પાકિસ્તાને મસૂદના ભાઈ-પુત્ર સહિત 44 આતંકીઓની કરી ધરપકડ

આંતરિક બાબતોના મંત્રી શહરયાર આફ્રિદીએ જણાવ્યું કે, વિશ્વ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્રતિબંધિત જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈનો પણ સમાવેશ થાય છે

પાકિસ્તાને મસૂદના ભાઈ-પુત્ર સહિત 44 આતંકીઓની કરી ધરપકડ

ઈસ્લામાબાદઃ પાકિસ્તાને પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો પર મોટી કાર્યવાહી કરતાં મંગળવારે જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ મુફ્તી રઉફ અઝહર અને તેના પુત્ર હમઝા અઝહરને કસ્ટડીમાં લીધા છે. આંતરિક બાબતોના મંત્રી શહરયાર આફ્રિદીએ જણાવ્યું કે, વિશ્વ દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા 44 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

રઉફ અઝહરની ધરપકડથી એ વાત સાબિત થાય છે કે, પાકિસ્તાન ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીથી ફફડી ઉઠ્યું છે અને હાલ ભારે દબાણમાં છે. જૈશનો એકમાત્ર વારસદાર રઉફ અઝહર હતો. 

વૈશ્વિક સમુદાય દ્વારા પાકિસ્તાન પર વધી રહેલા દબાણ બાદ પાકિસ્તાને ખાતરી આપી હતી કે તે તેની ધરતી પર રહેલા આતંકવાદી સંગઠનો પર કાર્યવાહી કરશે. 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા ભારતે પાકિસ્તાનને જે ડોઝિયર સોંપ્યું હતું તેમાં પણ રઉફ અને હમઝા અઝહરના નામનો સમાવેશ થતો હતો. 

પાકિસ્તાનના આંતરિક બાબતોના મંત્રી શહરયાર આફ્રિદીએ જણાવ્યું કે, "પકડવામાં જૈશ-એ-મોહમ્મદના લોકો વિરુદ્ધ જો કોઈ પાકા પુરાવા હાથ નહીં લાગે તો તેમને છોડી મુકવામાં આવશે. આ કાર્યવાહી ભારત કે વાશ્વિક સમુદાયના દબાણમાં નહીં પરંતુ નેશનલ એક્શન પ્લાન કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયના આધારે કરવામાં આવી છે."

સોમવારે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન પુલવામા હુમલા બાદ ભારતે સોંપેલા ડોઝિયરનો અભ્યાસ કરી રહ્યું છે. 

કુરેશીએ જૈશ-એ-મોહમ્મદના વડા મોલાના મસૂદ અઝહરના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની યાદીમાં નામ હોવા અંગે જીઓ ન્યૂઝને જણાવ્યું કે, "પાકિસ્તાન 12 માર્ચના રોજ કેટલાક મહત્વનાં નિર્ણય લેવાનું છે. અમે આ નિર્ણયની અત્યંત નજીક પહોંચી ગયા છીએ. અમે પાકિસ્તાનને સમગ્ર વિશ્વમાં તમાશો બનાવ દેવા માગતા નથી. જોકે, કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં અમે આંતરરાષ્ટ્રીય સમુદાય અને ઘરેલુ હિતધારકોને વિશ્વાસમાં જરૂર લઈશું."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news