VIDEO ગુજરાત સાથે જોડાવવાનો અવસર મારા માટે ગૌરવની વાત: એસ.જયશંકર

ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે આજે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે. 

VIDEO ગુજરાત સાથે જોડાવવાનો અવસર મારા માટે ગૌરવની વાત: એસ.જયશંકર

ગાંધીનગર: ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે આજે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવતા અગાઉ તેઓએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને સીએમ વિજય રૂપાણી સાથે શુભેચ્છા મુલાકાત પણ કરી. આ અવસરે તેમની સાથે  સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, તથા કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી નોંધાવ્યાં બાદ કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે પત્રકાર પરિષદમાં ગુજરાત ભાજપનો આ તક આપવા બદલ આભાર માન્યો હતો. તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો

ગુજરાત રાજ્યસભા બેઠકના ભાજપના ઉમેદવાર એસ.જયશંકરે કહ્યું કે, 'ગુજરાત એ મહાત્મા ગાંધીની પવિત્ર ભૂમિ છે, સરદાર પટેલની ધરતી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે. ગુજરાત સાથે જોડાવાનો અવસર મારા માટે ગૌરવની વાત છે.  કારણ કે ગુજરાત ભારતનું સૌથી ગ્લોબલ સ્ટેટ છે. જ્યાં પણ જશો ત્યાં ગુજરાતના લોકો મળે છે. જ્યાં પણ નોન રેસિડેન્ટ ગુજરાતીઓ હોય છે, અમને ખુબ સપોર્ટ મળતો હોય છે. છેલ્લા 10 વર્ષથી વાઈબ્રન્ટ ગુજરાતના માધ્યમથી ભારત અને ગ્લોબલ ઈકોનોમીનું મોટું કનેક્શન છે. એસ.જયશંકરે વધુમાં કહ્યું કે ભારતની છબી જોઈએ તો વડાપ્રધાનના નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા વધી છે. ગુજરાત ભારતનું સૌથી પ્રગતિશીલ રાજ્ય મનાય છે. ગુજરાતના પ્રતિનિધિ થવું એ મારા માટે મહત્વપૂર્ણ અને ગર્વની વાત છે. ગુજરાતની પ્રગતિમાં ફાળો આપી શકું તે મારા માટે મોટી વાત. હું વારંવાર ગુજરાત આવતો રહીશ.'

અત્રે જણાવવાનું કે લોકસભા ચૂંટણી 2019માં સાંસદ તરીકે ચૂંટાયા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીએ ગુજરાતના રાજ્યસભાના સાંસદ પદ પરથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યસભાની બંને બેઠકો ખાલી પડતા તેના પર પેટા ચૂંટણી યોજાઇ રહી છે. આ બંને બેઠકો પર પેટા ચૂંટણીને લઇને ભાજપ દ્વારા એક બેઠક પર કેન્દ્રીય મંત્રી એસ જયશંકર અને બીજી બેઠક પર મહેસાણા ઠાકોર સમાજના નેતા જુગલજી ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જુઓ LIVE TV

કોંગ્રેસને ઉમેદવારી નોંધાવતા પહેલા જ મળ્યો ઝટકો
ગુજરાત કોંગ્રેસને સુપ્રીમ કોર્ટે મોટો આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નોટિફિકેશનમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજી ફગાવતા કહ્યું કે નોટિફિકેશન આવ્યાં બાદ ફક્ત ઈલેક્શન પીટિશન દ્વારા જ તેને પડકારી શકાય છે. આ અગાઉ રાજ્યસભા ચૂંટમીને લઈને કોંગ્રેસની અરજી પર ચૂંટણી પંચે જવાબ રજુ  કર્યો હતો. ચૂંટણી પંચે બે સીટો પર અલગ અલગ ચૂંટણી કરાવવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. સોગંદનામામાં કહેવાયું હતું કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાની દ્વારા  ખાલી થયેલી બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ કાયદા હેઠળ છે. 

પરેશ ધાનાણીએ કરી હતી અરજી
ગુજરાત કોંગ્રેસના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને 2 બેઠકો પર ચૂંટણી દ્વારા બહાર પડાયેલા નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યું હતું. તેમના તરફથી અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની  ખાલી પડેલી બેઠકો પર એક સાથે ચૂંટણી કરાવવાની માગણી કરાઈ હતી. અરજીમાં કહેવાયું હતું કે એક જ દિવસે બંને બેઠકો પર અલગ અલગ ચૂંટણી કરાવવી એ ગેરબંધારણીય અને બંધારણની ભાવના વિરુદ્ધ છે. ગુજરાત રાજ્યસભામાં ખાલી પડેલી બંને બેઠકો માટે 5મી જુલાઈના રોજ ચૂંટણી યોજાશે. 

હકીકતમાં ચૂંટણી પંચના નોટિફિકેશન મુજબ અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણ પત્ર 23મી મેના રોજ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઈરાનીને 24મી મેના રોજ મળ્યું. આથી બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થઈ ગયું. તેના આધાર પર પંચે રાજ્યની બંને બેઠકોને અલગ અલગ માની છે, પરંતુ ચૂંટણી એક જ દિવસે થશે. આવું થવાથી હવે બંને બેઠકો પર ભાજપને જીત મળશે. એક સાથે ચૂંટણી થાત તો કોંગ્રેસને એક બેઠક મળત. સંખ્યા બળને જોતા ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે ઉમેદવારને 61 મતો જોઈએ. એક જ બેલેટ પર ચૂંટણી લડવાથી ઉમેદવાર ફક્ત એક જ મત નાખી શકે. તે સ્થિતિમાં કોંગ્રેસને સરળતાથી એક સીટ મળી જાત, કારણ કે તેમની પાસે 71 ધારાસભ્યો છે. 

પરંતુ ચૂંટણી પંચના નોટિફિકેશન બાદ હવે ધારાસભ્યો અલગ અલગ મત આપી શકશે. આવામાં હવે તેમને બે વાર મત આપવાની તક મળશે. આ રીતે ભાજપના ધારાસભ્યોની સંખ્યા 100 જેટલી છે. આથી તેઓ બે વાર મત આપે તો બંને ઉમેદવારો જીતી શકે છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news