Russia Ukraine War: રશિયન બોમ્બ ધડાકાથી ખારકીવનું બજાર તબાહ, સેનાએ યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમને ઉડાવી દીધી
Russia Ukraine War LIVE Updates: રશિયા-યુક્રેન યુદ્ધ આજે પોતાના 11માં દિવસમાં પ્રવેશ કરી ગયું છે. યુક્રેની રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ રશિયા સામે લડવા માટે અમેરિકા પાસે વધુ વિમાનની માંગ કરી છે. રશિયા-યુક્રેન યુદ્ધના તમામ અપટેડ મેળવવા અમારી સાથે જોડાયેલા રહો.
Trending Photos
Russia Ukraine War LIVE Updates: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 11મો દિવસ છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વલોડિમિર ઝેલેન્સ્કીએ શનિવારે દેશને રશિયાના આક્રમણથી લડવામાં મદદ કરવા માટે અમેરિકી સીનેટરોને વધુ વિમાન મોકલવાનો આગ્રહ કર્યો છે. તો યુક્રેનના મારિયુપોલ અને વોલ્નોવાખાથી લોકોને કાઢવા માટે લાગૂ થયેલું સીઝફાયર તૂટી ગયું છે. યુક્રેની મીડિયા પ્રમાણે મારિયૂપોલમાં રશિયાએ સીઝફાયર તોડી દીધુ છે, જેથી માનવી કોરિડોરથી સામાન્ય લોકોને કાઢવાની પ્રક્રિયા સુરક્ષાને કારણે રોકવામાં આવી છે. તો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આવી છે કે મોસ્કો યુક્રેન પર કોઈ ત્રીજા પક્ષની નો-ફ્લાય ઝોનની જાહેરાતને આ લડાઈમાં ભાગીદારના રૂપમાં માનશે. આ વચ્ચે અમેરિકા અને બ્રિટને ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે અને પોતાના નાગરિકોને રશિયા છોડવાનું કહ્યું છે.
રશિયાના હુમલામાં ભંગાર બની ખારકીવની માર્કેટ
રશિયાના હુમલાથી યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવમાં તબાહી જોવા મળી રહી છે. અહીં Novosaltivsky માર્કેટ રશિયાના હુમલામાં ભંગાર બની ગઈ છે. આ તસવીર તે વાતનો પૂરાવો છે કે હુમલો કેટલો ખતરનાક હશે. કારણ કે હવે અહીં કાટમાળ સિવાય કંઈ વધ્યું નથી.
યુક્રેનની એસ-300 એર ડિફેન્સ સિસ્ટમ તબાહ
રશિયાના રક્ષામંત્રાલયે કહ્યું કે, રશિયાની સેના સતત હુમલો કરી રહી છે. યુક્રેનની એસ-300 એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરી દેવામાં આવી છે. સાથે રશિયાએ દાવો કર્યો કે, સૈન્ય અભિયાન દરમિયાન યુક્રેનના 2203 સૈન્ય ઠેકાણાને ઉડાવી દેવામાં આવ્યા છે.
રશિયાએ યુક્રેનના વિમાનેને મારવાનો દાવો કર્યો
રશિયાના રક્ષા મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા એક દિવસમાં યુક્રેનના જિટોમિર ક્ષેત્રમાં ચાર Su-27 અને એક મિગ-19 વિમાન, રેડોમિશલ ક્ષેત્રમાં Su-27 અને Su-25 વિમાનનો નાશ કર્યો છે.
પોલેન્ડ અને રોમાનિયા જેવા દેશોમાં લોકોએ લીધી શરણ
સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, યુદ્ધ જરમિયાન અત્યાર સુધી યુક્રેનથી 15 લાખ લોકોએ દેશ છોડી અન્ય દેશોમાં આસરો લીધો છે. મોટાભાગના લોકોએ પોલેન્ડ અને રોમાનિયાની વાટ પકડી છે.
વોલ્નોવાખામાં આજે ફરી સીઝફાયર
યુદ્ધના 11માં દિવસે કીવના બહારના વિસ્તાર ઇરપિનમાં ઘુસી રશિયન સેના, ખારકીવમાં સતત બોમ્બ વર્ષા. મોરિયૂપોલ અને વોલ્નોખાવામાં આજે ફરી સીઝફાયર.
ઝેલેન્સ્કીએ ફોન પર જો બાઇડેન સાથે કરી વાત
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ શનિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે ફોન પર વાત કરી છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ જાહેરાત કરી છે કે તેમણે રશિયા વિરુદ્ધ નાણાકીય સહાયતા અને પ્રતિબંધો પર ચર્ચા કરવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે વાત કરી છે, કારણ કે તેમનો દેશ રશિયન સૈનિકો તરફથી ગંભીર હુમલાનો સામનો કરી રહ્યો છે.
ખારકીવમાં રશિયાએ એર સ્ટ્રાઇક કરી
આ સમયે યુક્રેનથી મોટા સમાચાર આવી રહ્યાં છે. મહત્વનું છે કે રશિયાની સેનાએ એકવાર ફરી ખારકીવને નિશાન બનાવ્યું છે. જેથી ત્યાં રશિયન સેનાએ એર સ્ટ્રાઇક કરી છે. મહત્વનું છે કે આ કારણે અનેક ઇમારતોમાં આગ લાગી છે.
યુક્રેનને મળી મોટી આર્થિક મદદ
યુરોપિયન યુનિયને યુક્રેનને આર્થિક મદદ મોકલી છે. પ્રથમ હપ્તામાં યુરોપિયન યુનિયને યુક્રેનને 500 મિલિયન યુરો એટલે કે 4 હજાર 175 કરોડ રૂપિયાની મદદ મોકલી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયનનો આર્થિક મદદ માટે આભાર માન્યો છે.
યુક્રેની સેનાએ ભારતીયોનો રસ્તો રોક્યો
યુક્રેન પર રશિયાએ મોટો આરોપ લગાવ્યો કે યુક્રેનની સેનાએ ભારતીયોનો રસ્તો રોક્યો. ઉત્તર પૂર્વી યુક્રેનમાં ભારતીયો ફસાયેલા છે. તો યુક્રેનનો દાવો છે કે તેણે 10 હજાર ભારતીયોને બહાર કાઢ્યા છે.
યુક્રેનના મારિયોપોલમાં રશિયાની સેનાએ તેજ કરી ગોળીબારી- મેયરનો દાવો
યુક્રેનિયન શહેર મારિયોપોલના મેયર વાદિમ બોયચેન્કોએ શનિવારે રાત્રે દાવો કર્યો હતો કે રશિયન દળોએ તેમના શહેરમાં એરોપ્લેનનો ઉપયોગ સહિત વધુ તોપમારો કર્યો હતો. રશિયન સેનાના ઘેરાબંધીથી બંદર શહેરની હાલત કફોડી છે. રહેણાંક વિસ્તારો પર સતત તોપમારો થઈ રહ્યો છે અને રહેણાંક વિસ્તારો પર વિમાનો બોમ્બ ફેંકી રહ્યાં છે.
Puma અને IBM એ રશિયામાં કામકાજ બંધ કર્યું
યુદ્ધ વિરુદ્ધ એક થતા પ્યૂમા કંપનીએ પણ રશિયામાં પોતાના ઉત્પાદકોની સપ્લાય અને પોતાના સ્ટોર્સને બંધ કરવાની જાહેરાત કરી છે. આ સિવાય Payoneer, Paypal અને Adobe રશિયામાં પોતાનું કામકાજ બંધ કરી દીધુ છે. સાથે આઈબીએમએ પણ રશિયાની બજારમાં પોતાનો કારોબાર સમેટવાની જાહેરાત કરી છે.
યુક્રેનનો મોટો દાવો, રશિયાની સેનાના 10 હજાર જવાનના મોત
યુક્રેનની સરકારે દાવો કર્યો છે કે રશિયાએ 10 દિવસના સંઘર્ષમાં તેના 10,000 સૈન્ય કર્મચારીઓને ગુમાવ્યા છે. આ સિવાય યુક્રેને 269 ટેન્ક, 945 બખ્તરબંધ લડાયક વાહનો અને 45 મલ્ટી-રોકેટ પ્રક્ષેપણ પ્રણાલીઓને પણ નષ્ટ કરી છે, જેમાં રશિયન સેનાના 79 ફાઈટર જેટ અને હેલિકોપ્ટરનો પણ સમાવેશ થાય છે. યુક્રેનનું કહેવું છે કે રશિયા આ યુદ્ધ હારી ગયું છે.
Russia-Ukraine War: સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી સહાય વધારવા માટે પ્રતિબદ્ધ
યુનાઈટેડ નેશન્સનો અંદાજ છે કે યુક્રેનમાં રહેતા 12 મિલિયન લોકો અને પડોશી દેશોમાંથી ભાગી રહેલા 4 મિલિયન લોકોને આગામી મહિનાઓમાં માનવતાવાદી સહાયની જરૂર પડશે. લોકોને મદદ કરવા અંગે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે યુએન તેના માનવતાવાદી કાર્યને વધારવા માટે પ્રતિબદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે