લીલી ડુંગળીના ભાવ ગગડ્યા, 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો
Trending Photos
- ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું કે, અમે મોંઘુદાટ બિયારણ લાવી લીલી ડુંગળીની ખેતી કરી હતી
- 10 દિવસ પહેલા 30 થી 35 રૂપિયે કિલો વેચાતી ડુંગળી હાલ 2થી 3 રૂપિયે કિલો વેચાઈ રહી છે
અલ્કેશ રાવ/બનાસકાંઠા :બનાસકાંઠાના ડીસા આસપાસના વિસ્તારોમાં શિયાળામાં મહત્વની શાકભાજી કહેવાતી લીલી ડુંગળીની ખેતી ખેડૂતોએ મોટા પ્રમાણમાં કરી હતી. આ ખેતી દ્વારા લાખો રૂપિયાનો નફો મેળવવાનાં સપનાં જોયાં હતાં. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં ડુંગળીના ભાવ ગગડીને તળિયે પહોંચી જતાં ખેડૂતો (farmers) ને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ખેડુતો ધાન્ય પાકોની સાથે સાથે શિયાળાની ઋતુમાં બટાટા, ડુંગળી, ફલાવર સહિતની શાકભાજીનું પણ વાવેતર કરતા હોય છે. જેમાં ડીસા આસપાસના ખેડૂતો શિયાળામાં મોટે ભાગે શિયાળાનો મહત્ત્વનો પાક ગણાતા લીલી ડુંગળીનું વાવેતર કરતા હોય છે. આ ડુંગળી ડીસા સહિત આસપાસના માર્કેટોમાં વેચી તેમાંથી નફો મેળવતા હોય છે. જોકે આ વર્ષે ખેડુતોએ 30થી 35 રૂપિયાના ભાવનું બિયારણ લાવી ડુંગળીની ખેતી કરી લાખો રૂપિયા કામવવાની આશા બાંધી હતી. પરંતુ છેલ્લા એક સપ્તાહમાં લીલી ડુંગળીના ભાવ ગગડ્યા છે અને એક સપ્તાહ અગાઉ પ્રતિ કિલોએ 35 થી 40 રૂપિયાને પાર વેચાતી લીલી ડુંગળી 3 થી 4 રૂપિયે કિલો પહોંચી જતા ખેડૂતોને પડતા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આ સીઝનમાં ડુંગળીનું પ્રોડક્શન વધુ થતા માર્કેટમાં ડુંગળીની આવક વધી છે. જેથી તેના ભાવ ગગડ્યા હોવાનું ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે મહત્વનું છે કે અચાનક લીલી ડુંગળીનાં ભાવમાં ઘટાડો આવી જતા ખેડૂતો લાખો રૂપિયાનું નુકશાન ભોગવવા મજબૂર બન્યા છે. હવે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.
એક ખેડૂત રમેશભાઈ માળીએ જણાવ્યું કે, અમે મોંઘુદાટ બિયારણ લાવી લીલી ડુંગળીની ખેતી કરી હતી. પાક તૈયાર થઇ ગયો છે. પરંતુ ભાવ તળિયે છે. જેથી અમને મોટું નુકસાન છે. તો અન્ય એક ખેડૂત જમનાબેન કહે છે કે, અમારા ખેતરમાં અમે ડુંગળી વાવી હતી, પરંતુ અમને કંઈ ભાવ મળતા નથી, જેથી નુકશાન ખુબ જ છે. તો હોલસેલના વેપારી જીતુભાઈએ જણાવ્યું કે, અઠવાડિયા 10 દિવસ પહેલા 30 થી 35 રૂપિયે કિલો વેચાતી ડુંગળી હાલ 2થી 3 રૂપિયે કિલો વેચાઈ રહી છે.
આ વર્ષે અચાનક લીલી ડુંગળીના ભાવ ગગડી જતાં ડુંગળીનું વાવેતર કરેલ ખેડૂતોની હાલત કફોડી બનતાં કેટલાક ખેડૂતોએ તો પોતાનો પાક ગૌશાળાઓમાં રહેલી ગાયોને ખવડાવી દીધો છે. જોકે બીજીબાજુ અચાનક લીલી ડુંગળીનો ભાવ સાવ તળિયે બેસી જતાં લીલી ડુંગળીનો વેપાર કરતાં વેપારીઓ પણ મુશ્કેલીમાં મૂકાયા છે
ડીસા પંથકમાં મોટાભાગના ખેડૂતોએ દર વર્ષની જેમ આ વર્ષે લીલી ડુંગળીનું વાવેતર કર્યું હતું. પણ અચાનક લીલી ડુંગળીના ભાવ તળિયે જતા રહેતા ખેડૂતોની ડુંગળી માર્કેટમાં લઈ જવી પણ ખેડૂતોને મોંઘી પડી રહી છે જો જલ્દીથી લીલી ડુંગળીના ભાવ નહિ ઉચકાય તો ખેડૂતોએ તેમની ડુંગળી રોડ ઉપર ફેકવાનો વારો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે