વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો સ્પર્ધામાં આપણું કયું શહેર રહ્યું અવ્વલ

‘વૃક્ષારોપણમાં રાષ્ટ્રીય સ્તરે ગુજરાતે સ્થાપ્યો નવો કીર્તિમાન’. ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં અત્યાર સુધીમાં ગુજરાત ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું હોવાનું ગુજરાતના વન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું.

વૃક્ષારોપણમાં ગુજરાત દેશમાં બીજા નંબરે, જાણો સ્પર્ધામાં આપણું કયું શહેર રહ્યું અવ્વલ
  • સૌથી વધુ ૮.૮૮ કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે
  • ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી ગુજરાત દેશભરમાં બીજા નંબરે
  • ભારતે અત્યાર સુધીમાં કુલ ૨૯.૩૭ કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો 
  • અભિયાનમાં સુરત જિલ્લો સૌથી વધુ ૫૮ લાખ વૃક્ષારોપણ સાથે રાજ્યમાં અવ્વલ નંબરે

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તા. ૫ જૂન નિમિતે શરૂ કરાયેલું રાષ્ટ્રવ્યાપી ‘એક પેડ મા કે નામ’ અભિયાન આજે સાચા અર્થમાં ગુજરાત સહિત દેશના રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં ‘જન અભિયાન’ પ્રસ્થાપિત થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ અભિયાન અંતર્ગત ગુજરાતે સમગ્ર દેશમાં તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ બીજા નંબરે સૌથી વધુ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષારોપણ કરી રાજ્યમાં ગ્રીન કવરમાં વધારો કરવા નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જ્યારે વસ્તી-વિસ્તારના સાપેક્ષમાં ઉત્તરપ્રદેશ ૮.૮૮ કરોડ વૃક્ષારોપણ સાથે દેશમાં પ્રથમ ક્રમે છે.
 
આ સાથે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ આજ સુધીમાં દેશના ૩૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મળીને કુલ ૨૯.૩૭ કરોડથી વધુ વૃક્ષો વાવીને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વૈશ્વિક સ્તરે પર્યાવરણ ક્ષેત્રે ભારતે નવો રેકોર્ડ સ્થાપ્યો છે તેમ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે વિગતો આપતા જણાવ્યું હતું.

વન મંત્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના પર્યાવરણલક્ષી ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો ગુજરાતમાં સૌ પ્રથમ ગાંધીનગરથી પોતાના માતાના નામે એક વૃક્ષ વાવીને પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સહભાગી થઈને ગુજરાતના મંત્રી મંડળના સભ્યશ્રીઓ, ધારાસભ્ય શ્રીઓ, સાંસદ સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ અને પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પોતાની માતાની યાદમાં એક વૃક્ષ વાવીને તેને ઉછેરવાની કાળજી લઈ રહ્યા છે. આ જન અભિયાનના પરિણામ સ્વરૂપે ગુજરાત આજે ઉત્તરપ્રદેશ બાદ સમગ્ર દેશમાં બીજા ક્રમે છે પરંતુ વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ઉત્તરપ્રદેશ  દેશમાં સૌથી વધુ અંદાજે ૧૯.૯૮ કરોડની વસ્તી ઉપરાંત ૨,૪૦,૯૨૮ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય છે.  જેની તુલનામાં ગુજરાત અંદાજે ૬ કરોડની વસ્તી તેમજ ૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તે જોતા ગુજરાત વૃક્ષારોપણમાં દેશમાં અગ્રેસર છે તેમ કહી શકાય. આ સિદ્ધિ સૌ પર્યાવરણ પ્રેમી ગુજરાતીઓને આભારી છે તેમ, જણાવી મંત્રીએ આ અભિયાનમાં વધુમાં વધુ નાગરિકોને સહભાગી થવા આહ્વાન કયું હતું.

વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે આ અભિયાન હેઠળ વિવિધ જિલ્લાઓમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં થયેલા વૃક્ષારોપણની વિગતો આપતાં કહ્યું કે, તા. ૬ ઓગસ્ટ ૨૦૨૪ની સ્થિતિએ ગ્રામીણ વિસ્તારમાં ૫૭.૨૬ લાખ જ્યારે શહેરી વિસ્તારમાં ૧ લાખ એમ સૌથી વધુ  કુલ ૫૮.૨૯ લાખ વૃક્ષારોપણ સાથે સુરત જિલ્લો રાજ્યમાં અવ્વલ નંબર પર છે. આ સિવાય વૃક્ષારોપણમાં અનુક્રમે ભરૂચ જિલ્લામાં ૪૩.૩૩ લાખ, બનાસકાંઠામાં ૪૩.૩૩ લાખ, કચ્છમાં ૪૨.૮૮ લાખ, તાપીમાં ૩૯.૮૩ લાખ, પંચમહાલમાં ૩૪.૨૭ લાખ, મહીસાગરમાં ૩૩.૧૦ લાખ, નર્મદામાં ૩૦.૧૫ લાખ, વલસાડમાં ૩૧.૦૧ લાખ તેમજ ડાંગ જિલ્લામાં ૨૯.૩૭ લાખ એમ કુલ ૩૩ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી વિસ્તાર મળીને કુલ ૭.૧૫ કરોડથી વધુ વૃક્ષો ‘એક પેડ મા કે નામ’ અભિયાનમાં વાવવામાં આવ્યા છે. 

વન વિભાગના સહયોગથી શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતો, શૈક્ષણિક-સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ વૃક્ષ પ્રેમી નાગરિકો સ્વયંભૂ સહભાગી થઇને પોતાની માતાની યાદમાં પસંદગીનું વૃક્ષ વાવીને ગુજરાતમાં જન ભાગીદારી થકી ગ્રીન કવરમાં વધારો કરવા પોતાનું અમુલ્ય પ્રદાન આપી રહ્યા છે તેમ, મંત્રી મુકેશભાઈએ ઉમેર્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news