ગુજરાતના જેનાભાઈ ઠક્કરના પુત્ર આખરે કેવી રીતે બની ગયા પાકિસ્તાનના 'નિર્માતા' મોહમ્મદ અલી ઝીણા?

મોહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર હતું અને દાદાનું નામ પૂંજાભાઈ ઠક્કર હતું. પિતા એક ખમતીધર વેપારી હતા. માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદા એ આઝમના માતા પિતા  બિઝનેસના કારણે કરાચીમાં વસ્યા હતા. ત્યાં જ ઝીણાનો જન્મ થયો હતો.

ગુજરાતના જેનાભાઈ ઠક્કરના પુત્ર આખરે કેવી રીતે બની ગયા પાકિસ્તાનના 'નિર્માતા' મોહમ્મદ અલી ઝીણા?

જે રીતે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી છે તેમ પાકિસ્તાનમાં મોહમ્મદ અલી ઝીણાને કાયદા એ આઝમ માનવામાં આવે છે. ઝીણાના મૂળિયા ગુજરાતમાં ઊંડે સુધી છે. મોહમ્મદ અલી ઝીણાનો જન્મ આમ તો 25 ડિસેમ્બર 1876ના રોજ કરાચીમાં થયો હતો જે હાલ પાકિસ્તાનમાં છે. પરંતુ તે સમયે તે બ્રિટિશ ઈન્ડિયાનો ભાગ હતો. જો કે ઝીણાના પૂર્વજો ગુજરાતના રાજકોટ જિલ્લાના પાનેલી મોટી ગામના રહીશ હતા. 

જેનાભાઈ ઠક્કરના પુત્ર
મોહમ્મદ અલી ઝીણાના પિતાનું નામ જેનાભાઈ ઠક્કર હતું અને દાદાનું નામ પૂંજાભાઈ ઠક્કર હતું. પિતા એક ખમતીધર વેપારી હતા. માતાનું નામ મીઠીબાઈ હતું. કાયદા એ આઝમના માતા પિતા  બિઝનેસના કારણે કરાચીમાં વસ્યા હતા. ત્યાં જ ઝીણાનો જન્મ થયો હતો. બીબીસીના એક રિપોર્ટમાં કહેવાયું છે કે ગુજરાત સ્થિત ઝીણાના પૂર્વજોનું ઘર આજે પણ છે. હાલ તે ઘરમાં પ્રવીણભાઈ પોપટભાઈ પોકિયા રહે છે. ઘરને પ્રવીણભાઈના દાદાએ ખરીદ્યું હતું. પ્રવીણભાઈ જણાવે છે કે આ ઘરમાં ઝીણાના દાદા અને પિતા રહેતા હતા. 

રિપોર્ટમાં તે જ ગામના એક 70 વર્ષના વ્યક્તિ જણાવે છે કે ઝીણાના પૂર્વજો  લોહાણા ઠક્કર જાતિના હતા. પૂંજાભાઈએ જ્યારે ઝીંગા માછલી વેચવાનું કામ શરૂ કર્યું ત્યારે લોહાણા ઠક્કર જાતિના લોકોએ તેમના પરિવારનો બહિષ્કાર કર્યો. ત્યારબાદ પરિવારે ઈસ્લામ ધર્મ અપનાવ્યો અને ખોજા મુસલમાન બની ગયા. ભારતના પૂર્વ વિદેશમંત્રી જસવંત સિંહે પણ પોતાના પુસ્તક 'જિન્ના: ઈન્ડિયા, પાર્ટિશન, ઈન્ડિપેન્ડન્સ' માં ઝીણાના પરિવારને ખોજા મુસલમાન ગણાવ્યા છે. 

જેનાભાઈથી ઝીણા બનવાની કહાની
જસવંત સિંહના પુસ્તકના હવાલે રજનીશકુમારે બીબીસી માટે લખેલા પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જ્યારે કરાચીમાં ઝીણાનો જન્મ થયો તો તેમના માતા પિતા પોતાના પુત્રનું નામ એક યોજના હેઠળ રાખ્યું હતું. હકીકતમાં પહેલા તેમનો પરિવાર ગુજરાતમાં રહેતો હતો. ત્યારે પરિવારના તમામ સભ્યોના નામ હિન્દુઓની જેમ હતા અને તેનાથી કોઈ સમસ્યા નહતી. પરંતુ કરાચીમાં મુસ્લિમ વસ્તી વચ્ચે રહેતા જેનાભાઈ પોતાના પુત્રનું નામ એવું રાખવા માંગતા હતા જેથી કરીને તેઓ સુરક્ષિત રહે. 

આથી જેનાભાઈ અને મીઠીબાઈએ પોતાના પુત્રનું નામ મોહમ્મદ અલી રાખ્યું. પરંતુ આ સાથે જ ગુજરાતમાં જે રીતે નામની પાછળ પિતાના નામને જોડવામાં આવે છે તે પરંપરાને પણ ચાલુ રાખી. આથી આખુ નામ બન્યું મોહમ્મદ અલી જેનાભાઈ.

શરૂઆતનો અભ્યાસ ઘરમાં જ, ગુજરાતીમાં થયો. ત્યારબાદ જેનાભાઈએ કરાચીમાં ટોચની મેનેજિંગ એજન્સી ડગલસ ગ્રાહમ એન્ડ કંપનીના જનરલ મેનેજર સર ફ્રેડરિક લી ક્રોફ્ટના સૂચન પર મોહમ્મદ અલી જેનાભાઈને 1892માં બિઝનેસ શીખવા માટે લંડન મોકલ્યા. ત્યાં તેમણે જેનાભાઈનું અંગ્રેજીકરણ કરીને જિન્નાહ (ઝીણા) કરી નાખ્યું. કારોબાર શિખવા માટે ગયેલા મોહમ્મદ અલી ઝીણાએ બાદમાં ત્યાં અભ્યાસ પણ શરૂ કરી દીધો. 

લંડન જતા ઝીણાના માતાએ તેમના લગ્ન પાનેલી મોટી ગામના જ 11 વર્ષના એમીબાઈ સાથે કરાવ્યા હતા. જો કે ઝીણા ક્યારેય એમીબાઈને જોઈ શક્યા નહીં કારણ કે તમના લંડનથી પાછા ફરતા પહેલા જ એમીબાઈનું મોત થઈ ગયું હતું. 

રૂટીના પ્રેમમાં પડ્યા
40 વર્ષના વિધુર ઝીણા પોતાના કરતા 24 વર્ષ નાની મિત્રની 16 વર્ષની મુગ્ધા દીકરી સાથે નૈન લડાવ્યા હતા. તેમને પામવા માટે કમર કસી હતી. સર દીનશા પીટીટના 16 વર્ષના પુત્રી રતનબાઈ ઉર્ફે રૂટીને જોઈને તેઓ મંત્રમુગ્ધ થયા હતા. અનેક પડકારો બાદ ઝીણાએ રૂટી સાથે 19 એપ્રિલ 1919ના રોજ નિકાહ કર્યા. રૂટીએ મને કમને ધર્મ પરિવર્તન કર્યું અને તેમનું નામ મરિયમબાઈ રાખવામાં આવ્યું હતું. માત્ર 29 વર્ષ જીવનારા રતનબાઈ રૂટીના 10 વર્ષના લગ્નજીવન અને પ્રેમકથાનો કરૂણ અંત આવ્યો હતો. તેમની કબર પર અંગ્રેજીમાં તક્તી સાથે ગુજરાતી ભાષામાં પણ એક તક્તી ઝીણાના ગુજરાત કનેક્શનને યાદ કરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news