પાકિસ્તાનના PM ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, વ્યક્ત કરી એક ખાસ ઈચ્છા

પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાન ઈચ્છે છે કે ભારત સાથે એકવાર ફરીથી વાતચીત શરૂ થાય.

પાકિસ્તાનના PM ઈમરાન ખાને વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર, વ્યક્ત કરી એક ખાસ ઈચ્છા

નવી દિલ્હી: પાકિસ્તાનના નવા વડાપ્રધાન ઈમરાન ખાન ઈચ્છે છે કે ભારત સાથે એકવાર ફરીથી વાતચીત શરૂ થાય. આ માટે પીએમ ઈમરાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં ભલામણ કરાઈ છે કે સયુંક્ત રાષ્ટ્રની બેઠકથી અલગ ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી વાતચીત કરે. નોંધનીય છે કે આગામી મહિને સયુંક્ત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીની બેઠક થવાની છે. કહેવાય છે કે પીએમ મોદીએ ગત દિવસોમાં બંને દેશો વચ્ચે નવેસરથી સંબંધો સુધારવાના સંકેતો આપ્યા છે. જેના જવાબમાં ઈમરાન ખાને પણ પીએમ મોદીને પત્ર લખ્યો છે. આ અગાઉ ચૂંટણીમાં જીત નોંધાવતા પહેલા ઈમરાન ખાને એમ પણ કહ્યું હતું કે જો ભારત એક ડગલું આગળ વધશે તો તેઓ બે ડગલાં આગળ વધશે. 

ઈમરાન ખાને આ  પત્ર દ્વારા ભારત સાથે વાતચીત શરૂ કરવા માટે ઔપચારિક પ્રસ્તાવ મોકલ્યો છે. સૂત્રોના હવાલે કહેવાય છે કે પત્રમાં પાકિસ્તાને 2015માં શરૂ થયેલી દ્વિપક્ષીય વાતચીતના ક્રમને ફરીથી શરૂ કરવાની ભલામણ કરી છે. પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલા બાદ આ વાતચીત રોકી દેવામાં આવી હતી. પત્રમાં કહેવાયું છે કે ભારત અને પાકિસ્તાન વાતચીત દ્વારા આતંકવાદ અને કાશ્મીર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવે. 

જોવાનું રહેશે કે ઈમરાન ખાનની આ પહેલનો ભારત સરકાર શું જવાબ આપે છે. એ પણ જોવાનું રહેશે કે શું સુષ્મા સ્વરાજ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશી સાથે મુલાકાત કરશે કે નહીં. 

હાલમાં જ સિંધુ જળ સંધિ પર વાતચીત કરી ચૂક્યા છે ભારત-પાક
ચાલુ વર્ષે ઓગસ્ટમાં ભારત અને પાકિસ્તાનના અધિકારીઓ સિંધુ જળ સંધિ પર વાતચીત માટે બેઠક કરી ચૂક્યા છે. સ્થાયી સિંધુ આયોગ (પીઆઈસી)ની આ મુલાકાત દરમિયાન બારતના પક્ષનું નેતૃત્વ પી કે સક્સેના અને પાકિસ્તાનનો પક્ષ રજુ કરવા માટે સૈયદ મેહર અલી શાહ હાજર રહ્યાં હતાં. જો કે આ એક રૂટિન વાતચીત હતી. પી કે સક્સેનાએ  કહ્યું હતું કે ભારત કોઈ નવી વાતચીત કરવા પાકિસ્તાન ગયું ન હતું, આ જૂની સંધિ હેઠળ વાતચીત થઈ હતી. 

આ અગાઉ પીએમ મોદીએ પણ નવી સરકાર પ્રતિ સારું વલણ અપનાવતા પોતે ફોન કરીને ઈમરાન ખાનને અભિનંદન પાઠવ્યાં હતાં. આ સાથે જ ભેટ સ્વરૂપે એક ક્રિકેટ બેટ પણ મોકલ્યું હતું. 

પાકિસ્તાન ભારત સાથે સંબંધોમાં સુધાર ઈચ્છે છે અને કાશ્મીર સહિત તમામ પેન્ડિંગ મુદ્દાઓનુ સમાધાન વાર્તાના માધ્યમથી લાવવા માંગે છે. આ વાત પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવી. તેમણે કહ્યું કે હાલના ગતિરોધ છતાં પાકિસ્તાન ભારત સાથે સંવાદ કાયમ કરવામાં ખચકાટ અનુભવશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news