આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય! વડોદરામાં જબરદસ્ત રોષ, ભાજપના બે ધારાસભ્યોને ભગાડ્યા!

વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને ,જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો.

 આ 3 દિવસ ક્યારેય નહીં ભૂલાય! વડોદરામાં જબરદસ્ત રોષ, ભાજપના બે ધારાસભ્યોને ભગાડ્યા!

ઝી બ્યુરો/વડોદરા: શહેરમાં છેલ્લા 3 દિવસથી હજુ પૂરના પાણી ઉતર્યા નથી. હાલત એટલી ગંભીર છે કે લોકોને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મળી રહી છે. વડોદરામાં હજું પણ આખી સોસાયટીઓ અને ફ્લેટમાં પાણી છે. લોકોના ઘર, દુકાન, રસ્તાઓ હજુ પણ પાણીમાં ગરકાવ છે. પરંતુ વડોદરાવાસીઓ માટે રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટીમાં ઘટાડો થયો છે. વડોદરામાં પૂરની સ્થિતિ બાદ અનેક નેતાઓ લોકોના ખબરઅંતર પૂછવા નીકળ્યા છે, પરંતુ પૂરની સ્થિતિને લઈને સ્થાનિક લોકોમાં જબરદસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે, તેનો ભાગ ગુજરાત વિધાનસભાના દંડક અને MLA બાળકૃષ્ણ શુક્લા બન્યા છે અને લોકોએ તેમને રીતસરના ભગાડ્યા છે.

વડોદરાના વેપારીઓને તો પોક મૂકીને રડવું પડે તેવી સ્થિતિ છે. કારણકે હજારો દુકાનોમાં પાણી પ્રવેશી ગયા બાદ હવે સાફ સફાઈ શરૂ થઈ છે પણ દુકાનમાં ભરેલો માલ સામાન, ફર્નિચર પલળી ગયા બાદ ફેંકી દેવુ પડે તેમ છે. લોકોને થયેલા નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યાં છે. વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. ખાસ કરીને પ્રોવિઝન સ્ટોર, બૂટ ચંપલ, ફરસાણ તેમજ મીઠાઈની દુકાનો, અનાજ કરિયાણાની દુકાનો, ફર્નિચર વેચનારાઓ, ઈલેક્ટ્રિક શો રૂમોને તો વસ્તુઓ ફેંકી દેવી પડે તેવી હાલત છે. જેના કારણે સ્થાનિક લોકોનો રોષ ફાટી નીકળ્યો છે.

વડોદરામાં પૂરની સ્થિતિ વચ્ચે જ્યારે વડોદરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ સ્થાનિકો વચ્ચે પહોંચ્યા ત્યારે લોકોનો આક્રોશ જોવા મળ્યો હતો. ધારાસભ્યને જોઈને લોકોએ બે હાથ જોડીને ,જયશ્રી રામ અહીંયાથી જાવ, પાણી ઉતરી ગયા પછી આવવાની જરૂર નથી, તેવો હૂરિયો બોલાવ્યો હતો. લોકોનો ભારોભાર રોષ જોઈને નેતાજીએ ચાલતી પકડી હતી. વેમાલીમાં આવેલ આદીત્ય પાર્ટી પ્લોટમાં આ ઘટના બની છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2024

સ્થાનિકો લોકો અફસોસ સાથે કહી રહ્યા છે કે સમખાવા પૂરતો એક પણ નેતાજી અમારી વહારે આવ્યો નથી કે નથી તેમને કોઈ જમવાનું કે પાણી આપવા આવ્યું. લોકો ભગવાન ભરોસે ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. સમા વિસ્તારના અજિતાનગરમાં ગુજરાત વિધાનસભાના દંડક અને ધારાસભ્ય બાળકૃષ્ણ શુકલ પહોંચતા લોકો તેમની પર ગુસ્સે ભરાયા હતા. લોકોએ કહ્યું કે અમારે તમારી કોઈ મદદની કે વસ્તુની જરૂર નથી, હવે પાણી ઉતરી ગયા છે, સ્થાનિકોએ ધારાસભ્યની કોઈ વાત સાંભળી નહી અને બે હાથ જોડીને કહ્યું, તમે અહીંથી ચાલતી પકડો તો ધારાસભ્ય ચૂપચાપ નિકળી ગયા હતા. તે વખતે વડોદરા ભાજપના પ્રમુખ ડો.વિજય શાહ પણ તેમની સાથે હતા, પણ લોકોનો આક્રોશ જોઈને કોઈ પણ નેતા ત્યાં ઉભા રહી શકયા ન હતા.

હરણી વિસ્તારમાં વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલનો સ્થાનિક લોકોએ હુરિયો બોલાવ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી ભગવાનને સહારે હરણી વિસ્તારના લોકો જીવી રહ્યા છે, ત્યારે આજે સફાઈ કરાવવા પહોંચેલા ધારાસભ્ય મનીષા વકીલને લોકોએ ભગાડ્યા હતા. સ્થાનિક લોકોએ અહીંથી જતા રો, તમારી કોઈ જરૂર નથી" કામ નતું કર્યું માટે મનીષાબેન વકીલ માથું નીચું કરીને નીકળી ગયા હતા.

શહેરમાં ચોતરફ પૂરે સર્જેલી તબાહીનાં દૃશ્યો સામે આવી રહ્યા છે. આ પૂર કુદરતી નહીં પરંતુ શાસન સર્જિત હોવાની એક દૃઢ માન્યતા સાથે લોકોનો ગુસ્સો જનપ્રતિનિધિઓ સામે ભભૂકી ઉઠયો છે. લોકોના મકાનો અને દુકાનોમાં ઘરવખરી અને માલસામાન પૂરના પાણીમાં ક્યાંક તણાઈ ગયા છે તો ક્યાંક પલળી ગયા છે. લોકો જણાવી રહ્યા છે, પૂર દરમિયાનના વીતેલા ત્રણ દિવસો ક્યારે પણ નહિ ભૂલીએ. અમારી પડખે કોઈ જ આવ્યું નથી. ઘરવખરીને ભારે નુકસાન થયું છે. અમે અમારો સામાન બચાવવાના બદલે જીવ બચાવવા ઘર છોડીને ભાગવા મજબૂર બન્યા હતા. સ્થિતિ અચાનક એટલી વણસી કે લોકોને પાછળ વળીને જોવાનો પણ સમય મળ્યો નથી અને બધું જ છોડી ભાગવું પડ્યું છે. 

નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યા છે, જેના કારણે રાજ્યના અનેક જિલ્લાઓ અને શહેરોમાં પૂર અને જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં વરસાદના કારણે જુદી જુદી બનેલી ઘટનાઓમાં 15 લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે, જ્યારે 17000 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વડોદરામાં પૂરના પાણી ઉતરી ગયા એટલે મુશ્કેલીનો અંત આવી ગયો એવું નથી. હવે સાચી મુશ્કેલી શરૂ થશે, ઘરોની સાફ સફાઈ કરવાની. સૌથી મોટી ચેલેન્જ ઘરોમાંથી પાણી હજુ પણ ઓસરવાનું નામ જ લેતા નથી, લોકો મજબૂર છે બેબસ છે. 

— Zee 24 Kalak (@Zee24Kalak) August 29, 2024

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે વડોદરાની મુલાકાત લેવાના છે અને અધિકારીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે સરકારના બે મંત્રીઓએ પણ ગઈકાલે વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news