Fathers Day: પાઈ પાઈ ભેગી કરીને એક ચાવાળાએ ત્રણ દીકરીઓને બનાવી કુસ્તી ચેમ્પિયન
Father's Day 2023 : એક બાળકના માટે પિતાનું પણ એટલું જ મહત્વ છે જેટલું માતાનું અને એટલે જ કહેવાય છે કે પિતાનો સંઘર્ષ બાળકોની સફળતામાં દેખાય છે, વાંચો સુરતનો આ કિસ્સો
Trending Photos
Surat News ચેતન પટેલ/સુરત : એક બાળકની સફળતાની પાછળ એક માતાની જેટલી માવજત હોય છે તેટલો જ પિતાનો સંઘર્ષ પણ રહેલો હોય છે. પિતાનાં સંઘર્ષ થકી જ એક બાળક પોતાના જીવનમાં સફળતાની સીડી ચઢતો હોય છે. આવું જ કઈ રાષ્ટ્રીય લેવલે કુસ્તી રમતી 3 બહેનોનું છે. ડિંડોલી ખાતે રહેતી 3 બહેનો પિતાનાં સંઘર્ષ અને મહેનતના કારણે આજે દેશ માટે કુસ્તી રમે છે અને મેડલ લાવી રહી છે. ઉધના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ચાની લારી ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા રામલખન ભાઈએ આજે પોતાની ત્રણેય છોકરીઓને કુસ્તીમાં નેશનલ લેવલ સુધી પહોંચાડી છે. જે એક પિતા માટે ખૂબ જ ગર્વની વાત છે
જૂનનો ત્રીજો રવિવાર વર્લ્ડ ફાધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. એક બાળકના માટે પિતાનું પણ એટલું જ મહત્વ છે જેટલું માતાનું અને એટલે જ કહેવાય છે કે પિતાનો સંઘર્ષ બાળકોની સફળતા માં દેખાય છે. એક પિતા રાત દિવસ મહેનત કરી પોતાના પરિવાર સહિત પોતાના બાળકોને ભવિષ્યનું ઘડતર કરતો હોય છે.આવા જ એક પિતાનાં સંઘર્ષ ના કારણે 3 દિકરીઓ રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી છે. સુરતનાં ડીંડોલી ખાતે રહેતા રામલખન રાયકવાર ઉધના વિસ્તારમાં ફૂટપાથ પર ચા-નાસ્તાની લારી ચલાવે છે. તેમની ત્રણ દીકરી નીલમ, સોનું અને મોનું કુસ્તીમાં માં નેશનલ ખેલાડી છે, પરંતુ દીકરીઓના નેશનલ લેવલ સુધી પહોંચવાની પાછળ રામ લખનભાઈનો ખુબ જ મોટો ફાળો રહ્યો છે.
તેમણે રાત દિવસ સંઘર્ષ કરીને પોતાની દીકરીઓ માટે જે સપનું જોયું હતું તે પૂરું કર્યું છે. રામલખન ભાઈ ને સંતાનમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે. રામ લખન ભાઈ ની દીકરી મોનુ રાયકવાર રાષ્ટ્રીય રેસલિંગ ખેલાડી છે રાજ્યકક્ષાએ મોનું અને તેનીએ બહેનોએ ઘણા ગોલ્ડ મેડલ મેડવ્યા છે અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઘણા મેડલ લાવી છે. મોનું પોતાની આ કામયાબીનો શ્રેય પોતાના પિતાને આપે છે. પોતાના પિતાના સંઘર્ષના કારણે જ તે આજે અહીં સુધી પહોંચી છે તેવું મોનુંનું અને અન્ય બે બહેનોનું કહેવું છે.
મોનુએ જણાવ્યું હતું કે, મેં જિંદગીમાં મે જે પણ એચિવ કર્યું છે, પછી તે ભણતરમાં હોય કે પછી કુસ્તીમાં તે મારા પપ્પાના કારણે જ છે. મારું ગ્રેજ્યુએશન પણ મેં મારા પપ્પાના કારણે જ પૂરું કર્યું અને હું મારા પિતાને થેન્ક્યુ કહેવા માંગીશ કે તેમના કારણે આજે હું આ ક્ષેત્રમાં આગળ વધી શકી છું. કારણકે છોકરીઓને આગળ ભણાવવું એ ખૂબ અઘરું હોય છે અને હું યુપી જેવા ક્ષેત્રમાંથી આવું છું, એટલે ખાસ કરીને કુસ્તી જેવા ફિલ્ડમાં છોકરીઓને આગળ વધવા દેવામાં આવતી નથી. એક ઉંમર પછી છોકરીઓના લગ્ન પણ કરી દેવામાં આવતા હોય છે, પરંતુ મારા પિતાએ કોઈનું પણ સાંભળ્યા વગર અમને ત્રણેય બહેનોને ગ્રેજ્યુએશન સુધી ભણાવી અને ત્યારબાદ અમને જે ક્ષેત્રમાં રસ હતો. તે ક્ષેત્રમાં આગળ વધવાની પ્રેરણા આપી, અહીંયા સુધી કે અમારા ન્યુટ્રીયેશનથી લઈને અમારા સમયનું પણ ધ્યાન રાખ્યું. રાત દિવસ ફૂટપાઠ પર ચા ની લારી ચલાવીને પણ અમારા પપ્પાએ અમારે દરેક જરૂરિયાતો પૂરી કરી છે.
તો પિતા રામ લખનભાઈએ જણાવ્યું હતું કે, મારી દીકરીઓ પર આજે મને ખૂબ જ ગર્વ છે, કારણ કે તેમણ મારું નામ રોશન કર્યું છે.મારી મહેનત નું ફળ મને મળ્યું છે. હું જ્યારે યુપી થી અહીં આવ્યો, ત્યારે પહેલા મજૂરી કરી અને થોડા પૈસા ભેગા કરી ફૂટપાથ ઉપર ચા ની લારી નાખી. જે કમાણી થતી તેમાંથી મેં ત્રણેય છોકરીઓને ગ્રેજ્યુએશન કરાવ્યું અને ત્યારે તેમના શિક્ષકે કીધું કે તેઓ રમતગમતમાં આગળ વધી શકે તેમ છે અને મારી ત્રણેય દીકરીઓને પણ કુસ્તીમાં રસ હોવાથી મેં તેઓને આ માટે આગળ વધવાની પ્રેરણા આપી. અને મારી દીકરીઓને આગળ વધારવા માટે જ મેં 12 થી 14 કલાક રાત દિવસ મહેનત કરી છે. હું એટલું જ કહીશ કે દીકરીઓ પણ દીકરાઓ કરતા ઓછી નથી, તેથી તેઓને ભણાવવું જોઈએ અને આગળ વધવા દેવી જોઈએ.
3 બહેનોમાં સોથી મોટી બહેન નીલમ છેલ્લાં ચાર વર્ષથી કુસ્તી રમે છે. તેણે ઇન્ટર યુનિવર્સિટી સ્પર્ધામાં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. પાવર લિફ્ટિંગમાં પણ સ્ટેટ ચેમ્પિયન હતી. નાનપણથી જ નીલમ રાયકવાર ને કુડો, ફૂટબોલ અને કુસ્તી રસ હતો.બાદમાં ધીરે ધીરે આર્ય સમાજ મંદિરમાં કુસ્તીની ટ્રેનિંગ શરૂ કરી હતી. આર્ય સમાજ મંદિરમાં ખેલાડીઓને ફી ટ્રેનિંગ આપવામાં આવે છે. નીલમ કરતા નાની બંને બહેનો સોનું અને મોનુ ટવિન્સ છે.તેઓએ વીટી પોદ્દાર કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું છે. ખેલ મહાકુંભમાં સોનુએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. સિનિયર રેસલિંગ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. અમદાવાદ ખોખરા સ્પોટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત જુનિયર રેસલિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. હિમાચલ પ્રદેશના મડીમાં આયોજિત જુનિયર નેશનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે