રાજ્યમાં સ્વાઈન ફ્લૂથી શુક્રવારે વધુ 3 મોત, વધતા જતા કેસથી સરકાર ચિંતિત
છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂના વધુ 53 પોઝિટિવ કેસ નોંધાયા, રાજ્યમાં કુલ મૃત્યાંક 17 થયો
Trending Photos
ગાંધીનગરઃ રાજ્યમાં સ્વાઈન ફ્લૂના કારણે શુક્રવારે વધુ 3 દર્દીનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાક દરમિયાન વધુ ત્રણ મોત નોંધાતા તંત્ર હરકતમાં આવી ગયું છે. રાજ્યમાં અત્યારે કુલ 190 સ્વાઈન ફ્લૂના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
શુક્રવારે રાજ્યમાં સ્વાઈન ફ્લૂને કારણે વધુ 3 દર્દીના મોત થઈ જતાં સરકારે આગમચેતીનાં પગલાં શરૂ કર્યાં છે. સરકાર દ્વારા લોકોને સાવચેતીનાં પગલાં લેવા માટે જણાવાયું છું. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સ્વાઈન ફ્લૂનાં નવા 53 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સમગ્ર રાજ્યમાં સ્વાઈન ફ્લૂના પોઝિટીવ એવા 190 જેટલા દર્દીઓ હજુ સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં ચાલુ માસમાં સ્વાઈન ફ્લુના કુલ 549 પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સ્વાઇન ફ્લૂથી મૃત્યુનો કુલ આંક 17 ઉપર પહોંચ્યો છે.
સુરત શહેરમાં સ્વાઈન ફ્લુમાં વધુ 5 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે એક દર્દીનું શંકાસ્પદ મોત થયું છે. સુરતમાં સ્વાઈન ફ્લૂના પોઝિટિવ કેસની સંખ્યા 33 થઈ છે. શુક્રવારે સુરતમાં ડભોલીના 68 વર્ષીય વૃદ્ધનું શંકાસ્પદ મોત થયું હતું. શુક્રવારે પીપલોદની 47 વર્ષની મહિલા, યોગીચોકની 28 વર્ષીય મહિલા, ઉતરાણના 40 વર્ષીય યુવક, 62 વર્ષીય ગોડાદરાના વૃદ્ધ અને લિંબાયતના 11 વર્ષીય બાળકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. સુરતમાં અત્યારે 15 દર્દી સ્વાઈન ફ્લૂની સારવાર હેઠળ, જ્યારે 2 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.
જામનગરમાં શુક્રવારે સ્વાઈન ફ્લૂના બે પોઝિટિવ કેસ - પડાણા ગામની 30 વર્ષીય મહિલા અને મોટી ખાવડીના 61 વર્ષીય વૃદ્ધા નોંધાયા હતા. ગ્રામ્ય કક્ષાએ સ્વાઇન ફ્લુ પોઝિટિવના આંક 5 અને જામનગર શહેર જિલ્લાનો કુલ સ્વાઇન ફ્લુ પોઝિટિવ આંક 8 પર પહોંચ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં 4 સ્વાઇન ફ્લુ પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે