હાટકેશ્વર બ્રિજનું પાપ છુપાવવા કોર્પોરેશનનું સૌથી મોટું પાપ, ZEE 24 કલાક પર કૌભાંડનો વધુ એક Exclusive રિપોર્ટ

અમદાવાદમાં ઓપનિંગના પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે ZEE 24 કલાક એક બાદ એક મોટા ખુલાસા કરી રહ્યું છે. કારણ કે લોકોને પડતી હાલાકી અને જનતાના પૈસાથી બનેલો બ્રિજની વાસ્તવિકતા બતાવવા એ અમારી નૈતિક જવાબદારી છે. ત્યારે આજે ZEE 24 કલાક તમને હાટકેશ્વર બ્રિજનો વધુ એક રિપોર્ટ બતાવવા જઈ રહ્યું છે. આ રિપોર્ટ ન માત્ર કોંક્રિટ પણ સિમેન્ટ, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અંગે પણ ખુલાસો કરે છે.

હાટકેશ્વર બ્રિજનું પાપ છુપાવવા કોર્પોરેશનનું સૌથી મોટું પાપ, ZEE 24 કલાક પર કૌભાંડનો વધુ એક Exclusive રિપોર્ટ

Ahmedabad Hatkeshwar Bridge Scanal સપના શર્મા/અમદાવાદ : અમદાવાદમાં ઓપનિંગના પાંચ વર્ષમાં જ ખખડધજ બની ગયેલા હાટકેશ્વર બ્રિજ મામલે ZEE 24 કલાક એક બાદ એક મોટા ખુલાસા કરી રહ્યું છે. કારણ કે લોકોને પડતી હાલાકી અને જનતાના પૈસાથી બનેલો બ્રિજની વાસ્તવિકતા બતાવવા એ અમારી નૈતિક જવાબદારી છે. ત્યારે આજે ZEE 24 કલાક તમને હાટકેશ્વર બ્રિજનો વધુ એક રિપોર્ટ બતાવવા જઈ રહ્યું છે. આ રિપોર્ટ ન માત્ર કોંક્રિટ પણ સિમેન્ટ, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ અંગે પણ ખુલાસો કરે છે.

રિપોર્ટમાં બ્રિજના બાંધકામમાં એક નહીં પણ અડઢક ખામીઓનો ઉલ્લેખ થયો છે. વર્ષ 2023 ના જાન્યુઆરી મહિનામાં 15 જાન્યુઆરી સુધીમાં ટેસ્ટિંગનું ફિલ્ડવર્ક પૂરું કરવામાં આવ્યું છે અને હાલમાં જ NDT એટલે કે નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટનો રિપોર્ટ આવ્યો છે. આ ટેસ્ટ મુંબઈ બેઝ ઈ ક્યુબ કોન્ક્રીટ કન્સલ્ટીંગ કંપની દ્વારા કરવામા આવ્યો છે. આ ટેસ્ટમાં બ્રિજના કોર સેમ્પલ લઇ તેનું અલ્ટ્રા પલ્સ વેલોસીટી ટેસ્ટ, કોર ડેન્સિટી, વોટર એબ્સોર્પશન, કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, સિમેન્ટ કોન્ટેન્ટ જેવા વિવિધ ટેસ્ટ કરવામાં આવ્યા છે

હવે ચાલો વાત કરીયે અલ્ટ્રા સોનિક પલ્સ વેલોસીટી ટેસ્ટની. આ ટેસ્ટમાં કોંક્રિટની વજન સહેવાની ક્ષમતાનો ખ્યાલ આવે છે. સામાન્ય રીતે M45 ગ્રેડનો બ્રિજની વજન સહેવાની ક્ષમતા વધુ હોય છે. પણ રિપોર્ટમાં કોંક્રિટની વજન સહવાની ક્ષમતા શંકાસ્પદ મળી આવી છે. બ્રિજના સ્પાન H1-H2 માંથી લેવાયેલા 20 સેમ્પલમાંથી 10 સેમ્પલ શંકાસ્પદ આવ્યા છે. જ્યારે કે, સ્પાન H2-H3 ના 20 માંથી 15 સેમ્પલ શંકાસ્પદ આવ્યા છે. કુલ 40 સેમ્પલમાંથી એક પણ સેમ્પલ એક્સિલન્ટ નથી આવ્યું.

આ સાથે બ્રિજ મટીરીયલના કોર ટેસ્ટમાં પણ વજન સહવાની ક્ષમતા ખુબ જ ઓછી છે. જ્યાં બ્રિજ માટેનું બજેટ M45 ગ્રેડ માટે ફાળવવામાં આવ્યું છે. ત્યાં બજેટના અડધા ભાગની પણ મજબૂતી નથી મળી. બ્રિજની ડિઝાઇન જે મુજબની હતી તે પ્રમાણે બ્રિજની સ્ટ્રેન્થ 45 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેરની હોવી જોઈતી હતી. પણ NDT ટેસ્ટમાં બ્રિજની સ્ટ્રેન્થ જુદી જુદી જગ્યાએ માત્ર 9 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેરથી લઇ 20 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેર આવી રહી છે. કુલ 40 સેમ્પલમાંથી 29 સેમ્પલની વજન સહેવાની ક્ષમતા 9 થી 15 ન્યુટન પર મીલીમીટર સ્ક્વેર જ આવી છે.

hatkeshwar_bridge_lead_zee3.jpg

બ્રિજ માત્ર પલ્સ વેલોસીટી ટેસ્ટ અને કોર ટેસ્ટમાં જ ગંભીર ભૂલો નથી આવી, પણ વોટર એબ્ઝોર્પશનમાં પણ ક્ષતિઓ જોવા મળી છે. સામાન્ય રીતે M45 ગ્રેડમાં પાણી શોષવાની ક્ષમતા માત્ર 2 થી 3 ટકા હોવી જોઈએ પણ બ્રિજના ટેસ્ટિંગમાં આ ક્ષમતા 5.5 % થી 9.9 ટકા સુધી આવી છે

આ સાથે જ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે M45 ગ્રેડના બ્રીજ બનાવવામાં જેટલી સિમેન્ટ જોઈએ તેના કરતા ઓછું વપરાયું છે. રિપોર્ટ મુજબ સિમેન્ટ અને એગ્રીગેટ વચ્ચે બોન્ડિંગ જ નથી થયું જેના કારણે સિમેન્ટ અને એગ્રીગેટ વચ્ચે ગેપ જોવા મળ્યા છે પરિણામે બ્રીજના કોન્ક્રીટની સ્ટ્રેન્થ ઓછી આવી છે.

hatkeshwar_bridge_lead_zee2.jpg

રિપોર્ટના આવી મોટી ક્ષતિઓ અજય એન્જિનીયરીંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ અને SGS કન્સલ્ટન્સીની સાથોસાથ AMC ની પણ ગંભીર ભૂલો સામે આવી છે.

હવે જાણીએ AMC ની કેટલીક ગંભીર ભૂલો વિશે...
વર્ષ 2021 માં જયારે પ્રથમ વખત બ્રિજ ઉપર ગાબડું પડ્યું ત્યારે જ સીમેક દ્વારા રિબાઉન્ડ હેમર ટેસ્ટમાં કોંક્રિટ M 45 ગ્રેડનો નથી તેની સ્પષ્ટતા થઇ ગઈ હતી અને NDT ટેસ્ટ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી, પણ પોલ ખુલ્લી ન પડી જાય તે માટે NDT ટેસ્ટ કરાવવામાં ન આવ્યો. વર્ષ 2022 માં અન્ય ત્રણ કન્સલ્ટન્સીએ પણ NDT ટેસ્ટ કરાવવા ઉપર ભાર મુક્યો પણ ટેસ્ટ કરાવવામાં ન આવ્યો. અને AMCના અધિકારીઓએ ઢાકપીછોડો કરવા તમામ ભલામણોને અસ્વીકાર કરતા જાતે જ લીપાપોતી શરુ કરી. આ લીપાપોતી માટે AMC ના બાહોશ અધિકારીઓએ સમારકામના નામે વધારાના 90 લાખ રૂપિયાનું બજેટ મૂક્યું છે. 

hatkeshwar_bridge_lead_zee.jpg

આ તમામની વચ્ચે શાસકપક્ષ માંથી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને વિજિલન્સ તપાસ માંગી તેનું કેમ કોઈ પરિણામ ન આવ્યો. અહીં ZEE 24 કલાક કેટલાક સવાલો પૂછે છે

1. વર્ષ 2021 માં બ્રીજ ઉપર પ્રથમ ગાબડું પડ્યું ત્યારે જ NDT ટેસ્ટની ભલામણ કરી હોવા છતાં કેમ ટેસ્ટ ન કરવામાં આવ્યો?
2. શા માટે AMC 7 ગાબડાં પડે અને બે વર્ષની રાહ જોઈ રહી હતી ?
3. બ્રિજનો NDT ટેસ્ટ ન કરાવી સમારકામના પૈસા ખર્ચ કરી AMC કોને બચાવી રહી હતી
4. શું અધિકારીઓ વિજિલન્સ તપાસમાં કોઓપરેટ નથી કરી રહ્યા ?

હાટકેશ્વર બ્રીજને લઇ રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, રિપોર્ટમાં કોન્ટ્રાકટરની ભૂલ હશે તો અમે તેના ખર્ચે બ્રીજ બનાવીશું. PMC તરીકે કામ કરતી SGS કંપનીના સર્ટિફિકેટના આધારે અમે કોન્ટ્રાકટરને પૈસા ચૂકવ્યા. જો રિપોર્ટમાં તેનો વાંક હશે તો તેની સામે પગલાં લેવા પણ અમારી પાસે વ્યવસ્થા છે. NDT રિપોર્ટ આવી ગયો છે અને 2021 માં NDT રિપોર્ટની ભલામણ કરવામાં આવી હતી તેની મને જાણ નથી. પણ બ્રિજના સમારકામ માટે જે પણ પૈસા વપરાયા છે તે કોન્ટ્રાકટરના ખર્ચે વપરાય છે. બ્રીજમાં જો ઓછું સિમેન્ટ વપરાયું છે તો તેની સામે પણ પગલાં લેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news