ઉત્તરવહી કૌભાંડ: વિધાર્થી નેતાઓની કડક કાર્યવાહીની માગ, આંદોલનની આપી ચીમકી
વડોદરાની MS યુનિવર્સીટીમાં ઉત્તરવહી વિધાર્થીઓને આપી પાસ કરાવવાના કૌભાંડ મામલે યુનિવર્સીટી સત્તાધીશો અને પોલીસની તપાસ ગોકળગાય ગતિએ ચાલી રહી છે. જેના કારણે ABVP અને અન્ય વિધાર્થી નેતાઓ મેદાનમાં આવ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરાની MS યુનિવર્સીટીમાં ઉત્તરવહી વિધાર્થીઓને આપી પાસ કરાવવાના કૌભાંડ મામલે યુનિવર્સીટી સત્તાધીશો અને પોલીસની તપાસ ગોકળગાય ગતિએ ચાલી રહી છે. જેના કારણે ABVP અને અન્ય વિધાર્થી નેતાઓ મેદાનમાં આવ્યા છે. તપાસ મામલે યુનિવર્સીટી સત્તાધીશો અને પોલીસ એકબીજા સાથે ખો ખોની રમત રમી રહ્યા છે.
MS યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીમાં સેન્ટ્રલ એસેસમેન્ટ વિભાગના બે પટ્ટાવાળા કોરી ઉત્તરવહી વિધાર્થીઓને આપી તેમના પાસેથી ઉત્તરવહીમાં જવાબ લખાવી ફરીથી ઉત્તરવહી ચેકીંગ માટેના બંડલમાં મુકી દેતા રંગેહાથે ઝડપાયા હતા. જે મામલે યુનિવર્સીટી સત્તાધીશોએ બંને પટ્ટાવાળા સામે પોલીસમાં ફરિયાદ નોંધવા માટે અરજી આપી છે. તેમજ બંને પટ્ટાવાળા અને તેમના પિતાને યુનિવર્સીટીમાંથી સસ્પેન્ડ કર્યા છે. પટ્ટાવાળાઓએ 21 વિધાર્થીઓને ઉત્તરવહી આપી હોવાની માહિતી પૂછપરછમાં સામે આવી હતી. જેના પગલે યુનિવર્સીટી સત્તાધીશોએ તપાસ કમિટી બનાવી છે. જે તપાસ કમિટીની બેઠક ગઈકાલે મળી હતી.
જેમાં 30 વિધાર્થીઓની ઉત્તરવહી ચકાસી હતી. જેમાં 18 વિધાર્થીઓ દોષિત પુરવાર થયા હોવાનુ સામે આવ્યું છે. તો પટ્ટાવાળા બે તેજસ્વી વિધાર્થીઓની ઉત્તરવહી ચોરી કૌભાડમાં સંડોવાયેલા વિધાર્થીઓને ઉત્તરવહી આપતા હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે. તપાસમાં તમામ માહિતી સામે આવી હોવા છતાં યુનિવર્સીટીના ઈન્ચાર્જ રજિસ્ટ્રાર માત્ર તપાસ ચાલી રહી છે તેમ કહી સમગ્ર મામલો દબાવવાનો કોશિશ કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. યુનિવર્સીટીના સત્તાધીશો કહે છે પોલીસ ફરિયાદ નોંધતી નથી અને પોલીસ કહે છે કે, યુનિવર્સીટી સત્તાધીશો ફરિયાદ આપવા આવતા નથી. આમ બંને એકબીજાને ખો આપી ખો ખોની રમત રમતા હોય તેમ લાગી રહ્યું છે.
મહત્વની વાત છે કે ઉત્તરવહી કૌભાંડમાં માત્ર વિધાર્થીઓ કે પટ્ટાવાળા જ નહી પરંતુ મોટા મોટા માથાઓની પણ સંડોવણીની શકયતા છે. જેમાં એનએસયુઆઈના વિધાર્થીઓ નેતાઓથી લઈ સેનેટ સિન્ડીકેટ સભ્ય અને પરીક્ષા વિભાગના અધિકારીઓ સામેલ હોવાની ચર્ચા યુનિવર્સીટીમાં થઈ રહી છે. ત્યારે યુનિવર્સીટીના સત્તાધીશો પર વિધાર્થી નેતાઓ સમગ્ર મામલાને દબાવી દેવાનો અને કૌભાંડમાં મોટા માથાઓને બચાવવાનો આક્ષેપ કરી રહ્યા છે. તો બે દિવસમાં કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી નહી કરાય તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે.
વધુમાં વાંચો:- ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અમદાવાદમાં, ખાતર કૌભાંડ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર
મહત્વની વાત છે કે યુનિવર્સીટીમાં કોઈ પણ કાંડ મામલે એક તપાસ કમિટી નીમી દેવાય છે. ત્યારબાદ મામલો શાંત ન થાય ત્યાં સુધી તપાસ કમિટીની બેઠકો બોલાવી નાટક કરવામાં આવે છે. બાદમાં જયારે મામલો શાંત થઈ જાય ત્યારે તપાસ સમિતી અને તેનો રિપોર્ટ અભરાઈએ ચઢાવી દઈ દોષિતોને બચાવવામાં આવે છે. ત્યારે શું સમગ્ર વિશ્વમાં નામના મેળવનારી MS યુનિવર્સીટીની ગરિમાને કલંકિત કરનારા ઉત્તરવહી કૌભાંડમાં પણ યુનિવર્સીટીના સત્તાધીશો અને પોલીસ મળી ઠંડુ પાણી રેડી દેશે તે સવાલ ઉઠી રહ્યો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે