વર્ષોથી સાથ આપનારા ભારતના હેલિકોપ્ટર હવે માલદીવને આંખમાં કણાની જેમ કેમ ખૂંચ્યા? 

માલદીવ ઈચ્છે છે કે ભારત તેના ત્યાં તહેનાત પોતાના સૈન્ય હેલિકોપ્ટર અને જવાનોને પાછા બોલાવી લે.

વર્ષોથી સાથ આપનારા ભારતના હેલિકોપ્ટર હવે માલદીવને આંખમાં કણાની જેમ કેમ ખૂંચ્યા? 

નવી દિલ્હી: માલદીવ ઈચ્છે છે કે ભારત તેના ત્યાં તહેનાત પોતાના સૈન્ય હેલિકોપ્ટર અને જવાનોને પાછા બોલાવી લે. માલદીવમાં ચીનના સમર્થનવાળી સરકારનું કહેવું છે કે આ અંગેની સંધિ જૂનમાં ખતમ થઈ ગઈ છે. હિંદ મહાસાગરમાં વર્ચસ્વવાળી જંગમાં ભારત અને ચીન બંને માલદીવ પર પોતાનો પ્રભાવ જાળવી રાખવા માંગે છે. બેઈજિંગ ત્યાં રસ્તાઓ, પુલ અને મોટા એરપોર્ટ બનાવી રહ્યું છે, જ્યારે ભારત ત્યાં દાયકાઓથી સૈન્ય અને નાગરિક સહાયતા ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. 

ભારતમાં માલદીવના રાજદુત અહેમદ મોહમ્મદે સમાચાર એજન્સી રોયટર્સને જણાવ્યું કે ભારત દ્વારા આપવામાં આવેલા બે હેલિકોપ્ટરનો ઉપયોગ મુખ્યત્વે ચિકિત્સા સંબંધિત રાહત બચાવ માટે થાય છે. પરંતુ હવે માલદીવે પોતાના દમ પર પર્યાપ્ત સાધનો મેળવી લીધા છે આથી ભારતના હેલિકોપ્ટરની જરૂર નથી. 

તેમણે કહ્યું કે ભૂતકાળમાં તેઓ ખુબ ઉપયોગી હતી, પરંતુ પર્યાપ્ત માળખાગત સુવિધાઓ, અન્ય સુવિધાઓ અને સંસાધનોનો વિકાસ થતા હવે અમે એ સ્થિતિમાં છીએ કે પોતે રાહત અને બચાવ કાર્ય કરી શકીએ. મોહમ્મદે કહ્યું કે જો કે ભારત અને માલદીવ હજુ પણ દર મહિને માલદીવના વિશેષ આર્થિક ઝોનમાં જોઈન્ટ પેટ્રોલિંગ કરે છે. માલદીવ ભારતથી 400 કિમી દૂર છે અને ભારત તથા મધ્ય પૂર્વ વચ્ચે તે સૌથી મોટું પોર્ટ છે. 

સૈનિકોથી મુશ્કેલી
હેલિકોપ્ટરની સાથે સાથે ભારતે ત્યાં પોતાના 50 સૈન્ય જવાનોને પણ તહેનાત કરી રાખ્યા છે. જેમાં પાઈલટ અને નેવી સામેલ છે. તેમના વિઝા ખતમ થઈ ગયા છે. પરંતુ ભારતે હજુ તેમને પાછા બોલાવ્યાં નથી. ભારતીય નેવીના પ્રવક્તાએ આ અંગે બુધવારે કહ્યું હતું કે અમે હજુ પણ ત્યાં છીએ, અમારા બે હેલિકોપ્ટર અને જવાન. આ સાથે જ તેમણે કહ્યું કે વિદેશ મંત્રાલય સ્થિતિ સંભાળી રહ્યું છે. જો કે વિદેશ મંત્રાલયે આ અંગે રોયટરના સવાલો પર કોઈ ટિપ્પણી કરી નથી. 

ઓબ્ઝર્વ્સ રિસર્ચ ફાઉન્ડેશનના અભિજીત સિંહે કહ્યું કે 'ભારતીય હેલિકોપ્ટર તે જગ્યાની નજીક છે જ્યાં ચીનની હાજરી છે. તેમણે કહ્યું કે હવે મુદ્દો એ છે કે યામીન ઈચ્છે છે કે હેલિકોપ્ટર જતા રહે. પરંતુ તેનાથી પણ વધુ તેઓ ઈચ્છે છે કે જવાનો જતા રહે. તેમને હેલિકોપ્ટરથી જેટલી સમસ્યા નથી એટલી ત્યાં હાજર જવાનોથી છે.' 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news