ટિકિટ વહેંચણીને લઈ નારાજગી ન રાખતા, કારણ કે તે પીએમ મોદી અને અમિત શાહ નક્કી કરશેઃ પાટિલ
Gujarat Election 2022: રાજ્યમાં જામેલા ચૂંટણી માહોલ વચ્ચે સીઆર પાટિલે રાજકોટમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે. રાજકોટમાં ભાજપે 150 ફુટ રિંગ રોડ પર ભવ્ય કાર્યાલય બનાવ્યું છે.
Trending Photos
ગૌરવ દવે રાજકોટઃ ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે. રાજ્યમાં તમામ પાર્ટીઓએ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વચ્ચે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ રાજકોટમાં ભાજપ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. રાજકોટના 150 ફુટ રિંગ રોડ, શીતલ પાર્ક ખાતે કાર્યાલય તૈયાર કરવામાં આવ્યું છે. તમામ સુવિધાઓથી સજ્જ આ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં સીઆર પાટિલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, વજુભાઈ વાળા સહિત પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યાં હતા.
ટિકિટ મુદ્દે બોલ્યા પાટિલ
રાજકોટમાં પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ પાટિલે સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દરેક જિલ્લામાં 2 વિઘા જમીનમાં કાર્યાલય બનાવવાનું કહ્યું હતું. કાર્યાલયની ડિઝાઇન પણ પીએમ મોદી અને અમિત શાહે નક્કી કરી હતી. દરેક જિલ્લાઓમાં કાર્યાલય બનાવ્યા તે સેન્ટ્રલી ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે કાર્યાલયની ભવ્યતા મુજબ ભવ્ય વિજય પણ જરૂરી છે.
તો ટિકિટ વહેંચણી મુદ્દે સીઆર પાટિલે કહ્યુ કે, ટિકિટ વહેંચણીને લઈને નારાજગી રાખતા નહીં. કેમ કે ટિકિટ વહેંચણી નરેન્દ્ર મોદી અને અમિત શાહ કરવાના છે. તેમણે કાર્યકર્તાઓને કહ્યું કે મારા સમાજના વ્યક્તિને કેમ ટિકિટ મળી, ન મળી તેવું કહી નારાજ થતાં નથી. તેમણે કાર્યકર્તાઓને વિજયી થવા માટે મહેનત કરવાની સલાહ આપી હતી. પાટિલે કહ્યું કે આ નરેન્દ્ર મોદીનો અશ્વમેઘ યજ્ઞ છે અને ફરતો ફરતો ગુજરાત આવ્યો છે.
વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને આપ્યો જીતનો મંત્ર
ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. વજુભાઈ વાળાએ કહ્યું કે માત્ર તાળીઓ વગાડવાથી ચૂંટણી લડાતી નથી. તેમણે કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે દિવાળીનો તહેવાર છે તો કામ કરીશું, તે ભૂલી જવાનું નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે