ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં, હાર્દિકના ઘરની આસપાસ જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો

પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 3 ડીસીપી, 8 એસીપી, 35 પીઆઈ, 200 પીએસઆઈ અને 3000 પોલીસ જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે

ઉપવાસને લઈને પોલીસ એક્શનમાં, હાર્દિકના ઘરની આસપાસ જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો

અમદાવાદઃ હાર્દિકના 25 ઓગસ્ટના ઉપવાસ આંદોલનને લઈને રાજ્ય પોલીસ વડાએ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ્દ કરી છે. તમામ પોલીસ કર્મચારીને 25 ઓગસ્ટના દિવસે સ્ટેન્ડ ટૂ રહેવા માટે આદેશ અપાયા છે. 

હાર્દિકના ઘર નજીક અને પાટીદાર વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવા માટે પણ આદેશ અપાયા છે. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સ્થાનિક પોલીસની સાથે જ એસઆરપીની 3 ટૂકડી પણ તૈનાત કરવામાં આવશે. 

પૂર્વ વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે 3 ડીસીપી, 8 એસીપી, 35 પીઆઈ, 200 પીએસઆઈ અને 3000 પોલીસ જવાનોને ડ્યુટી સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર નજર રાખવા માટે પણ એક ખાસ સેલ બનાવાયો છે. પોલીસે જણાવ્યું કે, તોફાન કરનારા તત્વો સામે પોલીસ કાર્યવાહી કરશે. 

હાર્દિકના ઘરની આસપાસ સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. શુક્રવાર રાતથી જ હાર્દિકના ઘરે રાજ્યભરમાંથી તેના સમર્થકોની આવવાની શરૂઆત થઈ ચુકી છે. સૌરાષ્ટ્રમાંથી પણ અનેક સમર્થકો હાર્દિકના ઘરે ઉમટી રહ્યા છે. 

હાર્દિકના સમર્થકોએ જણાવ્યું કે, અહીંથી રાજ્યમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ રહી છે. બે સાચા મુદ્દા પાટિદાર સમાજને અનામત અને ખેડૂતોને થઈ રહેલા નુકસાન મુદ્દે સમર્થન આપવા માટે પાટીદાર સમાજ હાર્દિક સાથે ઉપવાસ આંદોલનમાં જોડાયેલો રહેશે. 

મધ્યપ્રદેશની આવેલા એક સમર્થકે જણાવ્યું કે, તે 1500 કિમી દૂરથી હાર્દિકને ટેકો આપવા આવ્યો છે. 28 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશથી 5000 સમર્થકો હાર્દિકને ઉપવાસમાં સમર્થન આપવા આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news