ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય
Tathya Patel : અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. તથ્ય પટેલનું તથ્ય ઢંકાઈ જશે તેવું સાબિત થઈ રહ્યું છે
Trending Photos
ahmedabad iskcon bridge accident video : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પાસે સર્જાયેલ તથ્ય પટેલ અકસ્માત કેસ અમદાવાદ ઈતિહાસનો સૌથી ભયંકરમાં ભયંકર અકસ્માત છે. 10 નિર્દોષોના જીવ ગયા છે. છતાં વગદાર પરિવારની છબી ધરાવતા તથ્ય પટેલ કેસમાં સરકાર અને પોલીસ ભીનું સંકેલવાના મૂડમાં હોય તેવુ લાગી રહ્યું છે. તથ્ય પટેલ કેસમાં પડદા પાછળ શું રંધાઈ રહ્યું છે તે ગોલમાલ જેવું છે. ચર્ચા છે કે, તથ્ય પટેલ અને તેના મિત્રોને બચાવવામાં આવી રહ્યા છે. તથ્ય પટેલનું પાપ ઢંકાઈ જશે તેવી ચર્ચા વહેતી થઈ છે.
અકસ્માત સર્જીને 10 નિર્દોષોને મોતને ઘાટ ઉતારનાર તથ્યને સારવારને બહાને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. એટલુ જ નહિ, તેનો ટેસ્ટ પણ કલાકો બાદ કરાય હતો. બીજી તરફ, પોલીસે અકસ્માત બાદ તથ્યના મિત્રોને કલાકો સુધી શોધવાની કોઈ તસ્દી લીધી ન હતી. ઘટનાના 23 કલાક બાદ તેમના ટેસ્ટ લેવાયા હતા. જેથી આ તમામે ડ્રગ્સનું સેવન કર્યુ હતું કે નહિ તે પુરવાર ન થઈ શકે.
અમદાવાદમાં જ્યારે આટલો ભયાનક અકસ્માત સર્જાયો ત્યારે તથ્ય સિવાયના પાંચેય યુવક-યુવતીઓ 16 કલાક સુધી ક્યા છુપાયા હતા તે પોલીસ જાણતી હતી. આખરે પોલીસ અધિકારીની ભલામણથી બધા હાજર થયા હતા. ત્યારે ચર્ચા ઉઠી છે કે, રાજકીય વગ અને પૈસાને કારણે માલેતુજાર પરિવારના સંતાનો સતત આવા કારનામા કરી રહ્યાં છે.
ઘટના બની ત્યારે તથ્ય પટેલ ઝડપાઈ ગયો હતો, પરંતુ તેના પાંચ મિત્રો માલવિકા પટેલ, શાન સાગર, આર્યન પંચાલ, ધ્વનિ પંચાલ અને શ્રેયા વઘાસિયાને કોઈ ઈજા થઈ નથી. પરંતુ તેઓ હળવેકથી દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. આ મિત્રોએ જ તથ્યના પરિવારને અકસ્માત થયાની જાણ કરી હતી. આ બાદ તથ્યના માતાપિતા ઘટના સ્થળે પહોંચ્યા હતા.
રાજકીય ઓળખને કારણે ઢાંકપિછોડો
ચર્ચા છે કે, તથ્ય પટેલના કાકા મોન્ટુ પટેલ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ઘરાવે છે. તેઓ તથ્ય પટેલને બચાવવાના પ્રયાસો કરી રહ્યાં છે. આમ, ઈસ્કોન બ્રિજ અકસ્માતમાં ખાખી વર્દીની ભૂમિકા શંકાસ્પદ બની રહી છે. તથ્ય પટેલનું તથ્ય ઢંકાઈ જશે તેવું સાબિત થઈ રહ્યું છે.
જેગુઆરમાં કોઈ ટેકનિકલ ખામી ન હતી
જે ગાડીથી તથ્ય પટેલે 10 લોકોને કચડ્યા તે 75 લાખની મોંઘીદાટ જેગુઆર કારનો રિપોર્ટ મંગાવાયો છે. ત્યારે આજે યુકેથી તેનો રિપોર્ટ આવી જશે. તેમજ એક્સપર્ટસ દ્વારા જણાવાયું કે, જેગુઆરના રિપોર્ટમાં બ્રેકમાં ખામી ન હોવાનું ખૂલ્યું છે. કારનું ફિટનેસ યોગ્ય હોવાનો પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસો થયો છે. પોલીસે જેગુઆરના યુકે સ્થિત હેડક્વાર્ટસ પરથી કારના ચોક્કસ મોડલની ટેકનોલોજી અને તેની ખાસિતો સહિતની વિગતો મંગાવી હતી. જે આ કેસમાં મહત્વનો પુરાવો બનશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે