રાજ્યમાં 487 કરોડના ખર્ચે 9 નવા ફ્લાયઓવર બનાવાશેઃ નીતિન પટેલ
રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે અને નાગરિકોના સમયની બચત માટે ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાયઓવર બનાવાશે
Trending Photos
હીતલ પારેખ/ ગાંધીનગરઃ રાજ્યમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને નાગરિકોના સમયની બચત માટે 9 ફ્લાયઓવર બનાવવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્તર-મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મુખ્ય માર્ગો પર આ ફ્લાયઓવર બનાવવામાં આવશે. રાજ્યમાં આંતર માળખાકીય સવલતોનો વ્યાપ વધારવા માટે માર્ગ-મકાન વિભાગ દ્વારા સમયબદ્ધ આયોજન કરાયું છે. જેના ભાગરૂપે આગામી સમયમાં રૂ.487 કરોડના ખર્ચે નવા 9 ફ્લાયઓવરનું નિર્માણ કરાશે.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, સરકારે રાજ્યમાં માર્ગ સુવિધાના કામો ક્ષેત્રે વિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. હયાત માર્ગોને પહોળા કરવા, કાચા માર્ગોને પાકા કરવા અને ચાર-માર્ગી રસ્તા ઉપર આવતા જંકસનો પર ફ્લાયઓવર બનાવવાનું લક્ષ્ય છે. હાલ, અમદાવાદમાં સરખેજથી ચિલોડા સુધીના ચાર માર્ગી રસ્તાને છ માર્ગીય કરવાનું કામ પૂરજોશમાં શરૂ કરી દેવાયું છે.
નીચેના માર્ગો પર બનશે ફ્લાયઓવર
1. આણંદ - કરમસદ હાઈવે પર બોરસદ ખાતે રૂ.45 કરોડનો ખર્ચ
2. સિદ્ધપુરના દેથલી ચાર રસ્તા પર રૂ.35 કરોડનો ખર્ચ
3. પાટણના નવજીવન હોટલના ચાર રસ્તા પર રૂ.27 કરોડના ખર્ચ
4. ભુજ-લખપત રોડ પર રૂ.36 કરોડના ખર્ચે બે ફ્લાય ઓવર
5. મહેસાણાના મોઢેરા ચાર રસ્તા પર રૂ.110 કરોડનો ખર્ચ
6. સુરત-કડોદરા રોડ પર કડોદરા જંકશન ખાતે રૂ.110 કરોડનો ખર્ચ
7. સૌરાષ્ટ્ર-રાજકોટ-જામનગર રોડ પર માધાપર જંક્શન ખાતે રૂ.60 કરોડનો ખર્ચ
8. ગાંધીનગર-અમદાવાદ રોડ પર ધોળાકુવા ખાતે રક્ષાશક્તિ સર્કલ પર રૂ.50 કરોડનો ખર્ચ
9. ગાંધીધામ-ટાકોર રોડ પર રૂ.17 કરોડનો ખર્ચ
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં નાગરિકોની સુવિધા માટે તેમજ ટ્રાફીક સમસ્યાના નિવારણ માટે સરકાર જ્યાં જરૂર જણાશે ત્યાં નવા ફ્લાયઓવર બનાવશે. આ માટે નવા ઓવરબ્રીજને પણ ટૂંક સમયમાં જ મંજૂરી આપવામાં આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે