અજીબોગરીબ ઘટના! હેવાન પિતાએ પુત્રી સામે પત્નીને ચપ્પાના ઘા ઝીંક્યા, પુત્રને કૂવામાં ફેંકી દીધો
નવસારી જિલ્લાના ખેરગામ ગામે પોમાપાલ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ તેની 33 વર્ષીય પત્ની પીનલ પટેલ સાથે ઝઘડા કરી માર મારતો હતો. જેથી ગત ત્રણ મહિનાથી પીનલ તેની છોકરી આયુષી અને પુત્ર જય સાથે પોતાના પિયર ભૈરવી ગામે રહેવા જતી રહી હતી.
Trending Photos
ધવલ પરીખ/નવસારી: પતિ સાથે રહેતા પુત્રને લેવા જઈ રહેલી પત્નીને અટકાવીને પતિએ એના ઉપર ચાકૂથી હુમલો કર્યો. બાદમાં ઘરે જઈને 14 વર્ષીય પુત્રને વાડીમાં લઈ જઈ તેને કૂવામાં ફેંકી પોતે પણ કૂવામાં કૂદી પડ્યો હતો. જેના પાછળ દાદીએ પણ પૌત્રને બચાવવા કૂવામાં કૂદકો માર્યો હતો. જેમાં ગ્રામજનોની બચાવ કામગીરીમાં પિતા અને દાદીને બચાવી લેવાયા હતા, પરંતુ પુત્રનુ કરૂણ મોત નિપજ્યું હતુ. જેમાં પત્ની પર પ્રાણઘાતક હુમલો અને કૂવામાં ફેંકી પુત્રની હત્યા કરનાર પિતાને ખેરગામ પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
નવસારી જિલ્લાના ખેરગામ ગામે પોમાપાલ ફળિયામાં રહેતા જગદીશ રસિક પટેલ તેની 33 વર્ષીય પત્ની પીનલ પટેલ સાથે ઝઘડા કરી માર મારતો હતો. જેથી ગત ત્રણ મહિનાથી પીનલ તેની છોકરી આયુષી અને પુત્ર જય સાથે પોતાના પિયર ભૈરવી ગામે રહેવા જતી રહી હતી. 15 દિવસ અગાઉ જય તેના પિતા જગદીશ સાથે રહેવા આવી ગયો હતો. પરંતુ સ્વભાવ પ્રમાણે જગદીશ જયને ખીજવાઈને માર મારતો હોવાથી ગત રોજ બપોરે પીનલને જગદીશના મોબાઈલ ઉપરથી ફોન કરીને લેવા માટે બોલાવી હતી.
જેથી પીનલ તેની પુત્રી આયુષી સાથે ખેરગામ પુત્ર જયને લેવા આવી રહી હતી. જેથી પીનલ પુત્રને લઈ જશે, એવા વિચારે આવેશમાં આવીને જગદીશ પોતાની સાથે ધારદાર ચાકૂ લઈને બાઈક પર નીકળ્યો હતો અને ભૈરવી ગામના પટેલ ફળિયાની નહેર પાસે પીનલને જોઈને અટકાવી હતી. જ્યાં જગદીશે પીનલ સાથે ઝઘડો કરી ક્યા જાય છે પૂછતા પીનલે જયને લેવા જવાનું કહેતા જ ઉશ્કેરાયેલા જગદીશે પીનલના પેટમાં, ગળામાં અને હાથમાં ચાકૂ મારી ઘાયલ કરી હતી. જોકે પુત્રી આયુશીએ ભાગીને 100 નંબર ડાયલ કરી પોલીસને જાણ કરતા જગદીશ ઘટના સ્થળેથી ભાગી છૂટયો હતો. ત્યારબાદ જગદીશ ઘરે પહોંચ્યો હતો, જ્યાં પુત્ર જયને પોતાની સાથે વાતોમાં ભોળવી પાછળની વાડીમાં લઈ ગયો હતો. જ્યાં વાડીમાં આવેલા કૂવામાં પુત્ર જય કાઈ સમજે એ પૂર્વે જ એને ઊંચકીને કૂવામાં ફેંકી દીધો હતો.
બાદમાં પોતે પણ કૂવામાં કૂદી ગયો હતો. જગદીશની પાછળ તેની માતા 60 વર્ષીય લીલાબેન પણ દોડ્યા હતા, પણ તેઓ પહોંચે એ પૂર્વે જગદીશે પૌત્રને કૂવામાં ફેંકી દેતા તેમની ચીખ નિકળી ગઈ હતી. જોકે પૌત્રને બચાવવા દાદી લીલાબેન પણ તરવાનું જાણતા હોવાથી કૂવામાં કૂદ્યા હતા અને જયને બચાવી લીધો હતો. દરમિયાન ગામ લોકો દોરડા લઈ કૂવા પાસે પહોંચ્યા હતા, જ્યાં કૂવામાં દોરડા નાંખતા જ જગદીશ દોરડું પકડીને કુવામાંથી બહાર નીકળી ભાગી છૂટયો હતો. જ્યારે દાદી અને પૌત્રને બચાવવા કૂવામાં ખાટલો બાંધીને ઉતાર્યો હતો, પણ ઉંમરને કારણે દાદી જયને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને જય કૂવામાં ડૂબી ગયો હતો.
ગ્રામજનોએ દાદી લીલાબેનને બચાવી બહાર કાઢ્યા બાદ પૌત્ર જયના મૃતદેહને બહાર કાઢયો હતો. ઘટનાની જાણ થતાં ખેરગામ પોલીસે ઘટના સ્થળે પહોંચી, મૃતક જયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલમાં મોકલ્યો હતો. જ્યારે પતિ જગદીશના પ્રાણઘાતક હુમલામાં ઘાયલ પીનલને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સમગ્ર મુદ્દે ખેરગામ પોલીસે ભાગી છૂટેલા હત્યારા પિતા જગદીશને પકડવા દોડેલી પોલીસે ગણતરીના કલાકમાં ખેરગામના વેણ ફળિયાથી પકડી પાડી તેની ધરપકડ કરી હતી.
ખેરગામમાં પત્ની પર પ્રાણઘાતક હુમલો કરી પુત્રને કૂવામાં ફેંકીને પુત્રની હત્યા કરનાર જગદીશ ગુનાહિત માનસિકતા ધરાવે છે. જેણે થોડા સમય અગાઉ માતા અને પત્ની સાથે ઝઘડો થતા પોતના ઘરને જ સળગાવી દીધુ હતું. સાથે જ બે વાર પ્રોહિબિશન એક્ટ હેઠળ જેલની હવા પણ ખાઈ આવ્યો હતો. જ્યારે પતિ પત્નીના ઝઘડામાં પુત્રને ઘણીવાર તેની વાત ન માનશે તો કૂવામાં ફેંકી દેવાની ધમકી પણ આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જગદીશ બે દિવસના રિમાન્ડ પર છે અને પોલીસે હુમલામાં વપરાયેલ ચાકૂ અને બાઈક કબ્જે કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે