મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસના પ્રસ્તાવના મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો વેલમાં ધસી આવ્યા

ગાંધીનગરઃ ચોમાસુ સત્રના બીજા દિવસે સાંજે વિધાનસભાના ગૃહમાં અવિશ્વાસ પ્રસ્તાવના મુદ્દે ચર્ચાને લઈને કોંગ્રેસના ધારાસભ્યો વિરોધ કરતા અધ્યક્ષની સામે વેલમાં ધસી આવ્યા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો. આ કારણે, કોંગ્રેસના ધારાસભ્યોને ટિંગાટોળી કરીને ગૃહની બહાર લઈ જવામાં આવ્યા હતા અને થોડા સમય માટે ગૃહનું કામકાજ ખોરવાઈ ગયું હતું. 

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા વિધાનસભાની કલમ 106 અંતર્ગત રાજ્યના મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવામાં આવી હતી. મંત્રીંમડળ વિરુદ્ધની અવિશ્વાસની આ દરખાસ્તને 17 સભ્યોનું સમર્થન મળતાં વિધાનસભાના અધ્યક્ષે તેને ચર્ચા માટે મંજુર કરી હતી. આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવવામાં આવ્યો હતો. તેમણે ગૃહમાં એ સવાલ કર્યો હતો કે, ગૃહના નિયમ મુજબ 3 દિવસ બાદ આ દરખાસ્ત પર ચર્ચા કરી શકાય ત્યારે વિધાનસબાનું સત્ર જ બે દિવસ ચાલવાનું છે તો કોંગ્રેસે શા કારણે આ દરખાસ્ત દાખલ કરી હતી. 

નાયબ મુખ્યમંત્રી દ્વારા પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવાતાં કોંગ્રેસના ધારાસભ્યો ખેડૂતોની દેવામાફીનો મુદ્દો લઈને ઊભા થઈ ગયા હતા અને સૂત્રોચ્ચાર કરતા સીધા વેલમાં ધસી આવ્યા હતા. અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને તેમના સ્થાને જવા આદેશ આપ્યો હતો પરંતુ તેઓ ન માનતાં સાર્જન્ટને ટિંગાટોળી કરીને કોંગ્રેસના ધારાસભ્યોને બહાર કાઢવાની ફરજ પડી હતી. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ ગૃહની બહાર જતાં પહેલાં રાજ્ય સરકાર પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો.

કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં વિરોધ અને પછી તેમને ગૃહમાંથી બહાર કાઢી મુકવા અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, સવારથી શરૂ થયેલી વિધાનસભાની પ્રથમ બેઠક મેરાથોન ચાલી હતી. જેમાં 4 બીલ રજુ કરવામાં આવ્યા હતા, જેને ભાજપ અને કોંગ્રેસ દ્વારા સંમતીપૂર્વ પસાર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ કોંગ્રેસની અવિશ્વાસની દરખાસ્ત ઉપર મેં પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવ્યો હતો. કોંગ્રેસના એક પણ નેતા પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન સામે બોલી શક્યા ન હતા.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, વિધાનસભાના નિયમ મુજબ મંત્રીમંડળ વિરુદ્ધની અવિશ્વાસની દરખાસ્ત રજૂ થયાના ઓછામાં ઓછા ત્રણ દિવસ બાદ તેના પર ચર્ચા હાથ ધરી શકાય છે. આ ઉપરાંત અધ્યક્ષ નક્કી કરે તે દિવસે દરખાસ્ત રજૂ થયાના 7 દિવસની અંદર ચર્ચા હાથ ધરવાની હોય છે. કોંગ્રેસના નેતાઓ પણ આ નિયમથી જાણકાર હોવા છતાં ખોટી રીતે હોબાળો મચાવાયો હતો. જ્યારે ચર્ચા થઈ શકી નહીં તો કોંગ્રેસ દ્વારા ખેડૂતોના મુદ્દે હોબાળો મચીને ગૃહના કામકાજને ખોરવવા માટે પ્રયાસ કર્યો હતો. 

કોંગ્રેસે પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. તેમની આ દરખાસ્ત નિયમ વિરુદ્ધની હતી. નીતિન પટેલે આક્ષેપ કર્યો હતો કે, ગુજરાતના ખેડૂતોને કોંગ્રેસમાં વિશ્વાસ નથી. મંગળવારની તેમની રેલીમાં પણ રાજ્યમાંથી એક પણ ખેડૂત આવ્યો ન હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news