નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરવામાં આવ્યા, જનાજામાં હજારો લોકો સામેલ થયા
પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું
Trending Photos
લાહોરઃ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમને શુક્રવારે 'સુપુર્દે ખાક' કરવામાં આવ્યા હતા. કુલસુમનું મંગળવારે ગળાના કેન્સરની બિમારીને કારણે લંડનમાં નિધન થયું હતું. તેમના મૃતદેહને શુક્રવારે સવારે જ પાકિસ્તાન લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીના હજારો કાર્યકર્તાઓ, દેશના ટોચના નેતાઓ કુલસુમના જનાજામાં સામેલ થયા હતા.
જાણીતા ઈમામ તારીક જમીલ દ્વારા લાહોરના શરીફ મેડિકલ સિટીના મેદાનમાં તેમની જનાઝાની નમાઝ પઢાવવામાં આવી હતી. જનાઝાની નમાઝ બાદ તેમના જનાજાને નવાઝ શરીફના નિવાસસ્થાન 'જાતી ઉમરા' લઈ જવાયો હતો. અહીં, કુલસુમને તેમનાં સસરા મિયાં શરીફ અને જેઠ અબ્બાસ શરીફની કબરની નજીકમાં દફનાવાયા હતા.
કુલસુમના જનાઝામાં નવાઝ શરીફની પાર્ટીના હજારો કાર્યકર્તાઓ ઉપરાંત દેશનાં ટોચના નેતાઓ જોડાયાં હતાં. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા ખુરશીદ શાહ, કમર ઝમાન, પાકિસ્તાન તહેરીકે ઈન્સાફ પાર્ટીના પંજાબના ગવર્નર ચૌધરી સરવર અને સંસદના સ્પીકર અસદ કૈસર પણ જનાઝામાં સામેલ થયા હતા.
કુલસુમના 68 વર્ષના પુત્ર હસન અને હુસેન જનાઝામાં સામેલ થઈ શક્યા ન હતા. કેમ કે, તેઓ પનામા પેપર્સ કૌભાંડમાં નામ આવ્યા બાદથી ફરાર છે. નવાઝ શરીફની સુરક્ષા માટે માનવ સાંકળ રચવામાં આવી હતી.
નવાઝ શરીફનો ભાઈ અને પીએમએલ-એનના પ્રમુખ શાહબાઝ શરીફ, કુલસુમની પુત્રી અસમા, પૌત્ર ઝાયદ હુસેન શરીફ (હુસેન નવાઝનો પુત્ર) અને અન્ય 11 પરિવારના સભ્યો શુક્રવારે સવારે કુલસુમનો મૃતદેહ લંડનથી લઈને પાકિસ્તાન આવી પહોંચ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, કુલસુમના પતિ અને પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ, તેમની એક પુત્રી મરિયમ અને જમાઈ મોહમ્મદ સફદર અત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં રાવલપિંડીની અદિયાલા જેલમાં સજા કાપી રહ્યા છે. તેમને પંજાબ સરકારના ગૃહ વિભાગ દ્વારા 12 સપ્ટેમ્બર સાંજના 4 કલાકથી 17 સપ્ટેમ્બર સાંજના 4 કલાક સુધીની પાંચ દિવસની પેરોલ આપેલી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે