બજેટ પહેલા મોદી સરકારની જનતાને ભેટ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં કર્યો મોટો ઘટાડો

કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી વગરના એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.30નો ભારેભરખમ ઘટાડો કરવામાં આવ્યો છે, આ સાથે જ સબસિડીવાળા સિલિન્ડરની કિંમતમાં પણ રૂ.1.46નો ઘટાડો કરાયો છે 

બજેટ પહેલા મોદી સરકારની જનતાને ભેટ, એલપીજી સિલિન્ડરની કિંમતમાં કર્યો મોટો ઘટાડો

નવી દિલ્હીઃ બજેટથી પહેલા મોદી સરકારે જનતાને મોટી ભેટ આપી છે. રાંધણ ગેસની કિંમતમાં ફરી એક વખત મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડર રૂ.30 જેટલો ધરખમ ઘટાડો કરાયો છે. આ સાથે જ સબસિડીવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ.1.46નો ઘટાડો કરાયો છે. 

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશને દિલ્હીમાં જાહેરાત કરતા જણાવ્યું કે, હવે સબસિડીવાળા સિલિન્ડરની કિંમત દિલ્હીમાં રૂ.193.53 થઈ જશે. અગાઉ આ કિંમત રૂ.494.99  હતી. આ સાથે જ સબસિડી વગરના 14.2 કિગ્રાના સિલિન્ડરની કિંમત પણ રૂ.30 ઘટીને પ્રતિ સિલિન્ડર રૂ.659 થઈ જશે. નવી કિંમત ગુરુવારે રાત્રે 12.00 કલાક પછી લાગુ થશે. 

છેલ્લા ત્રણ મહિનાથી ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ અગાઉ 31 ડિસેમ્બરના રોજ સબસિડીવાળા સિલિન્ડરમાં રૂ.5.91 અને સબસિડી વગરના સિલિન્ડરની કિંમતમાં રૂ.120.50નો ઘટાડો કરાયો હતો. 

આંતરરાષ્ટ્રીય બજારમાં ખનીજ તેલની કિંમતોમાં થઈ રહેલા ઘટાડાને કારણે ગેસ સિલિન્ડરની કિંમત સતત ઘટી રહી છે. એલપીજીની સરેરાશ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ગ કિંમત અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર એલપીજી સિલિન્ડરના ભાવ નક્કી કરવામાં આવે છે. તેના આધારે જ સબસિડીની રકમમાં પણ દર મહિને ફેરફાર કરાય છે.  આંતરરાષ્ટ્રીય કિંમતમાં જ્યારે ભાવ વધે છે ત્યારે સરકાર વધારે સબસિડી આપે છે અને જ્યારે કિંમત ઓછી હોય છે ત્યારે સબસિડીમાં પણ ઘટાડો કરાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news