અદ્ભુત વિકાસ: માળીયાનો આ બ્રિજ 2 વર્ષ પહેલા ખુલ્લો મુકાયો સમારકામનાં નામે 1 વર્ષ તો બંધ રહ્યો
Trending Photos
મોરબી : માળીયા ફાટક ચોકડી પાસે થોડા વર્ષો પહેલા જ બનાવવામાં આવેલ ઓવરબ્રિજ ફરી પાછો રિપેરીગ કામ કરવા માટે બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને માળીયા ફાટક પાસેથી પસાર થતાં વાહન ચાલકોને અકે કે બે દિવસ નહીં પરંતુ લગભગ ત્રણેક મહિના સુધી હેરાન થવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિજ માત્ર બે વર્ષ પહેલા બન્યો હોવા છતા બે વર્ષમાં દર ચોમાસે બંધ કરી દેવામાં આવે છે. આ ઉપરાંત તેના રિપેરિંગના નામે 2 વર્ષમાંથી એકાદ વર્ષ જેટલો તો આ બ્રિજ સમારકામનાં નામે બંધ કરવામાં આવ્યો હતો.
મોરબીની માળીયા ફાટક ચોકડી પાસે ખૂબ જ ટ્રાફીક રહેતો હતો. જેથી કરીને ત્યાં સર્કિટ હાઉસ પાસેના ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની માંગ કરવામાં આવતી હતી. જેને ધ્યાનમાં રાખીને હાલમાં ઓવરબ્રિજ તો બનાવી આપવામાં આવ્યો છે. જો કે, નબળી ગુણવતાનું કામ કરવામાં આવ્યું હોવાથી વારંવાર પુલના રિપેરિંગ કામ માટે પુલને બંધ કરવામાં આવે છે. હાલ ઓવરબ્રિજનું રિપેરીગ કામ કરવાનું હોવાથી આ પુલને આજથી ત્રણ મહિના સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કરીને ત્રણ મહિના સુધી ઓવરબ્રિજ બંધ કરવામાં આવતા ટ્રાફિકમાં અગવડતા સહિતના પ્રશ્નો ઊભા થશે. કોન્ટ્રાકટર દ્વારા ભ્રષ્ટાચાર કરીને નબળું કામ કરવામાં આવ્યું હોવાથી વારંવાર પુલમાં રિપેરિંગ કામ કરવું પડે છે. તેવો આક્ષેપ કરવામાં આવે છે.
માળીયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજને બંધ કરવામાં આવ્યો છે. જેથી કરીને પોલીસે ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. જેમાં લાલપર તરફ જવા માટે નટરાજ ફાટકથી સોઓરડીથી કુબેર સિનેમા તરફ તથા નટરાજ ફાટકથી નઝરબાગ થઈને લાલપર જઈ શકાશે. માળીયા તરફ જવા માટે નવલખી ફાટકથી આરટીઓ બ્રિજ તરફ તથા વીસીપરા થઈ અમરેલી ગામથી રવિરાજ ચોકડી તરફ તથા નટરાજ ફાટકથી વેજીટેબલ રોડથી ધરમપુર ગામ થઈ રવિરાજ ચોકડી તરફ જઈ શકાશે. હળવદ તરફ જવા માટે ગેડા સર્કલથી ત્રાજપર ચોકડી થઈ જુના ઘુંટુ રોડ તરફથી જઈ શકાશે. મહેન્દ્રનગર તરફ જવા માટે (જેતપર રોડ, હળવદ રોડ) ગેડા સર્કલથી ત્રાજપર ચોકડીથી જુના ઘુટું રોડથી પટેલ વે બ્રિજથી સમર્પણ હોસ્પિટલથી રામધન આશ્રમ થઈ મહેન્દ્રનગર ચોકડી તરફ ટ્રાફિકને ડાયવર્ટ કરવાં આવેલ છે. ટ્રાફિકના કંટ્રોલ માટે ૫૦ જેટલા જવાનોને મૂકવામાં આવ્યા છે.
સરકારના કરોડો રૂપિયાનો ખર્ચ કરીને માળીયા ફાટક ચોકડી પાસે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. જો કે, યોગ્ય રીતે કરવામાં આવ્યું ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે. તે હકકીત છે હાલ ટ્રાફિકની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ઓવરબ્રિજ બે વર્ષ પહેલાં જ બન્યો હોવા છ્તા વારંવાર તેને રીપેર કરવો પડે છે. જેથી કરીને થોડા સમય પહેલા રાજકોટમાં જેવી દુર્ઘટના સર્જાઈ હતી તેવી જ દુર્ઘટના મોરબીમાં પણ ઓવરબ્રિજ પાસે સર્જાય તો નવાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે