ઈમરાન ખાન આજે પાકિસ્તાનના 22માં PM તરીકે શપથ લેશે, જાણો ભારતથી કોણ થશે સામેલ 

પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લેશે

ઈમરાન ખાન આજે પાકિસ્તાનના 22માં PM તરીકે શપથ લેશે, જાણો ભારતથી કોણ થશે સામેલ 

ઈસ્લામાબાદ: પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન આજે પાકિસ્તાનના 22માં વડાપ્રધાન તરીકે શપથ લેશે. ઈસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં સવારે સાડા 9 વાગે શપથગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં રાષ્ટ્રપતિ મમનૂન હુસૈન તેમને વડાપ્રધાન પદના શપથ લેવડાવશે. જિયો ન્યૂઝના અહેવાલ મુજબ મહેમાનોને મોકલાવવામાં આવેલા સમારોહના આમંત્રણમાં જણાવાયું છે કે સમારોહ રાષ્ટ્રગીત સાથે શરૂ થશે, ત્યારબાદ રાષ્ટ્રપતિ મહેમાન અને નવા ચૂંટાઈ આવેલા વડાપ્રધાન બેઠક ગ્રહણ કરશે. નેશનલ એન્થમ બાદ પવિત્ર કુરાનનો પાઠ થશે. ત્યારબાદ હુસૈન શપથ ગ્રહણની શરૂઆત કરાવશે અને શપથ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરાવાશે. 

નવજોતસિંહ સિદ્ધુ પહોંચ્યા પાકિસ્તાન, શપથગ્રહણમાં થશે સામેલ
આ બાજુ ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોતસિંહ સિદ્ધુ વડાપ્રધાન તરીકે પાકિસ્તાન તહરિક એ ઈન્સાફના પ્રમુખ ઈમરાન  ખાનના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે શુક્રવારે પાકિસ્તાન પહોંચ્યા છે. સુદ્ધુ વાઘા બોર્ડર દ્વારા લાહોર પહોંચ્યા અને શનિવારે નિર્ધારિત શપથગ્રહણ સમારોહમાં પહોંચશે. લાહોરમાં પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે 'હું મારા મિત્ર (ઈમરાન)ના આમંત્રણ પર પાકિસ્તાન આવ્યો છું. આ ખુબ વિશેષ પળ છે.' તેમણે કહ્યું કે 'ખેલાડીઓ અને કલાકારો અંતર (દેશો વચ્ચે) મીટાવે છે. અહીં પાકિસ્તાની લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.' સિદ્ધુએ હિંદુસ્તાન જીવે, પાકિસ્તાન જીવે!નો નારો લગાવ્યો હતો. તેમણે ઈમરાન ખાનના નેતૃત્વમાં પાકિસ્તાન તહરિક એ ઈન્સાફ (પીટીઆઈ) સરકાર દ્વારા દેશમાં આવનારા ફેરફારનું સ્વાગત કર્યું હતું. 

નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાન નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા
શુક્રવારે જ પાકિસ્તાનની સંસદના નીચલા ગૃહ નેશનલ એસેમ્બલીની એકતરફી ચૂંટણીમાં પીટીઆઈ પ્રમુખ ઈમરાન ખાન દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં.  ઈમરાન ખાને આ મુકાબલામાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના પ્રમુખ શાહબાઝ શરીફને હરાવ્યાં હતાં. બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વવાળી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) પાસે 54 બેઠકો છે. પીપીપીએ મતદાનમાં ભાગ લીધો ન હતો. જેના કારણે 15મી નેશનલ એસેમ્બલીમાં ચૂંટણી માત્ર એક ઔપચારિકતા બની ગઈ હતી. શરીફની ઉમેદવારીને લઈને પીપીપી અને પીએમએલ-એન વચ્ચે મતભેદો ઉભરી આવ્યાં હતાં. 

ઈમરાન ખાનને 176 મતો મળ્યાં
નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કૈસરે જાહેરાત કરી હતી કે ક્રિકેટરમાંથી નેતા બનેલા 65 વર્ષના ઈમરાન ખાનને 176 મતો મળ્યાં. જ્યારે તેમના એકમાત્ર હરિફ અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફને 96 મતો મળ્યાં. પરિણામ જાહેર થયા બાદ પીએમએલ-એનના સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો અને સદનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તસવીર હાથમાં લઈને પ્રદર્શન કરી રહેલા પીએમએલ-એનના સમર્થકોએ મતને સન્માન આપોના નારા લગાવ્યાં. સ્પીકર કૈસર જબ સદનને સુચારુ રૂપથી ચલાવવાની કોશિશ કરી રહ્યાં હતાં ત્યારે પણ પીએમએલ-એનના સાંસદો નારેબાજી કરી રહ્યાં હતાં. ત્યારબાદ સ્પીકરે 15 મિનિટ માટે કાર્યવાહી સ્થગિત કરી હતી. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news