જૂનાગઢમાં વિવાદ શમ્યો નથી ત્યાં બનાસકાંઠામાં નવો વિવાદ વકર્યો! થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી ઉતારાઈ
બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે.
Trending Photos
અલ્કેશ રાવ/બનાસકાંઠા: બનાસકાંઠાના કાંકરેજના થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામ્યા બાદ હવે જાગીર મઠના મહંત કોણ તેને લઇ વિવાદ છેડાયો છે અને વિવાદ એટલો વકર્યો કે છેલ્લા કેટલાય દિવસથી મઠ પોલીસ છાવણીમાં ઘેરાયો છે. એક તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ સહીત થરા જાગીરદાર સ્ટેટ દ્વારા શંકરપુરી મહારાજને ગુરૂ ગાદી સોપાઈ તો બીજી તરફ થળી મઠ નજીક આવેલા ગામોના લોકો દ્વારા શંકરપુરી મહારાજનો વિરોધ કરી કાર્તિકપુરી મહારાજને ચાદર ઓઢાડાતા વિવાદ વકર્યો છે. જો કે મહંતના વિવાદમાં સપડાયેલી આ થળી મઠ ખાતે કાયદો વ્યવસ્થા ન કથળે તેને લઇ હાલ તો આ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયો છે.
જાગીર મઠમાં અત્યાર સુધી 13 જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચુક્યા
બનાસકાંઠાના કાંકરેજ વિસ્તારમાં બનાસ નદી નજીક આવેલો થળી જાગીર મઠ એ વર્ષો જૂની ધાર્મિક જગ્યા છે. અને જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. જો કે આ જાગીર મઠમાં અત્યાર સુધી 13 જેટલાં મહંત ગુરૂગાદીએ બિરાજી ચુક્યા છે. જો કે તાજેતરમાં મહંત જગદીશપુરી કે જે છેલ્લા કેટલાય સમયથી આ મઠનો કારભાર સંભાળતા અને તાજેતરમાં 19 નવેમ્બરએ હાર્ટએટેકના કારણે તેઓ દેવલોક પામ્યા જો કે મહંત દેવલોક પામ્યા બાદ તેમના દેહને મઠની જગ્યામાં જ સમાધિ અર્પણ કરાઈ અને તેં બાદ ગુરૂગાદી દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુ અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા થળી જાગીરમઠના મહંત તરીકે મહંત શંકરપુરીને ચાદર ઓઢાડીને ગુરૂગાદી સોપાઈ.
થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો
જો કે દેવદરબારના મહંત અને થરા સ્ટેટના આગેવાનો દ્વારા મહંત શંકરપુરીને ગાદી તો સોંપી દેવાઈ પરંતુ આ મઠના આસપાસના ગામોના સ્થાનિક લોકો દ્વારા દેવ દરબાર અને થરા સ્ટેટ દ્વારા લેવાયેલા આ નિર્ણયનો વિરોધ કરાયો અને 22 નવેમ્બર આસપાસના ગામોના હજારો લોકોએ થળી જાગીર મઠ ખાતે વિરોધ પ્રદર્શિત કર્યો અને તેં દરમ્યાન સ્થાનિકો દ્વારા મઠ બહાર જ મહંત કાર્તિકપુરીને થળી જાગીર મઠના મહંત તરીકે સ્થાપિત કરવા નિર્ણય કરાયો અને તેમને ચાદર ઓઢાડી દીધી.
બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે SRPની ટુકડી ઉતારી
જો કે અગાઉ દેવ દરબાર દ્વારા મહંત જગદીશપુરી દેવલોક પામ્યા અને તેમના દેહને સમાધિ આપે તેં પહેલા જ મહંત શંકરપુરીને ગાદી સોપાઈ ગઈ હતી. અને તે બાદ મહંત કાર્તિકપુરીને સ્થાનિકોએ સ્થાપિત કરવાની વાત કરી ચાદર ઓઢાડતા થળી જાગીર મઠ ખાતે કાયદો વ્યવસ્થા કથળે તેવી પરિસ્થિતિ ઉભી થતા બનાસકાંઠાએસપી સહીત પોલીસ કાફલો ખડકી દેવાયો અને બંને પક્ષઓને પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસ કરાયા પરંતુ એક પણ પક્ષ કોઈ વાતે ન સમજતા આખરે બનાસકાંઠા એસપી દ્વારા થળી જાગીર મઠ ખાતે એસઆરપીની ટુકડી ઉતારી જાગીર મઠને પોલીસ છાવણીમાં ફેરવી દેવાયો. જો કે મહંત શંકરપુરીના વિરોધ અને મહંત કાર્તિકપુરીના સમર્થનમાં ઉમટેલા લોકોએ આક્ષેપ કર્યા કે મહંત શંકરપુરીને ખોટી રીતે ગાદીએ બેસાડવામાં આવ્યા છે. તો કેટલાક લોકોએ તો મઠની તિજોરીના તાળા તૂટી ગયા હોવાના પણ આક્ષેપો કરી દીધા.
આ વિવાદનો હજુ સુધી અંત આવ્યો નથી
જો કે 22 નવેમ્બરથી શરૂ થયેલા આ વિવાદનો હજુ સુધી અંત આવ્યો નથી. જો કે આ વિવાદ બાબતે ગાદી ઉપર બેઠેલા શંકરપુરીનું કહેવું છે કે પરંપરા મુજબ ન મને ગાદી ઉપર બેસાડ્યો છે તો બીજી તરફ દેવ દરબારના મહંત બળદેવનાથ બાપુનું કહેવું છે કે અમે અમારી પરંપરા મુજબ મહંત શંકરપુરીને સ્થાપિત કર્યા છે. અને તેમનો જે વિરોધ કરનાર લોકો હોય તેમની પાસે કોઈ પુરાવા હોય કે પરંપરા વિરુદ્ધ છે તો રજૂ કરે. તો બીજી તરફ થરા સ્ટેટના આગેવાન સહીતના અનેક લોકો પણ મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે મહંત બલદેવનાથ અને થરા સ્ટેટ દ્વારા મહંત ગાદીએ બેસાડવાની પરંપરા છે અને શંકરપુરીને એમણે જ ગાદીએ બેસાડયા છે.
આ મઠનો ઇતિહાસ ઘણો જૂનો
જો કે આ વિવાદો વચ્ચે જૂની પરંપરા અનુસાર બારોટના ચોપડે શું ઇતિહાસ બોલે છે તેને લઇ ઇતિહાસને યાદ કરાવતા બારોટ પણ મીડિયા સમક્ષ આવ્યા અને કહ્યું કે મહંત કેવળપુરી જાગીર મઠનો હું બારોટ છું.ઇન્દોરના મહારાણી આહલ્યા બાઈને સન્તાન ને હતું અને તેમને કેવળપુરી મહારાજની તપસ્યા કરી અને તેં બાદ આ થળી ખાતે મઠનું નિર્માણ કરી આપ્યું હતું. જો કે બંને પક્ષો મઠમાં પોતાનો દાવો કરી રહ્યા છે મઠમાં મહંત કોણ તેને લઇ છેડાયેલો આ વિવાદ દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે.ત્યારે આખરે હવે મઠમાં મહંત કોણ તેને લઇ બંને પક્ષો હવે કોર્ટના દ્વાર ખટખટાવે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અત્યારે તો બંને પક્ષોના વિવાદ વચ્ચે મઠની સુરક્ષા અત્યારે બનાસકાંઠા પોલીસના હાથમાં છે અને એટલે જ મઠ પોલીસ છાવણીમાં ફેરવાયેલો જોવા મળી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે