Daman Police એ કરી સાયબર ગુનાઓના માસ્ટર માઈન્ડ બે ઠગબાજોની ધરપકડ

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી છે. જે ઇન્ટરનેટ અને વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ભોગ બનનારના ખાતામાંથી બારોબાર પૈસા ટ્રાન્સફર કરી અને તેના bitcoin ખરીદી લેતા હતા

Daman Police એ કરી સાયબર ગુનાઓના માસ્ટર માઈન્ડ બે ઠગબાજોની ધરપકડ

દમણ: રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણની પોલીસે બે ઠગબાજોની ધરપકડ કરી છે. જે ઇન્ટરનેટ અને વિવિધ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને ભોગ બનનારના ખાતામાંથી બારોબાર પૈસા ટ્રાન્સફર કરી અને તેના bitcoin ખરીદી લેતા હતા. અને ત્યારબાદ અન્ય કોઈ વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી બીટકોઈન કેસ કરી અને પૈસા ચાઉં કરી લેતા હતા. આમ અત્યાર સુધી અનેક ગુનાઓને અંજામ આપનાર મુંબઈના આ બે સાયબર ઠગોને દમણ પોલીસે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

દમણ પોલીસના હાથે ઝડપાયેલા વ્યક્તિઓ કોઈ સાધારણ વ્યક્તિઓ નથી. પરંતુ આ માસૂમ ચહેરાઓ પાછળ શાતિર દિમાગ છે. આ માસૂમ લાગતા આરોપીઓ પોતે સાયબર ગુનાઓના માસ્ટર માઈન્ડ છે. આરોપીઓ સાયબર એકસપર્ટ છે અને પોતાની આવડતનો ઉપયોગ તેઓએ સીધી રીતે પૈસા કમાવા માટે નહીં પરંતુ શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ગેરકાયદેસર કામોમાં વાપરતા હતાં. અને પોતાના શાતિર દિમાગનો ઉપયોગ કરી એક પછી એક સાયબર ઠગાઇનો સિલસિલો શરૂ કર્યો અને અત્યાર સુધી અનેક ઠગાઈને અંજામ આપી અનેક લોકોને રાતા પાણીએ રડાવ્યા છે.

આપને જણાવી દઇએ કે, થોડા દિવસ અગાઉ દમણ પોલીસ સ્ટેશનમાં એક વ્યક્તિએ પોતાના ખાતામાંથી તેની જાણ બહાર 16 લાખથી વધુની રકમ કોઈએ ટ્રાન્સફર કરી લીધા હોવાની ફરિયાદ દાખલ કરી હતી. આથી દમણ પોલીસે લાખો રૂપિયાના આ ઠગાઈની આ ફરિયાદને ગંભીરતાથી લઇ તપાસ હાથ ધરી હતી. દમણ પોલીસે વિવિધ ટીમો બનાવી અને આ સાયબર ઠગાઇનો ગુન્હો ડીટેકટ કરવા માટે સાયબર એક્સપર્ટની પણ મદદ લઈ તપાસ હાથ ધરી હતી. આખરે દમણ પોલીસની મહેનત રંગ લાવી અને દમણ પોલીસે મુંબઈમાં રહેતા બે આરોપીઓની ધરપકડ કરી છે.

બંને આરોપીઓએ પોતાની સાયબર માસ્ટરીનો ઉપયોગ કરી લાખો રૂપિયાની રકમ ચાઉં કરી ગયા હોવાની કબુલાત કરી લેતાં પોલીસે તેમની ધરપકડ કરી તેમની આગવી ઢબે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. દમણ પોલીસના હાથે લાગેલા આ 2 સાયબર ઠગોમાં શાહિલ મંગળદાસ મોરજરિયા અને કિશન નાગરદાસ બોકાણી તરીકે ઓળખ થઈ છે. આ બંને આરોપીઓ ઇન્ટરનેટ અને વિવિધ સ્પાય સોફ્ટવેરના માસ્ટર માઈન્ડ છે. દમણમાં AJ71 ઇવેન્ટ્સ નામની ઇવેન્ટ મેનેજમેન્ટની ફર્મ ધરાવતા ફરિયાદીને થોડા દિવસ અગાઉ આ બંને ઠગો ગ્રાહક તરીકે મળ્યા હતા.

ઇટલીમાં એક ઇવેન્ટ કરવાનો હોવાનો બહાનું બતાવી અને તેમની સાથે મિત્રતા કેળવી હતી. થોડા દિવસ બાદ આ બન્ને ઠગોએ ફરિયાદીને એક મોબાઇલ ભેટ આપ્યો હતો. આ મોબાઈલ ભેટ આપ્યા બાદ ફરિયાદી મોબાઈલનો ઉપયોગ કરતાં તેને બેંકમાં કરેલા અન્ય ટ્રાન્ઝેક્શનનો અને બેન્કના તમામ વિગતો છુપા સોફ્ટવેરથી મેળવી લીધી હતી અને ત્યારબાદ આ ઠગ બાજો એ ફરિયાદીના ખાતામાંથી સોફ્ટવેરની મદદથી પૈસા ઉપાડી અને સીધા બીટકોઈન ખરીદી લીધા હતા. બીટકોઈન ખરીદ્યા બાદ અન્ય કોઈ વ્યક્તિના ખાતામાંથી બીટ કોઇન કોઈને વેચી અને તેના પૈસા બારોબાર ઉઠાવી લીધા હતા.

દમણ પોલીસે અત્યાર સુધી દમણમાં થયેલ સાયબર ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સાથે જ આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતા ઠગોએ અગાઉ રાજસ્થાન, પુણે, નવસારી અને અમદાવાદ સહિત અન્ય સ્થળોએ કરેલી આ જ પ્રકારની સાઇબર ઠગાઈઓના ગુનાઓની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. આથી પોલીસે આ બંને આરોપીઓને રિમાન્ડ પર લઇ તેમની આગવી ઢબે પુછપરછ શરૂ કરી છે. આથી આવનાર સમયમાં આ સાયબર ઠગોએ આચરેલા અનેક ઠગાઈના ગુનાઓના ભેદ ઉકેલવાની શકયતા જોવાઈ રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news