રાદડિયા-સંઘાણી બાદ નારણ કાછડીયા ભાજપ સામે બગડ્યા, જાહેરમાં આપ્યું સ્ફોટક નિવેદન

Naran Kachadiya Against BJP : વિપક્ષ પાસે કશુ જ નથી છતા ભાજપને હંફાવે છે, જે થેન્ક્યું ના બોલી શકે એને આપી ટિકિટ, કોંગ્રેસ-AAPના કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળે, વિપક્ષના લોકોને લો પણ ભાજપના કાર્યકર્તાઓનો ભોગ ના લો, નારણ કાછડિયાએ આપ્યું નિવેદન

રાદડિયા-સંઘાણી બાદ નારણ કાછડીયા ભાજપ સામે બગડ્યા, જાહેરમાં આપ્યું સ્ફોટક નિવેદન

Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી પૂરી થતા જ ભાજપના નેતાઓનો આંતરિક વિવાદ ઉભરો બનીને બહાર ઠલવાઈ રહ્યો છે. ભાજપે કરેલા ભરતી મેળાથી ભાજપના જ અનેક નેતાઓ અને કાર્યકર્તાઓ નારાજ થયા છે. લોકસભાની ચૂંટણીમાં તેની અસર પણ જોવા મળી હતી. ત્યારે હવે લોકસભાની ચૂંટણી પત્યા પછી ભાજપના દિગ્ગજ નેતા નારણ કાછડિયાની નારાજગી સામે આવી છે. સંઘાણી બાદ ભાજપના બીજા દિગ્ગજ નેતાએ પ્રદેશ નેતૃત્વ પર લગાવ્યા ગંભીર આરોપ લગાવ્યા છે. અમરેલીમાં જેની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ભાજપે ટિકિટ આપી હતી, તે નારણ કાછડીયાએ જાહેરમાં ભાજપનો વિરોધ વ્યક્ત કર્યો છે. 

કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય
મતદાન પૂરું થતા જ અમરેલીના નારણ કાછડીયાએ ભાજપ માટે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. લોકસભાની ચૂંટણીમાં ભાજપને તેમની ટિકિટ કાપી હતી. ત્યારે હવે નારણ કાછડીયાએ પક્ષ વિરોધ સ્ફોટક નિવેદનો કર્યા છે. ભાજપના ભરતી મેળા વિશે એક કાર્યક્રમમાં નારણ કાછડીયાએ કહ્યું કે, કાર્યકર્તાઓને ઉભો કરતા દસ વર્ષ લાગે છે. કાર્યકર્તાઓને તોડવાની કોઈ કોશિશ ના કરે, કાર્યકર્તાની પાછળ અમે બેઠા છીએ. કોંગ્રેસ અને આપમાંથી કાર્યકરો સવારે આવે અને સાંજે હોદ્દો મળી જાય છે. બીજે દિવસે કેબિનેટના મંત્રીના પદ મળી જાય.. સંગઠનના પદ મળી જાય.. ધારાસભ્યની ટિકિટો મળી જાય.. તમે પાર્ટીમાં નિયમ પ્રમાણો લો, આપણે સરવાળો કરવાનો છે, બાદબાકી નથી કરવાની તે અમે જાણીએ છીએ. કાર્યકર્તાઓને પાર્ટીમાં લો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના ભોગે નહીં.

આમ, પક્ષપલટુઓ પ્રત્યે નારણ કાછડીયાએ ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. આ મુદ્દે તેમણે આગળ કહ્યું કે, ભાજપના કાર્યકર્તા 35-35 વર્ષથી કામ કરતો હોય અને પાર્ટીના ઝંડા લગાવતો હોય.. નારા લગાવતો હોય.. અને તમે કાલે સવારે લઈ આવો એ સ્ટેજ પર બેસે અને સિનિયર કાર્યકર્તા સામે બેઠો હોય તે કેટલા અંશે વ્યાજબી કહેવાય?” વધુમાં તેમણે કહ્યું કે, ભાજપના કોઈ પણ કાર્યકર્તાને સાઈડલાઈન કરીને કોઈને પદ કે હોદ્દો આપવો.. જે કાલે સવારે આવ્યા હોય.. તેમના માટે તો ક્યારે સ્વીકારી ન શકીએ.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 10, 2024

 

ઉમેદવાર સિલેક્શન કરીને મતદારોનો દ્રોહ કર્યો
ઓછા મતદાન વિશે કાછડીયાએ કહ્યું કે, વિપક્ષ પાસે કશું જ નથી છતાં આપણને હંફાવે છે. અમરેલી લોકસભા બેઠક પર દોઢ લાખ મત ઓછા પડ્યા હતા. ઉમેદવાર સિલેક્શન કરીને મતદારોનો દ્રોહ કર્યો છે. અમરેલીમાં બહુ બધા ઉમેદવાર લાયક લોકો હતા. જે ‘થેંક્યૂ’ પણ નો બોલી શકે એને ટિકિટ આપી છે. 

આમ, નારણ કાછડિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપે નબળા ઉમેદવારને મેદાને ઉતાર્યા છે. તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસે ભાજપને હંફાવ્યા છે. તે સિવાય ભાજપમાં કોંગ્રેસ અને અન્ય પક્ષના નેતાઓને સામેલ કરવાને લઇને પણ કાછડિયાએ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ભાજપમાં થયેલી વેલકમ પાર્ટીઓ મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા.

સંઘાણીએ પણ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલ્યો
ગઈકાલે દિલીપ સંઘાણીએ નામ લીધા વિના પાટીલ પર નિશાન સાધ્યું હતું. સંઘાણીએ ભાજપમાં આવતા કોંગ્રેસના નેતાઓ મુદ્દે પાટીલ પર નિશાન સાધ્યું હતું. પક્ષ પલટો કરનારાઓને પદ આપવું એને ઈલુ-ઈલુ કહેવાય છે. ઈલુ-ઈલુ કહીને સહકારી ક્ષેત્રને બદનામ કરવાનો પ્રયાસ છે. પ્રદેશ ભાજપમાં ઈફકોની ઉમેદવારી મુદ્દે સંકલનનો અભાવ છે. મેન્ડેટ આપવો એ જ સંકલનની ખામી છે. ઈફકોની જેવી સંસ્થામાં ક્યારે મેન્ડેટ અપાતા નહોતા. જયેશ રાદડિયાને પણ મેન્ડેટની જાણ નહોતી. મને પણ મેન્ડેટની જાણ નહોતી. જયેશ રાદડિયાના ફોર્મ બાદ બિપીનભાઈએ ફોર્મ ભર્યું હતું. સંકલન કર્યું હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઇ ના હોત. સંગઠનના સંકલનના અભાવના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news