સરકારે જુના-જર્જરીત ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટના નિયમોમાં આપી છૂટ, જાણો શું છે શરત

ફ્લેટના માલિકે એપાર્ટમેન્ટના માલિકમાં ૭૫ ટકા થી ઓછા નહી તેટલા સભ્યોની સંમતિ મેળવ્યા બાદ જર્જરીત મકાનોના પુન: નિર્માણ અને પુન: વિકાસ થવાથી નાગરિકોની સુરક્ષામાં વધારો થશે.

સરકારે જુના-જર્જરીત ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટના નિયમોમાં આપી છૂટ, જાણો શું છે શરત

ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, ભારે વરસાદ કે ભુકંપ જેવી કુદરતી આપત્તિ સમયે જાનહાનિ રોકવા માટે જુના તેમજ જર્જરીત થઇ ગયેલા ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટ સરળ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. જુના-જર્જરીત ખાનગી ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવાના નિયમોમાં રાજ્ય સરકાર દ્વારા છુટછાટ આપવામાં આવશે. અને હવે થી આ ફલેટોનો પુન: વિકાસ થઇ શકશે.

આજે ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત માલિકી ફ્લેટ (સુધારા) વિધેયક-૨૦૧૮ રજુ કરતાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, નાગરિકોને પૂરતી સુરક્ષા મળે તે માટે તેમજ કુદરતી આપત્તિ સમયે આવા મકાનોના પડી જવાથી જાનહાની કે નુકશાન ન થાય તે માટે આ સુધારો કરાયો છે. તેમણે ઉમેર્યુ કે આવા ફ્લેટોનું રીડેવલપમેન્ટ કરવા મોટા ભાગના માલિકો સંમત હોય પરંતુ થોડા ઘણા માલિકો સંમતિ નહી આપતા હોવાના કિસ્સા બનતા હોય છે. એ માટે આ મહત્વનો નિર્ણય લીધો છે જેના કારણે નાગરિકોની સુરક્ષામાં વધારો થશે અને માળખાગત સવલતોના નિર્માણમાં વધુ ઝડપ આવશે.  
    
નીતિન પટેલે ઉમેર્યુ હતું કે, મકાનોના રીડેવલપમેન્ટ માટે કુલ ફ્લેટ ધારકોમાં ૭૫ ટકા કરતા ઓછા નહી તેવા ફ્લેટ ધારકોની સંમતી મળે તો જર્જરીત થયેલ ફ્લેટોનું રીડેવલપમેન્ટ હાથ ધરી શકાશે. એ જ રીતે મકાનના વિકાસ માટે પરવાનગી આવ્યાની તારીખથી પચીસ વર્ષનો સમયગાળો પુરો થઇ ગયેલો હોવો જરૂરી છે અથવા સંબંધિત સત્તાધિકારીએ આવુ મકાન જર્જરીત-ભયજનક હાલતમાં છે અથવા પડવાની શક્યતા છે અથવા તેઓ કબજો ધરાવતા ઉપયોગ કરનાર માટે અથવા આ મકાન અથવા તેની નજીકના કોઇ બીજા મકાન અથવા સ્થળ માટે અથવા ત્યાંથી પસાર થતી વ્યક્તિ-નાગરિકો માટે આ મકાન જોખમકારક છે એવુ જાહેર કર્યુ હોય તો તેનો પુન: વિકાસ કરી શકાશે. સાથે સાથે આવા ફલેટોના નવા બાંધકામ માટે હયાત જી.ડી.સી.આર. મુજબ નવી બાંધકામ પરવાની મળશે.

તેમણે ઉમેર્યુ કે, ફ્લેટના માલિકે એપાર્ટમેન્ટના માલિકમાં ૭૫ ટકા થી ઓછા નહી તેટલા સભ્યોની સંમતિ મેળવ્યા બાદ જર્જરીત મકાનોના પુન: નિર્માણ અને પુન: વિકાસ થવાથી નાગરિકોની સુરક્ષામાં વધારો થશે. આ સુધારા વિધેયક વિધાનસભા ખાતે પસાર કરાયુ હતુ.       

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news