ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળી ઈલેક્ટ્રોનિક વ્હીકલ ક્ષેત્રે કરશે કામ, વાયબ્રન્ટ માટે પાઠવ્યું આમંત્રણ

ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મીટિંગમાં વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી.

  • ઓસ્ટ્રેલિયાની માઇન ટેકનોલોજી-ઇલેકટ્રીક વ્હીકલ ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોની તજજ્ઞતાના ગુજરાતને લાભ માટે પરામર્શ-ચર્ચા
  • વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા મુખ્યમંત્રીએ પાઠવ્યું નિમંત્રણ 
  • મુખ્યમંત્રીને ઓસ્ટ્રેલિયા મુલાકાત માટે ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે આમંત્રણ આપ્યું 

Trending Photos

ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળી ઈલેક્ટ્રોનિક વ્હીકલ ક્ષેત્રે કરશે કામ, વાયબ્રન્ટ માટે પાઠવ્યું આમંત્રણ

ગુજરાત: આજે ગાંધીનગર (Gandhinagar)માં ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર અને રાજ્યના મુખ્યમંત્રી (CM) વચ્ચે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. ભારત (India) સ્થિત ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર શ્રીયુત બેરી ઓ’ફેરેલ અને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ આ મીટિંગમાં વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયા-ગુજરાત સાથે મળીને આગળ વધે તથા સંબંધોનો સેતુ વધુ સુદ્રઢ બને તે માટે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગવા વિઝનની ફલશ્રુતિ રૂપે નિર્માણ પામેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિની ખાસ મુલાકાત લેવા ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને અનુરોધ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરી ઓ’ફેરેલે માઇનીંગ ટેકનોલોજી, ઇલેકટ્રીક વ્હીકલના બેટરી ઇન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં ઓસ્ટ્રેલિયન તજજ્ઞતાનો લાભ ગુજરાતને મળે તે માટે પણ ફળદાયી વિચાર-વિમર્શ કર્યો હતો.

ભારતની નવી રાષ્ટ્રિય શિક્ષણ નીતિ અંતર્ગત જે નવિન તકો ઉપલબ્ધ થઇ છે, તે સંદર્ભમાં ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઝની ગુજરાતમાં સ્થાપના માટેની સંભાવના અંગે પણ તેમણે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની વૈશ્વિક ઓળખ બનેલા વાયબ્રન્ટ સમિટની શૃંખલામાં ઓસ્ટ્રેલિયાની સહભાગીતાનો ઉલ્લેખ કરતાં આગામી વાયબ્રન્ટ સમિટ-2022માં પણ જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. 

ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરે પણ સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઓસ્ટ્રેલિયાની મુલાકાત માટે નિમંત્રણ આપ્યું હતું. આ સૌજન્ય મુલાકાત બેઠકમાં મુંબઇ ખાતેના ઓસ્ટ્રેલિયન કોન્સ્યુલ જનરલ પીટર ટ્રશવેલ મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બીના મેનેજિંગ ડિરેકટર નિલમ રાની પણ જોડાયા હતા. મુખ્યમંત્રીએ ઓસ્ટ્રેલિયન હાઇકમિશનરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની પ્રતિકૃતિ સ્મૃતિભેટ રૂપે આપી હતી.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news