સરકારે પોતાની નિષ્ફળતા છુપાવા અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થવા ન દીધીઃ પરેશ ધાનાણી
Trending Photos
ગાંધીનગરઃ કોંગ્રેસ દ્વારા વિધાનસભાના નિયમ 106 અંતર્ગત મંત્રીમંડળ વિરુદ્ધ ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરાઈ હતી, જેનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પોઈન્ટ ઓફ ઈન્ફોર્મેશન ઉઠાવીને વિરોધ કર્યો હતો, જેના કારણે અવિશ્વાસની દરખાસ્ત ચર્ચા પર ન લેવાતાં કોંગ્રેસ દ્વારા ગૃહનો વોક-આઉટ કરાયો હતો. નીતિન પટેલે કોંગ્રેસની માગને નિયમ વિરુદ્ધની જણાવી હતી, જેના જવાબમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું કે, સરકારે પોતાની નિષ્ફળતા છુપાવા માટે અવિશ્વાસની દરખાસ્ત પર ચર્ચા થવા દીધી ન હતી.
ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તમામ મોરચે નિષ્ફળ નિવડેલી ભાજપની સરકારના 22 વર્ષના શાસનમાં એક ગરીબ માતાનો દિકરો ભણીગણીનો ડોક્ટર-એન્જિનયિર કે વકીલ બને તે સ્વપ્ન હવે રોળાતું જાય છે. શિક્ષણના માફિયાકરણથી સરકાર સતત ગરીબ-મધ્યમવર્ગને લૂંટવાનો પ્રયાસ કરતી આવી છે. ગરીબના દિકરાને વગર ડોનેશને, સસ્તી ફીએ કે વિના મુલ્યે શિક્ષણ મેળવવું આજે દોહ્યલું બન્યું છે.
પહેલા નોટબંધીનો માર અને પછી જીએસટીની ઝંઝટથી રાજ્યના વેપાર-ઉદ્યોગ અને ધંધા ભાંગી પડ્યા છે. આજે, બેરોજગાર યુવાનો માટે રોજગારની કોઈ સંભાવના નથી. ખેતી અને ખેડૂત વિરોધી નીતિને કારણે ખેડૂતોને સસ્તુ ખાતર, દવા, બિયારણ મળતા નથી. સિંચાઈ માટે પાણી કે પુરતી વિજળી મળતી નથી. ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળતા. પાક વિમો લેવા માટે પણ ખેડૂતનો નામદાર અદાલતનો આશરો લેવો પડે તેવી પરિસ્થિતી રાજ્યમાં સર્જાઈ છે.
પરેશ ધાનાણીએ જણાવ્યું કે, મોંઘવારીના મારથી રાજ્યની ગૃહિણીઓનું રસોડાનું બજેટ ખોરવાયું છે. તમામ મોરચે નિષ્ફળ નિવડેલા ભાજપના મંત્રીમંડળ સામે વિધાનસભાના વિરોધ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે વિધાનસભાના નિયમ 106 અંતર્ગત અવિશ્વાસનો પ્રસ્તાવ દાખલ કર્યો હતો. નિયમ અનુસાર આ પ્રસ્તાવ વિધાનસભામાં દાખલ કરવાની મંજુરી પણ મળી હતી.
વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું કે, આવા જ નિયમ અનુસાર ભૂતકાળમાં ત્રણ વખત પ્રસ્તાવ દાખલ થયાની સમાન તારીખે આ વિધાનસભા ગૃહની અંદર ચર્ચાઓ પણ થયેલી છે. મુખ્યમંત્રીને વારંવાર વિનંતી છતાં, નિયમમાં જોગવાઈ હોવા છતાં, ગૃહની અંદર ભાજપ વિધાનસભા પક્ષમાં બહુમતી ગુમાવી ચુકેલી સરકારે આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવાની અનુમતિ આપી ન હતી. નિયમના ઓઠા તળે પોતાની નિષ્ફળતાને છુપાવાનો પ્રયાસ કર્યો છે.
આથી, કોંગ્રેસ ખેડૂત અને રાજ્યની પ્રજાની લાગણીને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહનો બહિષ્કાર કર્યો હતો. હવે, કોંગ્રેસ આ તમામ મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જશે અને લોકોનું સમર્થન મેળવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે