ચાંદોદ ખાતે કરવામાં આવી. કોરોના કાળ બાદ આ વર્ષે ભાવિક ભકતોની ભારે ભીડ ઉમટી
Trending Photos
ચિરાગ જોશી/ચાંદોદ :ગુજરાતમાંથી પસાર થતી નર્મદા નદીનું ધાર્મિક મહત્વ અનેરું છે. ગંગા નદી જેટલું જ મહત્વ ધરાવતી આ નર્મદા નદીની ગંગા દશહરા નિમિત્તે પૂજા અર્ચના અને દીવડાઓ કરવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષમાં આ તહેવાર ચાંણોદના મલ્હારરાવ ઘાટ ખાતે ભારે ધામધૂમથી મનાવાય છે, જે દિવસે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે. હિન્દુ ધર્મમાં ગંગા દશમીનું ખુબ મહત્વ રહેલું છે. શાસ્ત્રો પ્રમાણે જે દિવસે ગંગા નદી પૃથ્વી પર અવતરણ પામી હતી, તે દિવસે જેઠ શુક્લ પક્ષ દસમી તિથિ હતી. આ કારણે દર વર્ષે જેઠ મહિનાની શુક્લ પક્ષની દસમી તિથિએ ગંગા દશહરાનું પર્વ મનાવવામાં આવે છે. માન્યતા છે કે, આ દિવસો માં નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય મળે છે. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળતી નર્મદાનું પણ ગંગા જેટલું જ મહત્વ છે. આ દિવસોમાં માં ગંગા નર્મદા નદીને મળવા આવે છે અને તે પણ ગુપ્ત રીતે જેથી ગંગા દશહરાનો તહેવાર મનાવવામાં આવે છે. હાલમાં 31 મેથી 9 જૂન સુધી ગંગા દશહરાનું પર્વ મનાવવામાં આવ્યું હતું. આ દિવસોમાં નર્મદા મૈયાને 52 ગજની સાડી અર્પણ કરવામાં આવે છે.
પુરાણોમાં દર્શાવેલી વાતો પ્રમાણે નર્મદા એ ભગવાન શિવની પુત્રી છે, તે કુંવારી છે એટલે કે સાગરમાં મળતી નથી. પૌરાણિકતા અનુસાર ભારતમાં આ એક નદી છે કે, જેની પરિક્રમા કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં જણાવ્યા અનુસાર, દેવો અને દૈત્યોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે તેમાંથી મળી આવેલા વિષને પીવા માટે કોઈ તૈયાર નહોતું. આ વખતે શિવજીએ આ વિષ પી લીધું હતું અને અમરકંટકના પહાડો પર તપશ્ચર્યા માટે બેઠા હતા. તે દરમ્યાન તેમના શરીર પર વિષની અસર થઈ અને શરીરમાંથી પરસેવો નિકળ્યો, જેને નર્મદા નામ આપવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. લોકવાયકા અનુસાર ગંગાજીમાં મનુષ્યો પાપ ધોવા માટે સ્નાન કરે છે, સ્નાન કરીને પાપ ગંગાજીમાં ધોઈ નાંખે છે. ત્યારે ગંગાજીએ શિવજી સમક્ષ રજૂઆત કરી હતી કે મનુષ્યોના પાપ મારે કયા ધોવા જવા, ત્યારે શિવજીએ આર્શિવાદ આપીને કહ્યું હતું કે વર્ષમાં એક વખત જેઠ મહિનાની દસમે પૃથ્વી પર નર્મદાજી વહે છે, તેમાં તમારે જવાનું અને નર્મદાજીમાં સ્નાન કરીને પાપ ધોવાના. તમે જોયું હશે કે નર્મદાનું પાણી શ્યામ હોય છે. અને ગંગાદશેરાના દિવસે નર્મદાજીમાં સાક્ષાત ગંગાજી પ્રગટ થાય છે, અને ગંગાજીનું પાણી સફેદ હોય છે. ગંગાદશેહરાના દિવસે નર્મદાના શ્યામ પાણીમાં ગંગાજીની સફેદ ધારા દેખાય છે. એટલે ગંગાદશહરાના દિવસે નર્મદાજીમાં સ્નાન કરવાથી ગંગાજીમાં સ્નાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે.
નર્મદા જિલ્લાના પોઈચા ગામ નજીક નર્મદાજીમાં ત્રિવેણી સંગમ થાય છે. અમરકંટકથી ઉત્તરમાં વહેતી ઉત્તરવાહિની નદીનું મહત્વ અનન્ય છે. તેના કારણે કહેવાય છે કે, નર્મદા નદીના દર્શન માત્રથી જીવન ધન્ય થાય છે અને પૂણ્ય પ્રાપ્ત થાય છે. આ જેઠ શુક્લ મહિનાની દશમી તિથિ દરમ્યાન ભારે મોટી સંખ્યામાં ભક્તો ભક્તો આવીને ગંગા દશેરાની ઉજવણીમાં ભાગ લે છે. નર્મદા મૈયાને ચૂંદડી ચઢાવે છે, તેમજ તેની ભવ્ય આરતી પણ કરવામાં આવતી હોય છે. ફળો તેમજ ચણાની પ્રસાદ આપવામાં આવે છે.
બ્રહ્મપુરાણમાં કહેવાયું છે કે, જ્યેષ્ઠે માસિ સિતે પક્ષે દસમી હસ્તસંયુતા, હરતે દસ પાપાનિ તસ્માદ્ દશહરા સ્મૃત.
અર્થાત્, જેઠ માસની શુક્લ પક્ષની દસમી તિથિ હસ્ત નક્ષત્ર હોય, તે સમયે દસ પ્રકારના પાપોનો નાશ થાય છે. આ દિવસે ગંગા અને નર્મદામાં સ્નાન કરવાથી છળ, કપટ, લોભ, નિંદા, ખરાબ વિચારના લીધે લગનાર દોષ સમાપ્ત થાય છે. લગ્નેત્તર સંબંધ, અસત્ય બોલવાથી લાગેલું પાપ આ તમામ પાપ ગંગા અને નર્મદામાં સ્નાન કરવાથી ધોવાઈ જાય છે.
આ વિશે સ્થાનિક બ્રાહ્મણ દિલીપ જોશીએ જણાવ્યુ કે, ગંગા દશહરાના દિવસે ગંગા સ્નાન અને પૂજા અર્ચના કરવાથી આરોગ્ય લાભ મળે છે. આ ઉપરાંત જીવન પર આવનાર સંકટોથી બચાવ થાય છે. આ દિવસે શિવપૂજા કરવાનું પણ ખાસ વિધાન છે. ગંગા જ્યારે સ્વર્ગથી પૃથ્વી પર ઊતરી આવી તે સમયે પોતાના વહેણથી પૃથ્વી પર હાહાકાર મચી ગયો હતો. ભગવાન શિવે પૃથ્વીની રક્ષા માટે ગંગાને પોતાની જટાઓમાં બાંધી લીધી અને ગંગાની એક ધારાને પૃથ્વી પર ઊતારી. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી નીકળીને શિવની જટાઓમાં લપેટાયેલી ગંગાના જળમાં ડૂબકી લગાવા માત્રથી વિષ્ણુ અને શિવના આશીર્વાદ એકસાથે મળે છે.
ગંગા દશેરાના દિવસે ગંગા અવતરણની કથા સાંભળવાથી પુણ્ય મળે છે. જે લોકો ગંગા અને નર્મદામાં સ્નાન નથી કરી શકતા તે ઘરે ડોલમાં જળ ભરીને તેમાં અન્ય પાણી મેળવીને ગંગામાતાનું સ્મરણ કરતા સ્નાન કરે તો પણ ગંગા સ્નાનનું પુણ્ય પ્રાપ્ત કરી શકાય છે. નર્મદામાં તો નર્મદા મૈયા વહે છે અને રાજપીપળાથી 5 કિમીના અંતરે આવેલું છે. ત્યારે, નર્મદામાં સ્નાન કરી આજના શુભ દિવસે અમે ધન્યતા અનુભવી રહ્યા છીએ
આજે સોશિયલ મીડિયાના યુગમાં પણ ધર્મ અને સામાજિક વાતોને પણ એટલુ જ મહત્વ આપવામાં આવે છે અને તેને કારણે જ પૃથ્વી પર આટલા આટલા જીવ સૃષ્ટિ હોવા છતાં સંતુલન જળવાઈ રહ્યું છે અને માનવીય વસ્તી વધારા સામે પણ માં સમાન નદીઓ સતત વહેતી રહે છે. તેમાય માં નર્મદા તો દર્શન માત્રથી પવિત્ર કરે છે, ત્યારે આખોય સમાજ આ ગંગા દશમીના પવન પર્વે નર્મદામાં જ ગંગાના દર્શન કરી ધન્યતા અનુભવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે